તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
અમેરિકામાં ટેરિફ નીતિના કારણે નવી કાર ખરીદવી મોંઘી થશે :હવે 2,000 ડોલર વધારે ચૂકવવા પડશે
આગામી ત્રણ વર્ષમાં અમેરિકામાં 10 લાખ કારનું વેચાણ ઘટી શકે: ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ઘટાડો થશે

નવી દિલ્હી : 2025 ના અંત સુધીમાં અમેરિકામાં સામાન્ય લોકો માટે કાર ખરીદવી વધુ મોંઘી થઈ શકે છે. હકીકતમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિને કારણે અમેરિકામાં દરેક નવી કાર પર 2,000 ડોલરનો વધારો થયો છે. એલિક્સપાર્ટનર્સના એક અહેવાલ મુજબ ઓટો કંપનીઓ આ ખર્ચનો લગભગ 80 ટકા સીધો ગ્રાહકો પાસેથી વસૂલ કરશે. એટલે કે, સરેરાશ અમેરિકનને 1760 વધારે ખર્ચવા પડશે.
આ ટેરિફ પ્લાન ટ્રમ્પની "મેક અમેરિકા ગ્રેટ અગેઇન" નીતિનો એક ભાગ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશી કાર અને ઓટો પાર્ટ્સ પર અમેરિકન નિર્ભરતા ઘટાડવાનો છે, જેથી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપી શકાય, પરંતુ આ નિર્ણયની સીધી અસર અમેરિકન ગ્રાહકો અને ઓટો ઉદ્યોગ પર પડશે, જેમને આ ટેરિફને કારણે વધુ કિંમત ચૂકવવી પડશે.
રિપોર્ટ અનુસાર આ ટેરિફના કારણે આગામી ત્રણ વર્ષમાં અમેરિકામાં 10 લાખ કારનું વેચાણ ઘટી શકે છે. જોકે એવો અંદાજ છે કે 2030 સુધીમાં વાર્ષિક ઓટો વેચાણ 17 મિલિયન યુનિટ સુધી પહોંચી જશે. જનરલ મોટર્સને ટેરિફને કારણે લગભગ 5 બિલિયન ડોલર અને ફોર્ડને 2.5 બિલિયન ડોલરનું નુકસાન થવાની અપેક્ષા છે.
જો ટ્રમ્પ વહીવટીતંત્ર EV ટેક્સ ક્રેડિટ 7,500 ડોલર જેવા પ્રોત્સાહનો બંધ કરે છે, તો તેનાથી ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ઘટાડો થઈ શકે છે. આનાથી ગ્રાહકો પેટ્રોલ અને ડીઝલ વાહનો તરફ પાછા ફરી શકે છે. અગાઉ 2030 સુધીમાં કુલ વેચાણમાં EV નો હિસ્સો 31 ટકા રહેવાની ધારણા હતી, પરંતુ હવે તે ઘટીને માત્ર 17 ટકા થવાની ધારણા છે.
વિશ્વભરના દેશો ખાસ કરીને ચીન EV ટેકનોલોજીમાં ઝડપથી આગળ વધી રહ્યા છે, પરંતુ આ નીતિઓને કારણે અમેરિકા પાછળ રહી શકે છે. ટેરિફ વધારીને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના પ્રયાસો થઈ રહ્યા હોવા છતાં તેની અસર ગ્રાહકોના ખિસ્સા પર ભારે પડી શકે છે અને વૈશ્વિક ઓટો સ્પર્ધામાં અમેરિકાની સ્થિતિ પણ નબળી પડી શકે છે.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
