<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

અમદાવાદ વિમાન દુર્ઘટના : હોસ્ટેલ-બિલ્ડીંગના કાટમાળમાં દબાઈ જવાથી જુનિયર ડોકટરો સહિત કુલ 11 લોકોનાં મોત

પાંચથી સાત લોકો હજુ લાપતા હોવાની ફરિયાદ મળતા સ્વજનોના ડીએનએ સેમ્પલ લેવાશે

અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં 200થી વધુ મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં વિશ્વાસકુમાર રમેશનો ચમત્કારિક બચાવ થયો હતો. ડ્રીમલાઇનર વિમાન મેસ-હોસ્ટેલના બિલ્ડીંગ પર તૂટી પડતાં જુનિયર ડોક્ટરો અને અન્ય સ્થાનિકો સહિત કુલ 11 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત પાંચથી સાત લોકો હજુ પણ લાપતા હોવાની ફરિયાદો મળી છે.

સિવિલ હોસ્પિટલ નજીક મેસ બિલ્ડીંગ-હોસ્ટેલ પર વિમાન તૂટી પડતાં જુનિયર ડોક્ટરો ઉપરાંત નર્સિંગ સ્ટાફ અને સ્થાનિક રહીશો પણ ઘાયલ થયા હતા. આ વિમાની દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોને માત્ર સિવિલ હોસ્પિટલમાં જ નહીં, પરંતુ ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી વધુ ત્રણ લોકોનાં મૃત્યુ થયા છે. હોસ્ટેલ-બિલ્ડીંગના કાટમાળમાં દબાઈ જવાથી અત્યાર સુધી જુનિયર ડોકટરો સહિત કુલ 11 લોકોનાં મોત થયા છે.

તંત્રએ જણાવ્યા મુજબ, 12મી જૂને થયેલી વિમાની દુર્ઘટના બાદ પાંચથી સાત લોકો લાપતા હોવાની ફરિયાદો મળી છે. તેના આધારે સ્વજનોને ડીએનએ સેમ્પલ આપવા જણાવાયું છે. ડીએનએ મેચિંગ થયા બાદ મૃતક કોણ છે તેની ઓળખ થશે. હાલ કાટમાળમાં દબાયેલા મૃતદેહોને સુરક્ષિત રીતે સાચવી રાખવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ પરિવારજનોને સોંપવામાં આવશે. અનુમાન છે કે લાપતા થયેલા લોકો સિવિલ હોસ્પિટલની આસપાસ રહેતા સ્થાનિક રહીશો પણ હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, વિમાન દુર્ઘટનામાં 97 જેટલા તબીબી વિદ્યાર્થીઓ અને જુનિયર તબીબોને અંદાજિત કુલ રૂપિયા 2.69 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે, જેની પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 215 મૃતકોના ડીએનએ મેચ થયા છે, જે પૈકી 198 મૃતદેહ પરિવારજનોને સુપરત કરી દેવાયા છે.

(12:29 PM IST)