<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

થાઇલેન્ડમાં ફોન કોલ રેકોર્ડિંગ લીક થતા રાજકીય હોબાળો : વડાપ્રધાનની ખુરશી જોખમમાં :સરકારના પતનની શક્યતા

38 વર્ષીય શિનાવાત્રાએ માફી માંગી છતાં, 'ફુ થાઇ પાર્ટી'ના નેતૃત્વ હેઠળની ગઠબંધનની બીજી સૌથી મોટી પાર્ટી 'ભૂમજૈથાઇ પાર્ટી'એ સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો

થાઇલેન્ડમાં ફોન કોલ રેકોર્ડિંગ લીક થવાથી રાજકીય તોફાન સર્જાયું હતું. આ 17 મિનિટની કોલ રેકોર્ડિંગ થાઇલેન્ડના વડાપ્રધાન પટોંગટાર્ન શિનાવાત્રા અને કંબોડિયન નેતા હુન સેન વચ્ચેની વાતચીતની છે. આ એક હાઇ પ્રોફાઇલ ફોન કોલ હતો જે લીક થયો હતો. હવે થાઇલેન્ડના વડાપ્રધાનની ખુરશી જોખમમાં છે અને તેમની સરકારના પતનની પણ શક્યતા છે.

 

38 વર્ષીય શિનાવાત્રાએ પણ આ માટે માફી માંગી છે. આ છતાં, 'ફુ થાઇ પાર્ટી'ના નેતૃત્વ હેઠળની ગઠબંધન સરકાર જોખમમાં છે. ગઠબંધનની બીજી સૌથી મોટી પાર્ટી 'ભૂમજૈથાઇ પાર્ટી'એ સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો છે. આ પછી, શિનાવાત્રા પાસે માત્ર થોડી બહુમતી બાકી છે. ગઠબંધનની સ્થિતિ નાજુક રહે છે, કારણ કે બાકીના ઘટક પક્ષોએ પણ બેઠકો શરૂ કરી દીધી છે. સત્તાનું ગણિત એવું છે કે જો કોઈ અન્ય પક્ષ ગઠબંધનમાંથી ટેકો પાછો ખેંચી લે તો સરકાર પડી જશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિપક્ષી પાર્ટી પીપલ્સ પાર્ટીના નેતા નથાફોંગ રુએંગપન્યાવુતે સંસદ ભંગ કરવાની માંગ કરી છે. અન્ય વિપક્ષી પાર્ટીઓએ પણ નવેસરથી ચૂંટણીઓની માંગ કરી છે.

 

જોકે કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચે દાયકાઓથી સરહદ વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ આ મામલાના મૂળ ગયા મહિને બનેલી એક ઘટના સાથે જોડાયેલા છે. 28 મે 2025 ના રોજ, સરહદી વિસ્તારમાં લશ્કરી અથડામણ થઈ હતી, જેમાં એક કંબોડિયન સૈનિકનું મોત નીપજ્યું હતું. વિરોધમાં, કંબોડિયાએ થાઇલેન્ડ પર અનેક પ્રતિબંધો લાદ્યા હતા. તણાવની આ પરિસ્થિતિ વચ્ચે, શિનાવાત્રા અને હુન સેન વચ્ચે વાતચીત થઈ.

ટીકાકારોનું કહેવું છે કે, શિનાવાત્રા આ કોલમાં હુન સેનને 'અંકલ' કહીને સંબોધી રહી છે અને બિનજરૂરી રીતે વધારાનું સન્માન આપી રહી છે. તે સરહદ વિવાદ સંભાળતા પોતાના જ એક લશ્કરી કમાન્ડરની ટીકા કરી રહી છે. કોલ પર, તેણીએ હુન સેનને એમ પણ કહ્યું, 'જો તમારી પાસે કંઈક કહેવું હોય, તો મને સીધું કહો, હું તેનું ધ્યાન રાખીશ.' થાઇલેન્ડના અત્યાર સુધીના સૌથી નાના વડાપ્રધાન શિનાવાત્રાએ પોતાના બચાવમાં કહ્યું કે આ તેમની વાટાઘાટોની રીત હતી.

પરંતુ તેમના પરિવાર અને કંબોડિયા પર શાસન કરતા હુન પરિવાર વચ્ચેના જૂના સંબંધોને કારણે, તેણી શંકાના દાયરામાં આવી. વાસ્તવમાં, હુન સેનને શિનાવાત્રાના પારિવારિક મિત્ર માનવામાં આવે છે. થાઇ વડાપ્રધાનના પિતા થાક્સિન શિનાવાત્રા અને હુન સેન લાંબા સમયથી એકબીજાના સહયોગી છે. બંને એકબીજાને 'ગોડબ્રધર્સ' કહે છે.

 

શિનાવાત્રા જેને વાટાઘાટોનો માર્ગ કહી રહી છે, તેનો હુન સેને અલગ રીતે ઉપયોગ કર્યો. હુન સેન લગભગ ચાર દાયકાથી કંબોડિયા પર શાસન કરી રહ્યા છે. તેમના પુત્ર હુન માનેત 2023 થી ત્યાં વડાપ્રધાન છે. આમ છતાં, હુન રાજકીય રીતે શક્તિશાળી રહે છે.

હુને આ રેકોર્ડિંગનો એક ભાગ લગભગ 80 કંબોડિયન નેતાઓ સાથે શેર કર્યો. આનાથી થાઇલેન્ડમાં હંગામો મચી ગયો. આ પછી, થાઈ વિદેશ મંત્રાલયે કંબોડિયન રાજદૂતને બોલાવ્યા અને કોલ લીક થવા અંગે ફરિયાદ કરતો વિરોધ પત્ર સુપરત કર્યો. તેમણે આ મામલાનો ઉકેલ લાવવાની માંગ કરી. આ પછી, હુન સેને ફેસબુક પર આખી 17 મિનિટની ક્લિપ અપલોડ કરી. તે બહાર આવતાની સાથે જ શિનાવાત્રાના રાજીનામાની માંગ કરવામાં આવી.

આ મામલે થયેલા હોબાળા પછી, થાઈ પીએમએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી. તેમણે કહ્યું કે, હું કંબોડિયન નેતા સાથેની મારી વાતચીતના લીક થયેલા ઓડિયો માટે માફી માંગવા માંગુ છું. આનાથી લોકોમાં રોષ ફેલાયો છે.

શિનાવાત્રાને વડાપ્રધાન બન્યાને લગભગ એક વર્ષ થયું છે. થાઈલેન્ડમાં ઘણા બળવા થયા છે. હવે શિનાવાત્રા જે પ્રકારના વિરોધનો સામનો કરી રહ્યા છે, તેનાથી તેમના માટે તેમની સરકાર બચાવવી સરળ રહેશે નહીં.

(1:08 PM IST)