News of Friday, 20th June 2025
રાજકોટના હિરેન મહેતા વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના સર્વોચ્ચ પદ પર : ૩૩મા દ્વિવાર્ષિક અધિવેશનમાં પ્રેસિડેન્ટ તરીકે વરણી - તેમના પર વરસી રહી છે અમભિનંદન વર્ષા : ભાવનગરના આર.જી. કાબર મહામંત્રી નિમાયા!
ભાવનગર ડિવિઝન નાં વેરાવળ ખાતે યોજાયેલા ઐતિહાસિક અધિવેશનમાં રાજકોટ ડિવિઝનના સંગઠનશક્તિનો વિજય : પશ્ચિમ રેલવેના હજારો રેલવે કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવાની જવાબદારી હિરેન મહેતાના શીરે

રાજકોટ : રાજકોટ માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવેના પશ્ચિમ વિભાગના સૌથી મોટા અને શક્તિશાળી કર્મચારી સંગઠન, વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના ૩૩મા દ્વિવાર્ષિક અધિવેશનમાં રાજકોટના પનોતા પુત્ર હિરેન મહેતાને સર્વોચ્ચ પદ, એટલે કે સમગ્ર વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રમુખ (પ્રેસિડેન્ટ) તરીકે સર્વાનુમતે ચૂંટી કાઢવામાં આવ્યા છે. આ તકે તેમના મોબાઈલ નંબર +91 97240 94089 પર ચોમેર થી અભિનંદન વર્ષા વરસી રહી છે. આ અધિવેશન ભાવનગર ડિવિઝન નાં વેરાવળ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.
આ વરણી સાથે રાજકોટ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના વર્તમાન ડિવિઝનલ જનરલ સેક્રેટરી હિરેન મહેતાની કારકિર્દીમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. તેમની આ નિમણૂક પશ્ચિમ રેલવેના હજારો કર્મચારીઓના વિશ્વાસ અને તેમના સંગઠન પ્રત્યેના સમર્પણનું પ્રતિક છે.
આ અધિવેશનમાં માત્ર પ્રમુખ પદ જ નહીં, પરંતુ મહામંત્રી પદ માટે પણ વરણી કરવામાં આવી છે. ભાવનગરના જાણીતા રેલવે નેતા આર.જી. કાબરની વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના મહામંત્રી તરીકે વરણી થયેલ છે. આ બંને નેતાઓની જોડી આગામી સમયમાં પશ્ચિમ રેલવેના કર્મચારીઓના કલ્યાણ અને અધિકારો માટે કાર્ય કરશે.
હિરેન મહેતાએ વર્ષોથી રાજકોટ ડિવિઝનમાં રેલવે કર્મચારીઓના હિતો માટે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે. તેમની સક્રિયતા, મુદ્દાઓની ઊંડી સમજણ અને કર્મચારીઓ સાથેના સીધા સંપર્કને કારણે તેઓ આ ઉચ્ચ પદ માટે સર્વસ્વીકૃત પસંદગી બન્યા છે. તેમની આ નિમણૂકથી રાજકોટ ડિવિઝન સહિત પશ્ચિમ રેલવેના તમામ કર્મચારીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે. આગામી સમયમાં, હિરેન મહેતાના નેતૃત્વ હેઠળ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ અને તેમના હિતોના રક્ષણ માટે વધુ સક્રિય ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
