<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

અમદાવાદ વિમાન દુર્ઘટના : અત્યારસુધીમાં ૨૧૫ મૃતકોના DNA સેમ્પલ મેચ થયા : ૧૯૮ મૃતદેહ પરિવારજનોને સોંપાયા!

સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીની મીડિયા બ્રીફ : ૫ પરિવારો પાર્થિવ દેહ સ્વીકારવા આવશે : ૯ પરિવારો DNA મેચની રાહમાં : મૃતકોમાં ભારતીય સહિત પોર્ટુગીઝ, બ્રિટિશ અને કેનેડિયન નાગરિકોનો સમાવેશ

અમદાવાદ: સાંજે ૫:૪૫ વાગ્યે: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાહત અને બચાવ કામગીરી તેમજ મૃતદેહોને ઓળખવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ આજે સાંજે ૦૫:૪૫ વાગ્યે યોજાયેલા મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કુલ ૨૧૫ મૃતકોના DNA સેમ્પલ સફળતાપૂર્વક મેચ થયા છે. જેમાંથી ૧૯૮ મૃતદેહો તેમના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા છે.
મીડિયા બ્રીફિંગમાં વધુ વિગતો આપતા ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, "અન્ય ૫ પરિવારો વહેલી સવાર સુધીમાં તેમના સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા માટે આવશે. ૩ પરિવારો સાથે તંત્ર સતત સંપર્કમાં છે, જ્યારે ૯ પરિવારો તેમના બીજા સ્વજનના DNA મેચિંગની રાહ જોઈ રહ્યા છે."
તેમણે મૃતકોની રાષ્ટ્રીયતા અંગે પણ માહિતી આપતા ઉમેર્યું કે, જે ૧૯૮ મૃતદેહો પરિવારોને સોંપવામાં આવ્યા છે તેમાં ૧૪૯ ભારતના નાગરિકો, ૦૭ પોર્ટુગલના નાગરિકો, ૩૨ બ્રિટિશ નાગરિકો, ૦૧ કેનેડિયન નાગરિક તેમજ ૯ નોન-પેસેન્જરનો સમાવેશ થાય છે. મૃતદેહોને તેમના નિવાસસ્થાને પહોંચાડવા માટે ૧૫ જેટલા પાર્થિવ દેહને હવાઈ માર્ગે, જ્યારે ૧૮૩ જેટલા દેહોને સડક માર્ગે મોકલવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ૬ દર્દીઓમાંથી ૧ દર્દીને ટૂંક સમયમાં રજા આપવામાં આવશે, જ્યારે બાકીના ૫ દર્દીઓની આરોગ્ય સ્થિતિ સ્થિર છે, તેમ ડો.જોશીએ જણાવ્યું હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે તંત્ર કટિબદ્ધ છે.

 

(7:26 PM IST)