News of Sunday, 22nd June 2025
પોરબંદર પોલીસનું ઐતિહાસિક ઓપરેશન : પોરબંદર LCB એ 'બધા ભોરા ગેંગ'ના દાંત ખાટા કર્યા! : GUJCTOC હેઠળ ૭૯ ગુનાઓમાં સંડોવાયેલા ગેંગ લીડર અને તેના 6 સાગરિતો સામે કડક કાર્યવાહી!
પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર સહિત રાજ્યભરમાં દારૂની હેરાફેરી, ખુનની કોશિષ, હુમલા અને રાયોટિંગથી ભયનો માહોલ ફેલાવતી ગેંગના ગુનાહિત ઈતિહાસનો પર્દાફાશ : પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ LCB પીઆઈ આર.કે. કાંબરીયા અને તેમની ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, : ગુજરાત પોલીસે સંગઠિત ગુનાખોરી સામે એક વધુ દાખલારૂપ કાર્યવાહી કરતા પોરબંદર જિલ્લા પોલીસે "બધા ભોરા ગેંગ" વિરુદ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (GUJCTOC) એક્ટ-૨૦૧૫ હેઠળ ગુનો નોંધી કાયદાનો પાઠ ભણાવ્યો છે. આ કાર્યવાહી પોરબંદર સહિત આસપાસના જિલ્લાઓમાં પોતાના સાગરીતો સાથે મળીને હરિયાણા, રાજસ્થાન અને પંજાબ રાજ્યોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેર-ફેર કરતી અને અન્ય ગંભીર ગુના આચરતી આ ટોળકી માટે લાલબત્તી સમાન છે.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા આવી સંગઠિત ગુના આચરતી ટોળકી વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ અનુસંધાને, મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશન ગુના (૧૧૨૧૮૦૦૨૨૩૦૧૫૦/૨૦૨૩)માં તા. ૧૬/૦૬/૨૦૨૫ ના રોજ અટક થયેલા આરોપી બધા ભોરાભાઈ શામળા (ઉંમર ૩૨, રહે. રાણપર ગામ, હોળી ચકલા પાસે, તા. ભાણવડ, દેવભૂમિ દ્વારકા)ના ગુનાહિત ઇતિહાસની તપાસ હાથ ધરવામાં આવી હતી.
"બધા ભોરા ગેંગ"નો ગુનાહિત ઇતિહાસ:
પોરબંદર એલ.સી.બી. ઇ/ચા પીઆઈ આર.કે. કાંબરીયા અને એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરાયેલી તપાસમાં સામે આવ્યું કે, આરોપી બધા ભોરાભાઈ શામળાએ પોતાની સંગઠિત ગુના આચરતી ટોળકી બનાવી હતી. આ ગેંગ પોરબંદર અને આસપાસના જિલ્લાઓમાં યુવાધનને દારૂના નશાના રવાડે ચડાવી, વિદેશી દારૂની મોટા પાયે હેરફેર કરીને નાણાકીય લાભ મેળવતી હતી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાંથી કમાયેલા પૈસાનો ઉપયોગ તેઓ અન્ય ગુનાઓ જેવા કે, ખુનની કોશીષ, સ્વેચ્છાપૂર્વક વ્યથા અને મહાવ્યથા પહોંચાડવી, રાયોટિંગ (હુલ્લડ), સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ અને રાજ્ય સેવક (સરકારી અધિકારી/કર્મચારી) ઉપર હુમલો કરવા જેવા જુદા-જુદા ગંભીર ગુનાઓમાં કરતા હતા. આ ગુનાઓને કારણે પ્રજામાં ભયનો માહોલ ઉત્પન્ન થયો હતો અને સામાન્ય લોકો આ ગેંગના લીડર તથા સાગરિતો સામે કોઈ પણ જાતની ફરિયાદ કરતા પણ ડરતા હતા.
૭૯ ગુનાઓ, ૭ આરોપીઓ:
આ સંગઠિત ગુના આચરતી ટોળકીને અંકુશમાં લેવા અને કાયદાનો પાઠ ભણાવવા માટે ગેંગ લીડર બધા ભોરા અને તેના સાગરીતો વિરુદ્ધ પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં કુલ ૭૯ ગુનાઓ નોંધાયેલા હોવાનું જણાઈ આવ્યું છે. આ ગુનાઓમાં ૭૫ ગેરકાયદેસર દેશી અને વિદેશી દારૂના ગુનાઓ છે, જ્યારે ૪ ગુનાઓ ખુનની કોશિષ, સ્વેચ્છાપૂર્વક વ્યથા, મહાવ્યથા, રાયોટિંગ, સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ અને રાજ્ય સેવક ઉપર હુમલા જેવા ગંભીર પ્રકારના છે.
આરોપીઓની વિગતો:
* ગેંગ લીડર: બધા ભોરાભાઈ શામળા - કુલ ૩૫ ગુનાઓ
* ગેંગ સભ્ય ૧: અરજણ આલાભાઈ કોડિયાતર - કુલ ૩૧ ગુનાઓ
* ગેંગ સભ્ય ૨: મેરામણ ગોગનભાઈ કટારા - કુલ ૧૧ ગુનાઓ
* ગેંગ સભ્ય ૩: કરમણ જગાભાઈ કોડિયાતર - કુલ ૧૧ ગુનાઓ
* ગેંગ સભ્ય ૪: ધાના આલાભાઈ કોડિયાતર - કુલ ૯ ગુનાઓ
* ગેંગ સભ્ય ૫: પોપટ પાલાભાઈ ધુણ - કુલ ૮ ગુનાઓ
* ગેંગ સભ્ય ૬: વેજા ભોરાભાઈ શામળા - કુલ ૭ ગુનાઓ
આ ગુનાઓમાં ભાણવડ, મિયાણી મરીન, કમલાબાગ, ઉદ્યોગનગર, માણાવદર, રાણાવાવ, બાટવા, બગવદર, કુતિયાણા, જામ ખંભાળિયા, હાર્બર મરીન, ધોરાજી, કુવાડવા રોડ, મેઘપર પડાણા, જામજોધપુર, વીરપુર, સીટી સી ડીવીઝન જામનગર, સીક્કા, કલ્યાણપુર, ઓખા મરીન, માળીયા મિયાણા, દ્વારકા અને અન્ય ઘણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓનો સમાવેશ થાય છે. આ ગુનાઓ પ્રોહીબિશન એક્ટની વિવિધ કલમો ઉપરાંત આઈપીસીની કલમો જેવી કે, ૩૦૭ (ખુનની કોશિષ), ૩૩૨ (સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ), ૩૨૩ (સ્વેચ્છાપૂર્વક વ્યથા), ૫૦૪ (શાંતિભંગ કરવાના ઇરાદાથી અપમાન), ૫૦૬(૨) (ગુનાહિત ધમકી), ૧૪૩ (ગેરકાયદેસર મંડળી), ૧૪૭ (હુલ્લડ), ૩૩૬ (માનવ જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને ભયમાં મૂકવી), ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ, અને નવા કાયદા બી.એન.એસ.ની કલમો હેઠળ નોંધાયેલા છે.
GUJCTOC હેઠળ કાર્યવાહી અને તપાસ:
પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા આ બધા ભોરા ગેંગ વિરુદ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (GUJCTOC) એક્ટ-૨૦૧૫ ની કલમ-૩(૧)ની પેટા કલમ-(૨), કલમ-૩(૨) અને કલમ-૩(૪) મુજબ કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. LCBના ઇ/ચા પીઆઈ આર.કે. કાંબરીયા દ્વારા આ અંગે ફરિયાદ દાખલ કરવા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા પોલીસ વડા મારફતે જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાને મંજૂરી અર્થે મોકલવામાં આવી હતી. નિલેશ જાજડીયા દ્વારા આ ગેંગ વિરુદ્ધ GUJCTOC એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની મંજૂરી આપતા કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે LCBના ઇ/ચા પીઆઈ દ્વારા સરકાર તરફે ગુનો નોંધાવવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા આ કેસની વધુ તપાસ પોરબંદર શહેરના મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી.ને સોંપવામાં આવી છે.
આ કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ:
આ સંગઠિત ગુનાખોરી વિરુદ્ધના ઓપરેશનમાં LCB ઇ/ચા પીઆઈ આર.કે. કાંબરીયા, એએસઆઈ બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા, મહેશભાઈ શિયાળ, હેડ કોન્સ્ટેબલ સલીમભાઈ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઈ મક્કા, ઉદયભાઈ વરુ, કુલદીપસિંહ જાડેજા, વિપુલભાઈ ઝાલા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા, વુમન એએસઆઈ લાખીબેન મોકરિયા, રૂપલબેન લખધીર, વુમન હેડ કોન્સ્ટેબલ નાથીબેન મુછડિયા, પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, અજયભાઈ ચૌહાણ, ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ માળિયા અને પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ વસાવા સહિતનો સ્ટાફ રોકાયેલ હતો.
પોરબંદર પોલીસની આ કડક કાર્યવાહી દર્શાવે છે કે, ગુજરાતમાં સંગઠિત ગુનાખોરીને કોઈ સ્થાન નથી અને કાયદાનું રાજ સ્થાપિત કરવા માટે પોલીસ કટિબદ્ધ છે. આ કાર્યવાહીથી ગુનેગારોમાં ભય અને સામાન્ય પ્રજામાં વિશ્વાસની ભાવના વધશે તેવી અપેક્ષા છે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
