News of Monday, 23rd June 2025
ઇઝરાયલ સાથે તણાવ વચ્ચે ઇરાનની અપીલ પર UNSC આપાતકાલીન બેઠક બોલાવશે : પાકિસ્તાન, ચીન અને રશિયાનું સમર્થન
આ બેઠકમાં શાંતિ કરાર અને તનાવ ઘટાડવા અંગેની ચર્ચા થશે : ઈરાનના પરમાણુ ઠેકાણા પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા મોટા હુમલા પછી આ રાજદ્વારી હલચલ વધુ તીવ્ર બની : પાકિસ્તાનનો ટેકો દર્શાવે છે કે તે આ હુમલાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવા માંગે છે

નવી દિલ્હી : ઇઝરાયલ સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ઇરાનની વિનંતી પર પાકિસ્તાન, ચીન અને રશિયાના સમર્થન સાથે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની કટોકટી બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં તણાવ ઘટાડવા અંગે ચર્ચા થઈ શકે છે. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, રશિયા, ચીન અને પાકિસ્તાને આ બેઠક માટે પોતાનો ટેકો આપ્યો છે.
અમેરિકાના તેના ત્રણ પરમાણુ સ્થળો પર હુમલા બાદ ઇરાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કટોકટી બેઠક બોલાવવાની માંગ કરી હતી. ઇરાનનું કહેવું છે કે અમેરિકાનો હુમલો સમગ્ર ક્ષેત્ર માટે ખતરો બનવાનો છે. ઇરાન અમેરિકાના હુમલા પર પોતાનો દ્રષ્ટિકોણ વિશ્વ સમક્ષ મૂકવા માંગે છે.
ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધમાં પ્રવેશ કરીને અમેરિકાએ ઇરાનના ત્રણ પરમાણુ સ્થળો પર વિનાશ કર્યો છે. ઈરાનના જે ત્રણ પરમાણુ સ્થળો પર અમેરિકાએ બંકર બસ્ટર બોમ્બ ફેંક્યા છે તેમાં ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પરમાણુ કેન્દ્રનો સમાવેશ થાય છે. ઈરાન પર હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈરાન હુમલો કરશે તો તેનો જોરદાર જવાબ આપવામાં આવશે.
અમેરિકાના હુમલા બાદ ઈરાને પણ બદલો લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઈઝરાયલ પર મોટા હુમલામાં તેણે મિસાઈલોનો વરસાદ શરૂ કર્યો. તેલ અવીવ સહિત અન્ય મોટા શહેરોમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા. ઈરાનનું કહેવું છે કે તેણે બેન ગુરિયન એરપોર્ટ અને અન્ય ઈઝરાયલી શહેરોને નિશાન બનાવીને હુમલો કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ઈરાને ખૈબર શેકન નામની અદ્યતન બેલિસ્ટિક મિસાઈલનો ઉપયોગ કર્યો હતો.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
