<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

૧૯૯૦માં દૂધમાં ભેળસેળ કરી'તીઃ ૩૨ વર્ષ બાદ દૂધવાળાને સજા

કોર્ટે દૂધવાળાને ૬ મહિનાની જેલ અને ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો

 

 

મુઝફ્‌ફરનગર,તા.૨૩: આજકાલ સોશિયલ મીડિયામાં એવી-એવી ઘટનાઓ વાયરલ થઈ રહી છે કે, નાછૂટકે તમને હસવું આવી જશે. એવી જ એક ઘટના હાલ સામે આવી છે, જે સાંભળીને તમે ચોંકશો અને માથું ખંજોળશો! વાત આજથી ૩૨ વર્ષ પહેલા વર્ષ ૧૯૯૦ની છે, જ્‍યારે ઉત્તર પ્રદેશના મુઝફ્‌ફરનગરમાં એક દૂધવાળો ભાઈ દૂધમાં મિલાવટ કરીને ઘરે-ઘરે દૂધ પહોંચાડતો હતો. નામ છે તેનું હરવીર સિંહ. બસ, એ વખતે ફૂડ ઇન્‍સ્‍પેક્‍ટરે તેનું દૂધ પકડી લીધું અને ૩૨ વર્ષ પછી, ૨૦૨૩માં કોર્ટે તેને ૬ મહિનાની જેલ અને ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો! હવે, આટલો લાંબો ડ્રામા કેવી રીતે ચાલ્‍યો?

૧૯૯૦માં હરવીર સિંહ દૂધની ડોલ લઈને ગલીએ-ગલીએ ફરતો હતો. પણ ગ્રાહકોને શંકા ગઈ કે આ દૂધમાં કંઈક ગડબડ છે. આ વાત પહોંચી ફૂડ ઇન્‍સ્‍પેક્‍ટર સુરેશ ચંદ પાસે. જે બાદ ૨૧ એપ્રિલ, ૧૯૯૦ના રોજ ફૂડ ઇન્‍સ્‍પેક્‍ટર સુરેશ ચંદે તેના દૂધનું સેમ્‍પલ લઈ રિપોર્ટ માટે મોકલી દીધું. બે મહિના પછી લેબ રિપોર્ટ આવ્‍યો અને ખુલાસો થયો કે, હરવીરનું મિલાવટી દૂધ વેચતો હતો. જે બાદ તેની સામે પ્રિવેન્‍શન ઑફ ફૂડ એડલ્‍ટરેશન એક્‍ટની કલમ ૭/૧૬ હેઠળ કેસ નોંધાયો.

બસ આ કેસ નોંધાયા બાદ, હરવીર સિંહ કોર્ટના ભૂલભૂલૈયામાં ફસાઈ ગયો. પ્રોસિકયુટિંગ ઑફિસર રામ અવતાર સિંહના જણાવ્‍યા પ્રમાણે, હરવીરે ૩૨ વર્ષ સુધી કોર્ટમાં હાજરી ન આપી. કયારેક બહાનાં બનાવ્‍યાં, તો કયારેક વકીલ બદલ્‍યાં અને તમામને ચક્કરે ચડાવતો રહ્યો. રમુજી વાત એ પણ છે કે, આ દરમિયાન મેજિસ્‍ટ્રેટની સામે હાજર જ ન થવાને કારણે તે ત્રણ વખત જેલમાં પણ ગયો, પણ દર વખતે જામીન પર છૂટી જતો. આખરે ૧૮ જાન્‍યુઆરી, ૨૦૨૩ના રોજ કોર્ટે તેને ૬ મહિનાની સજા અને ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

સજા સંભળાવવાના થોડા જ કલાકોમાં હરવીરે ફરી જામીનની અરજી કરી, અને એ પણ મળી ગઈ! હવે તેની પાસે બે મહિનાનો સમય છે. એક વરિષ્ઠ વકીલના જણાવ્‍યા પ્રમાણે, હરવીર પાસે બે રસ્‍તા છે એક તો હાઈકોર્ટમાં અપીલ કરવી, નહીં તો જેલનો રસ્‍તો પકડવો. આવા કેસમાં જ્‍યાં સજા ૨ વર્ષથી ઓછી હોય, જામીન મળવાની શકયતા રહે છે, પણ હરવીરનું શું થશે, એ તો આવનારા દિવસો જ બતાવશે. (૪૦.૬)

(10:00 AM IST)