હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'આશા છે કે મુનીરને ભોજન પીરસતી વખતે અમેરિકા ઓસામાને ભૂલી નહિ ગયુ હોય': શશી થરૂરનો કટાક્ષ
આશા છે કે અમેરિકન નેતાએ પાકિસ્તાનને યાદ અપાવ્યું હશે કે તેણે તેની ધરતી પરથી આતંકવાદીઓને પોષવા કે તાલીમ અને શસ્ત્રો પૂરા પાડવા ન જોઈએ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપીને ભોજન આપવા બદલ કોંગ્રેસના સાંસદ શશી થરૂરે અમેરિકા પર કટાક્ષ કર્યો છે. થરૂરે વ્યંગાત્મક રીતે કહ્યું કે, આશા છે કે મુનીરને ભોજન આપતી વખતે અમેરિકા ઓસામા બિન લાદેન અને 9/11 ના આતંકવાદી હુમલાને ભૂલ્યું નહિ હોય.
થરૂરનો આતંકવાદ પર કડક સંદેશ
ગુરુવારે મીડિયા સાથે વાત કરતા શશી થરૂરે જણાવ્યું કે, "મને આશા છે કે ભોજન સારું હશે અને આ સમય દરમિયાન તેમને વિચારવાનો પણ થોડો સમય મળ્યો હશે. મને આશા છે કે આ બેઠકમાં અમેરિકન નેતાઓએ પાકિસ્તાનને યાદ અપાવ્યું હશે કે તેણે તેની ધરતી પરથી આતંકવાદીઓને પોષવામાં અને તેમને તાલીમ અને શસ્ત્રો પૂરા પાડવામાં મદદ ન કરવી જોઈએ."
થરૂરે વધુમાં કહ્યું કે, "અમેરિકાના લોકો ઓસામાને આટલી જલ્દી ભૂલી શકે નહિ. ઓસામા પાકિસ્તાની આર્મી બેઝની નજીક એક સુરક્ષિત જગ્યાએ મળી આવ્યો હતો. અમેરિકા ઓસામાને છુપાવવાની પાકિસ્તાનની ભૂલને સરળતાથી ભૂલી અને માફ કરી શકે નહિ." તેમણે કટાક્ષ કરતા ઉમેર્યું, "મને આશા છે કે જ્યારે જનરલને વાઇન પીરસવામાં આવ્યો હતો, ત્યારે તેમને આ બધી બાબતો યાદ કરાવી હશે. આ અમેરિકાના હિતમાં છે."
ટ્રમ્પનો દાવો: ભારત-પાક યુદ્ધવિરામનો શ્રેય
બુધવારે વ્હાઇટ હાઉસમાં પાકિસ્તાની આર્મી ચીફ મુનીરનું સ્વાગત કરતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે મુનીરે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાવવામાં તેમને મદદ કરી હતી. ટ્રમ્પે કહ્યું, "પાકિસ્તાન તરફથી પરિસ્થિતિ શાંત કરવામાં આસિમ મુનીર ખૂબ જ પ્રભાવશાળી હતા અને ભારત તરફથી પીએમ મોદીએ પણ મોટું યોગદાન આપ્યું હતું."
આ દરમિયાન ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય લેવાનો પ્રયાસ કર્યો. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ હથિયારોથી સજ્જ દેશો છે અને તેમણે બે મોટી શક્તિઓ વચ્ચે યુદ્ધ અટકાવ્યું.
શશી થરૂરનો કટાક્ષ અમેરિકાની પાકિસ્તાન પ્રત્યેની નીતિઓ અને આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાનની ભૂમિકા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
