<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

ઈ-વે બિલ અને જીએસટીઆર-૧માં ડેટા મિસમેચની હવે તાત્‍કાલિક જ નોટિસ મળશે

અગાઉ તપાસમાં વિગતો બહાર આવે ત્‍યારે નોટિસ અપાતી હતી : ઇ-વે બિલ અને જીએસટીઆર-૧ ડેટા ઓટોપોપ્‍યુલેટથી ભૂલ તરત ઓળખાશે

 

 

મુંબઇ તા.૨૦: ઈ-વે બિલનું નવું પોર્ટલ કાર્યરત થવાના કારણે વેપારીઓએ ઈ-વે બિલ બનાવવામાં અથવા તો જીએસટીઆર-૧નું રિટર્ન ભરવામાં નાની સરખી પણ ભૂલ કરી તો વેપારીને તાત્‍કાલિક જ સિસ્‍ટમ જનરેટેડ નોટિસ મળી જશે. અત્‍યાર સુધી વેપારીઓને તેના માટે નોટિસ મળતી હતી, પરંતુ તેમાં વેપારીએ કરેલી ભૂલ અધિકારીને ધ્‍યાને આવે ત્‍યારે નોટિસ આપવામાં આવતી હતી. જેથી કેટલીક વખત ત્રણ મહિના કરતાં વધારે સમય બાદ પણ નોટિસ આપવામાં આવતી હતી. જયારે વેપારીએ ભૂલ કરી હોવા છતાં અધિકારીઓના ધ્‍યાને નહીં

આવે તેવા કિસ્‍સામાં વેપારીઓને નોટિસ મળતી નથી. જ્‍યારે ઈ-વે બિલ માટેનું નવું પોર્ટલ કાર્યરત થવાના કારણે તાત્‍કાલિક જ સિસ્‍ટમ જનરેટેડ નોટિસ મળવાની છે.

આગામી એક જુલાઇ ૨૦૨૫થી ઈ-વે બિલ બનાવવા માટેનું નવું પોર્ટલ કાર્યરત થવાનું છે. તેના કારણે વેપારીઓને ઈ-વે બિલ બનાવવામાં સરળતા રહેવાની છે. પરંતુ તેની સાથે પરેશાનીમાં ચોક્કસપણે વધારો થવાનો છે. તે માટેનું કારણ એવું છે કે વેપારીએ ઈ-વે બિલ બનાવવામાં આવ્‍યા બાદ જીએસટીઆર-૧માં તેમાં ફેરફાર કર્યો હશે અથવા તો રિટર્નમાં દર્શાવ્‍યું નહીં હોય તો વેપારીએ કરેલી ભૂલ તાત્‍કાલિક જ સિસ્‍ટમ દ્વારા પકડી પાડવામાં આવશે. આ ભૂલને કારણે વેપારીને નોટિસ મળવાની સંખ્‍યામાં વધારો થવાનો છે. જોકે તેના કારણે જીએસટીની આવકમાં ચોક્કસપણે વધારો થશે, કારણ કે ઈ-વે બિલ અને જીએસટીઆર-૧ની વિગતો આપોઆપ પોર્ટલ પર ઓટોપોપ્‍યુલેટે થવાના કારણે તેની પણ વિગતો અધિકારીઓને મળી રહેવાની છે. આ કારણોસર કોઈ વેપારીએ જીએસટી ચોરી કરવા માટે ઈ-વે બિલ તો બનાવ્‍યું હશે પરંતુ તેની વિગતો જીએસટીઆર-૧માં દર્શાવી નહીં હોય તો તે પણ સિસ્‍ટમ દ્વારા પકડી પાડવામાં આવશે.(૩૮.૯)

(9:45 AM IST)