<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

વેનિસમાં ૨૪થી ૨૬ જૂન દરમ્‍યાન વેડિંગ ઓફ ધ સેન્‍ચુરીની તૈયારી

જેફ બેઝોસ અને લોરેન સાંચેઝનાં લગ્નમાં થશે ૧૩૯ કરોડનો ખર્ચ, દુલ્‍હનનો ડ્રેસ ૧૩ કરોડમાં બનશે, લંડનથી આવશે ૮ કરોડનાં ફૂલઃ લગ્નના આયોજન માટે ૨૬ કરોડ અને મહેમાનોને રાખવા માટે ૧૭ કરોડનો ખર્ચ

વેનિસ,તા.૨૩: એમેઝોનના ચીફ એક્‍ઝિકયુટિવ ઓફિસર ૬૧ વર્ષના જેફ બેઝોસ અને તેમની ફિયાન્‍સે પંચાવન વર્ષની લોરેન સાંચેઝ ઇટલીના વેનિસમાં ૨૪થી ૨૬ જૂન દરમ્‍યાન સેન જ્‍યોર્જિયો મેગીઓર ટાપુ પર લગ્ન કરવાનાં છે. આ લગ્નસમારોહમાં લગભગ ૨૦૦ હાઈ-પ્રોફાઇલ મહેમાનો હાજરી આપે એવી અપેક્ષા છે.

આ લગ્ન પાછળ આશરે ૧૬ મિલ્‍યન ડોલર (લગભગ ૧૩૯ કરોડ રૂપિયા)નો ખર્ચ અપેક્ષિત છે. દુલ્‍હન લોરેન સાંચેઝનો ડ્રેસ આશરે ૧૩ કરોડ રૂપિયામાં તૈયાર થવાનો છે. લગ્નમાં વિવિધ સ્‍થળોની સજાવટ અને ફૂલો પર આશરે ૮ કરોડ રૂપિયા, લગ્નના આયોજન માટે ૨૬ કરોડ રૂપિયા અને મહેમાનોને ઉતારો આપવા પાછળ આશરે ૧૭ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. લગ્નમાં સજાવટ માટેનાં ફૂલો લંડનથી આવવાનાં છે.

જેફ બેઝોસ વિશ્વની ત્રીજી સૌથી ધનિક વ્‍યક્‍તિ છે. જેફ બેઝોસે ૧૯૯૩માં મેકેન્‍ઝી સ્‍કોટ સાથે લગ્ન કર્યાં હતાં અને બન્નેનું લગ્નજીવન ૨૫ વર્ષ રહ્યું હતું. જોકે ૨૦૧૯માં તેમના છૂટાછેડા થયા હતા. બેઝોસ અને મેકેન્‍ઝીને ચાર બાળકો છે. તેમના મોટા પુત્રનું નામ પ્રેસ્‍ટન છે, જ્‍યારે અન્‍ય ત્રણનાં નામ ગુપ્ત રાખવામાં આવ્‍યાં છે.

મીડિયા સેલિબ્રિટી લોરેન સાંચેઝે ૨૦૦૫થી ૨૦૧૯ સુધી હોલીવુડના ટેલન્‍ટ એજન્‍ટ પેટ્રિક વાઇટસેલ સાથે લગ્ન કર્યાં હતાં. તેને બે બાળકો એલા અને ઇવાન છે. તેને એક પુત્ર નિક્કો પણ છે, જેનો જન્‍મ ૨૦૦૧માં ભૂતપૂર્વ NFL ખેલાડી ટોની ગોન્‍ઝાલેઝ સાથે થયો હતો.

લગ્નનો મુખ્‍ય સમારોહ બેઝોસની ૫૦૦ મિલ્‍યન ડોલરની સુપરયોટ કોરુ પર થવાની ધારણા છે. આ યોટ વેનેશિયન લગૂનમાં લંગર કરશે. કોરુ સાથે એના જેવું જ એક સપોર્ટ શિપ એબેઓના પણ લંગર થશે. બાકીના સમારોહ વેનિસમાં અનેક ભવ્‍ય સ્‍થળે યોજાશે. કોકટેલ રિસેપ્‍શન અને બીજી ઉજવણી ગ્રેન્‍ડ કનેલ પર ૧૫મી સદીના મહેલ સ્‍કુઓલા ગ્રેન્‍ડે ડેલા મિસેરીકોર્ડિયા અને લિડો પર આઇકોનિક હોટેલ એક્‍સેલસિયર ખાતે થવાની ધારણા છે.

આમંત્રિત મહેમાનોની સંપૂર્ણ યાદી ગુપ્ત રાખવામાં આવી છે. વિશ્વના દરેક ખૂણામાંથી સેલિબ્રિટીઝ, બિઝનેસ લીડર્સ, દાનવીર અને રાજકારણીઓનો એમાં સમાવેશ છે.  બિલ ગેટ્‍સ, ઈલોન મસ્‍ક અને માર્ક ઝુકરબર્ગ પણ હાજરી આપશે એમ મનાય છે. અમેરિકાના પ્રેસિડન્‍ટ ડોનલ્‍ડ ટ્રમ્‍પ પણ ઉપસ્‍થિત રહી શકે છે. લેડી ગાગા નવદંપતી માટે પર્ફોર્મ કરશે એવી શકયતા છે.

આ મેગા લગ્નમાં પ્રવાસીઓના ટ્રેફિકનો વિરોધ કરવા માટે સ્‍થાનિક લોકો ઊભા થયા છે. તેમણે ‘નો બેઝોસ'નાં પોસ્‍ટરો શહેરમાં લગાવી દીધાં છે. આ શહેર ગત સદીમાં લગભગ ૫.૯ ઇંચ ડૂબી ગયું છે તેથી લોકો વિરોધ કરી રહ્યા છે. જોકે વેનિસના મેયર લુઇગી બ્રુગ્નારોએ વિરોધ-પ્રદર્શનોને શરમજનક ગણાવીને કહ્યું છે કે ‘લગ્નમાં ફક્‍ત ૨૦૦ મહેમાનો હશે એટલે શહેરને કોઈ સમસ્‍યાનો સામનો કરવો પડશે નહીં. આ ઘટના એટલી નાની છે કે શહેરના રહેવાસીઓ કે પ્રવાસીઓને કોઈ સમસ્‍યાનો સામનો કરવો પડશે નહીં.(

(12:11 PM IST)