<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

પાકિસ્તાનના સેનાધ્યક્ષ આસિમ મુનીરની વ્હાઇટ હાઉસ મુલાકાત: ઇઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્ધવિરામની મધ્યસ્થીનો આશ્ચર્યજનક દાવો કર્યો: અમેરિકા તરફથી ટ્રમ્પે ૧૨ એફ-૩૫ અને ૧૦ અબજ ડોલરની ભેટની જાહેરાત કરી ! સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા ખરેખર જાહેરાત કરી કે ગપગોળો?

વોશિંગ્ટન: પાકિસ્તાનના સેનાધ્યક્ષ (સીઓએએસ) ફિલ્ડ માર્શલ સૈયદ આસિમ મુનીરે આજે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસમાં બપોરના ભોજન દરમિયાન મહત્વની મુલાકાત કરી. આ મુલાકાત બાદ પત્રકારોએ આસિમ મુનીરને પૂછ્યું કે, "તમારી વ્હાઇટ હાઉસ મુલાકાતનો ઉદ્દેશ શું હતો?" જવાબમાં મુનીરે આશ્ચર્યજનક દાવો કરતાં કહ્યું, "હું ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની મધ્યસ્થી કરીને ત્રીજું વિશ્વયુદ્ધ રોકવા આવ્યો હતો."

આ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે વચ્ચે ટકોર કરીને કહ્યું, "અમને એશિયાના સૌથી વિશિષ્ટ ફિલ્ડ માર્શલનું સ્વાગત કરવાનો ગૌરવ પ્રાપ્ત થયું છે." ટ્રમ્પે આગળ જણાવ્યું, "વૈશ્વિક શાંતિ માટે તમારી અદ્ભુત સેવાની કદર કરવા માટે હું પાકિસ્તાનને ૧૨ એફ-૩૫ લડાકુ વિમાનો અને ૧૦ અબજ ડોલરની ભેટની જાહેરાત કરું છું !!"

આ જાહેરાત સાંભળીને આસિમ મુનીરે હળવા અંદાજમાં કહ્યું, "મિસ્ટર પ્રેસિડેન્ટ, હું આશા રાખું છું કે આ મજાક નથી." જેના જવાબમાં ટ્રમ્પે હસતાં હસતાં કહ્યું, "શરૂઆત તમે જ કરી છે." આ પછી સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચા ચાલી છે કે ટ્રમ્પે ખરેખર આ ભેટ આપી છે કે માત્ર મજાક કરી છે. સત્તાવાર કોઇ જાહેરાત થઈ નથી.

આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે પશ્ચિમ એશિયામાં ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ટ્રમ્પે તાજેતરમાં ટ્રુથ સોશિયલ પર ઈરાનને "બિનશરતી શરણાગતિ"ની માંગ સાથે ધમકી આપી હતી, જેમાં તેમણે દાવો કર્યો હતો કે અમેરિકા ઈરાનના આકાશ પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે અને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખામેનીની ચોક્કસ સ્થિતિની જાણકારી ધરાવે છે.

આ ઉપરાંત, ટ્રમ્પે આસિમ મુનીરની મુલાકાત દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચેના તાજેતરના ચાર દિવસીય સંઘર્ષને અટકાવવામાં મુનીરની ભૂમિકાની પ્રશંસા કરી હતી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે બે પરમાણુ શક્તિ ધરાવતા દેશો વચ્ચે યુદ્ધ અટકાવ્યું, જોકે ભારતે આ મધ્યસ્થીના દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે યુદ્ધવિરામ ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે સીધી વાતચીત દ્વારા થયો હતો, જેમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નહોતી.

આસિમ મુનીરે વોશિંગ્ટનમાં આપેલા એક ભાષણમાં ઈરાન પ્રત્યે પાકિસ્તાનની એકતાનો ઉલ્લેખ કર્યો હતો અને સંઘર્ષના ઝડપી ઉકેલની આશા વ્યક્ત કરી હતી. જોકે, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના જનરલ મોહસેન રેઝાઈએ દાવો કર્યો હતો કે ઇઝરાયેલ ઈરાન પર પરમાણુ હુમલો કરે તો પાકિસ્તાન ઇઝરાયેલ પર પરમાણુ હોમલો કરશે, જેને પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મુહમ્મદ આસિફે "બનાવટી" અને "બેજવાબદાર" ગણાવીને ફગાવી દીધો હતો.

આ મુલાકાત અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં નવા વળાંઓનો સંકેત આપે છે, જે ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન તણાવગ્રસ્ત હતા. ટ્રમ્પે પાકિસ્તાનને "છળકપટથી ભરેલું" ગણાવ્યું હતું, પરંતુ આ મુલાકાત દરમિયાન તેમણે પાકિસ્તાન પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો અને વેપાર કરારની ચર્ચાઓ શરૂ થઈ હોવાનું જણાવ્યું.

આ મુલાકાતે ભારતમાં ચર્ચા જગાવી છે. કોંગ્રેસ સાંસદ શશી થરૂરે. કહ્યું, “હું આશા રાખું છું કે આસિમ મુનીરને આ ભોજનમાં કંઈક ચિંતનનો વિષય મળે. અમેરિકાએ પાકિસ્તાનને આતંકવાદને ટેકો ન આપવાની યાદ અપાવવી જોઈએ.” ભૌગોલિક રાજનીતિના નિષ્ણાત બ્રહ્મા ચેલ્લાનીએ આ મુલાકાતને ભારત વિરુદ્ધનું પગલું ગણાવ્યું અને કહ્યું કે આ દ્વારા ટ્રમ્પ પાકિસ્તાનની સેનાને વૈધાનિકતા આપી રહ્યા છે.

આસિમ મુનીરની વ્હાઇટ હાઉસ મુલાકાત અને ટ્રમ્પની ૧૨ એફ-૩૫ વિમાનો તેમજ ૧૦ અબજ ડોલરની ભેટની જાહેરાતે વૈશ્વિક રાજનીતિમાં નવી ચર્ચા જગાવી છે. આ ઘટના ઈરાન-ઇઝરાયેલ સંઘર્ષ, ભારત-પાકિસ્તાન સંબંધો અને અમેરિકાની દક્ષિણ એશિયાઈ નીતિના સંદર્ભમાં મહત્વની ગણાય છે. જોકે, આ ભેટની જાહેરાતની સત્યતા અને તેના અમલીકરણ અંગે હજુ સ્પષ્ટતા જરૂરી છે.

(5:59 PM IST)