News of Sunday, 22nd June 2025
ઈઝરાયલે એર સ્ટ્રાઈકમાં તબાહ કર્યું ઇરાન નૌકાદળનું મુખ્ય મથક, 950 ડ્રોન તોડી પાડ્યા
ઇઝરાયલી વાયુસેનાએ ઇરાનની ડ્રોન કમાન્ડ ચેઇનને નિશાન બનાવી હતી, જેમાં વિસ્ફોટક ડ્રોન લોન્ચ થાય તે પહેલા જ તેનો નાશ કરી દેવામાં આવ્યો હતો

તેલ અવીવ : ઈઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી થઈ છે. આ દરમિયાન ઇઝરાયલે દાવો કર્યો છે કે શનિવારે રાત્રે ઈરાનના સૌથી મોટા બંદર અબ્બાસ પર હુમલો કર્યો હતો. ઈરાનના નૌકાદળનું મુખ્ય મથક આ બંદરથી કાર્યરત છે. આ હુમલામાં શાહિદ રાજાઈ બંદર બંદર લાંગેહ બંદર અને શાહિદ બાહોનાર પિયર જેવા મુખ્ય વિસ્તારોમાં વિસ્ફોટ થયા હતા. આ હુમલાનો ઇઝરાયલનો હેતુ લશ્કરી કેમ્પને નષ્ટ કરવાનો હતો. ઇરાનની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય હતી તે દરમિયાન આ હુમલો કરવામાં આવ્યો હતો.
આઈડીએફના પ્રવક્તા બ્રિગેડિયર-જનરલ એફી ડેફ્રીને જણાવ્યું હતું કે ઇઝરાયલી વાયુસેના એ વ્યવસ્થિત રીતે ઈરાનની ડ્રોન કમાન્ડ ચેઇનને નિશાન બનાવી હતી. જેમાં લગભગ 950 વિસ્ફોટક ડ્રોન લોન્ચ થાય તે પહેલાં તેનો નાશ કર્યો હતો. આ ડ્રોનમાં શાહિદ-136 જેવા ખતરનાક યુએવીનો સમાવેશ થાય છે. શુક્રવારે રાત્રે ઈરાનથી ઇઝરાયલ તરફ છોડવામાં આવેલા ડઝનબંધ ડ્રોનના જવાબમાં ઇઝરાયલ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો.
શનિવારે સવારથી રાત સુધી આઈડીએફ એ મધ્ય અને દક્ષિણ પશ્ચિમ ઇરાનમાં અનેક મુખ્ય લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા. આહવાઝ ક્ષેત્રમાં 30 થી વધુ ફાઇટર જેટની મદદથી લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા.આ હુમલાઓ પછી મહશહર, આહવાઝ અને અન્ય વિસ્તારોમાં વિસ્ફોટો સંભળાયા હતા. આ ઉપરાંત, માર્વદાશ્ત, તબ્રીઝ, કેરમાનશાહ, ઇસ્ફહાન જેવા શહેરોમાં પણ વિસ્ફોટોના અવાજો સંભળાયા છે.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલના અંતમાં પણ આ જ બંદર પર એક મોટો વિસ્ફોટ થયો હતો જેમાં 60 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 700 થી વધુ ઘાયલ થયા હતા. ઇઝરાયલે તે ઘટનાની જવાબદારી નકારી હતી. મીડિયા અહેવાલ મુજબ આ બંદરનો ઉપયોગ આઈઆરજીસી -કુડ્સ ફોર્સના યુનિટ 190 દ્વારા યમનમાં હુથી બળવાખોરોને શસ્ત્રોની દાણચોરી કરવા માટે કરવામાં આવી રહ્યો હતો.
શનિવારે સવારે એક અલગ કાર્યવાહીમાં, ઇઝરાયલી સેનાએ આઈઆરજીસી-QF ના યુનિટ 190ના કમાન્ડર બેહનમ શહરિયારીને મારી નાખ્યા જે સ્પષ્ટ સંકેત આપે છે કે ઇઝરાયલ હવે સીધા જ ઇરાનના લશ્કરી માળખા અને દાણચોરી નેટવર્ક સામે કાર્યવાહી કરી રહ્યું છે.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
