<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

પાકિસ્તાનની દિગ્ગ્જ અભિનેત્રી આયેશા ખાનનું નિધન: ખૂબ જ ખરાબ હાલતમાં મૃતદેહ મળ્યો

તેમનું મૃત્યુ લગભગ સાત દિવસ પછી પ્રકાશમાં આવ્યું, જ્યારે તેમનો મૃતદેહ કરાચીમાં તેમના ઘરમાં સડેલી હાલતમાં મળી આવ્યો : ટેલિવિઝન અને ફિલ્મોમાં ચાર દાયકાથી વધુ સમય સુધી પોતાની અભિનય કલાનો જાદુ ફેલાવ્યો

કરાંચી : પાકિસ્તાની મનોરંજન જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. ટેલિવિઝન અને ફિલ્મોમાં ચાર દાયકાથી વધુ સમય સુધી પોતાની અભિનય કલાનો જાદુ ફેલાવનાર પ્રખ્યાત પાકિસ્તાની અભિનેત્રી આયેશા ખાનનું નિધન થયું છે. આશ્ચર્યજનક રીતે, તેમનું મૃત્યુ લગભગ સાત દિવસ પછી પ્રકાશમાં આવ્યું, જ્યારે તેમનો મૃતદેહ કરાચીમાં તેમના ઘરમાં સડેલી હાલતમાં મળી આવ્યો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આયેશા ખાન થોડા સમયથી એકલી રહેતી હતી. જ્યારે તેમના ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી, ત્યારે આસપાસના લોકોએ પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ફ્લેટનો દરવાજો ખોલતાની સાથે જ તેમને અંદર સડેલી હાલતમાં અભિનેત્રીનો મૃતદેહ મળ્યો. ઘટનાસ્થળે પહોંચેલી ફોરેન્સિક ટીમ અને પોલીસે શરૂઆતની તપાસમાં જણાવ્યું હતું કે અભિનેત્રીનું મૃત્યુ લગભગ એક અઠવાડિયા પહેલા થયું હતું. હાલમાં, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિન્ના પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે.

આયેશા ખાનનો જન્મ ૧૯૪૮માં થયો હતો. તેમણે ૭૬ વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું. તેમણે પાકિસ્તાની ટીવી સિરિયલોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ધીમે ધીમે તે ફિલ્મો અને ટેલિફિલ્મોમાં પણ દેખાવા લાગી. તે છેલ્લે ૨૦૨૦માં ટીવી શો 'સોતેલી મમતા'માં જોવા મળી હતી.

અહેવાલો અનુસાર, આયેશા ખાન એકલી રહેતી હતી અને છેલ્લા કેટલાક વર્ષોથી અભિનયથી પણ દૂર રહી હતી. તેનો પરિવાર પણ તેની સાથે રહેતો ન હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના બાળકો વિદેશમાં રહે છે અને પોલીસ તેમના આગમનની રાહ જોઈ રહી છે, જેથી અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ થઈ શકે.

નોંધનીય છે કે આયેશા ખાન પ્રખ્યાત પાકિસ્તાની અભિનેત્રી ખાલિદા રિયાસતની મોટી બહેન હતી. બંનેએ સાથે મળીને પાકિસ્તાની ટીવી ઉદ્યોગમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

 

(7:42 PM IST)