<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

વિદેશ યાત્રા પૂર્ણ કરી ભારત પરત :વડાપ્રધાન મોદી આજથી ત્રણ રાજ્યોના બે દિવસની મુલાકાતે જશે

12 વાગ્યે બિહારના સિવાન જિલ્લામાં પહોંચશે: સાંજે 4 વાગ્યે ઓડિશાના ભુવનેશ્વરમાં મેગા રોડ-શો કરશે અને પછી શનિવારે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર 'યોગ આંધ્ર' કાર્યક્રમમાં ભાગ લેશે

નવી દિલ્હી :ત્રણ દેશોની પાંચ દિવસની વિદેશ યાત્રા પૂર્ણ કરીને 19 જૂનના રોજ ભારત પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હવે શુક્રવારથી ભારતના 3 રાજ્યોના બે દિવસના પ્રવાસ પર જશે. આ દરમિયાન, વડાપ્રધાન  મોદી શુક્રવારે (20 જૂન) બપોરે લગભગ 12 વાગ્યે બિહારના સિવાન જિલ્લામાં પહોંચશે. ત્યારબાદ સાંજે 4 વાગ્યે ઓડિશાના ભુવનેશ્વરમાં મેગા રોડ-શો કરશે અને પછી શનિવારે (21 જૂન, 2025) તેઓ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર 'યોગ આંધ્ર' કાર્યક્રમમાં ભાગ લેશે.

  પીએમ મોદી શુક્રવારે (20 જૂન) બિહારના સિવાન જિલ્લાની મુલાકાત લેશે. આ સમય દરમિયાન, સિવાન જિલ્લામાં પાણી, રેલ અને વીજળી સહિત અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો પીએમ મોદી શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત PM નરેન્દ્ર મોદી અહીં એક જાહેર સભાને પણ સંબોધિત કરવાના છે. પ્રધાનમંત્રી ગિની રિપબ્લિકમાં નિકાસ માટે મારહોરા પ્લાન્ટમાં ઉત્પાદિત એક અત્યાધુનિક લોકોમોટિવને લીલી ઝંડી આપશે.

બિહારના સિવાન જિલ્લાની મુલાકાત લીધા પછી, PM મોદી સાંજે 4 વાગ્યે ઓડિશાની રાજધાની ભુવનેશ્વર જશે. ભુવનેશ્વરમાં, પીએમ મોદી ભાજપ સરકારના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાજ્ય સ્તરના કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. આ પછી, એરપોર્ટથી રોડ શો કરવાનો પણ કાર્યક્રમ છે. આ ઉપરાંત, PM મોદી ભુવનેશ્વરમાં ૧૮,૬૦૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ સાથે, તેઓ ઓડિશામાં ભાજપ સરકારના ઓડિશા વિઝન ૨૦૩૬ દસ્તાવેજનું વિમોચન કરશે અને એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.

બિહાર અને ઓડિશામાં કાર્યક્રમો પૂર્ણ થયા બાદ PM મોદી શનિવારે (21 જૂન, 2025) આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રહેશે. વિશાખાપટ્ટનમમાં, પીએમ મોદી 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આયોજિત ઉજવણીનું નેતૃત્વ કરશે. પીએમ મોદીના આ કાર્યક્રમમાં લગભગ પાંચ લાખ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે.

(11:59 PM IST)