<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

ઈરાન પર અમેરિકી હુમલા બાદ નેતન્યાહુનું મોટું નિવેદન - "ટ્રમ્પે મને ફોન કર્યો, ઈતિહાસ બદલનારો નિર્ણય!"

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ડોનાલ્ડ ટ્રમ્પના સાહસિક નિર્ણયને બિરદાવ્યો : 'સૌથી મોટા મિત્ર' ગણાવી અભિનંદન પાઠવ્યા, કહ્યું - "ઈરાનના અણુ ઠેકાણાઓ નષ્ટ કરવાનું અમારું વચન પૂર્ણ થયું, વિશ્વ શાંતિ માટે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ખતરો."

તેલ અવિવ : ઈરાનના ત્રણ અણુ ઠેકાણાઓ પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. નેતન્યાહુએ આ હુમલા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારે પ્રશંસા કરી છે અને તેને 'ઈતિહાસ બદલનારો' નિર્ણય ગણાવ્યો છે.
નેતન્યાહુએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું કે, "આજ રાતના અભિયાનના પૂર્ણ થયા બાદ તરત જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે મને ફોન કર્યો હતો. તેમની સાથેની વાતચીત ખૂબ જ આત્મીય અને ભાવનાત્મક હતી." નેતન્યાહુએ ટ્રમ્પને અભિનંદન પાઠવતા કહ્યું, "ઈરાનના પરમાણુ પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવાનો તમારો સાહસિક નિર્ણય ઈતિહાસ બદલી નાખશે." તેમણે ઉમેર્યું કે, "અમેરિકાએ જે કર્યું છે તે અન્ય કોઈ દેશ કરી શક્યો નથી."
અમારું વચન પૂર્ણ થયું:
પોતાના વીડિયો સંદેશની શરૂઆતમાં નેતન્યાહુએ "બધાઈ હો પ્રેસિડેન્ટ ટ્રમ્પ" કહીને સંબોધન કર્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી કે આ હુમલો ઈઝરાયલ અને અમેરિકી સેનાના સંકલનથી કરવામાં આવ્યો છે. નેતન્યાહુએ ભારપૂર્વક કહ્યું કે, આ હુમલા સાથે ઈરાનના પરમાણુ ઠેકાણાઓને નષ્ટ કરવાનું તેમનું વચન પૂર્ણ થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે, "આ યુદ્ધની શરૂઆતથી જ મેં વચન આપ્યું હતું કે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ કોઈને કોઈ રીતે નષ્ટ થશે. હવે આ વચન પૂર્ણ થઈ ગયું છે." નેતન્યાહુનો આ વીડિયો સંદેશ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ટ્રમ્પ ઈઝરાયલના સૌથી મોટા મિત્ર:
ઈઝરાયલી વડાપ્રધાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સ્વતંત્રતામાં વિશ્વાસ રાખતી દુનિયાના એક મજબૂત નેતા ગણાવ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ટ્રમ્પ ઈઝરાયલના સૌથી મોટા મિત્ર છે અને તેમનાથી મોટો મિત્ર બીજો કોઈ નથી. નેતન્યાહુએ પોતાની તરફથી, ઈઝરાયલની જનતા અને યહૂદી સમાજ વતી ટ્રમ્પનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.
ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ખતરો:
નેતન્યાહુએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને ઇઝરાયલના અસ્તિત્વ માટે ખતરો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ રીતે અમેરિકાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ઈઝરાયલી સેના અને મોસાદ (દેશની ગુપ્તચર એજન્સી) ના હુમલાઓને વધુ તાકાત અને તીવ્રતા સાથે ચાલુ રાખ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ માત્ર ઈઝરાયલ માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની શાંતિ માટે પણ સંકટ ઊભો કરનાર છે. આ હુમલાથી મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધવાની શક્યતા છે.

 

(11:36 AM IST)