<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

અમેરિકા બાદ હવે ઈઝરાયલનો ઈરાનના ફોર્ડો સ્થિત અંડરગ્રાઉન્ડ પરમાણુ મથક પર હુમલો: ઈરાને મિસાઈલ છોડી

વળતો જવાબ આપતાં ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ અને ડ્રોનનો વરસાદ કર્યો : ઈરાને અમેરિકાને ખુલ્લેઆમ ચેતવણી આપી

અમેરિકા બાદ હવે ઈઝરાયલ તરફથી ઈરાનના ફોર્ડો સ્થિત અંડરગ્રાઉન્ડ પરમાણુ મથક પર હુમલો થયો છે. જેનો વળતો જવાબ આપતાં ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ અને ડ્રોનનો વરસાદ કર્યો છે. ઈરાને અમેરિકાને ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા કરવામાં આવેલા પરમાણુ મથકો પર હુમલાના કારણે અમને અમેરિકાના સૈન્ય મથકો પર હુમલો કરવાની છૂટ મળી છે. રવિવારે અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ મથક પર હુમલો કરી યુદ્ધમાં એન્ટ્રી લીધી હતી.

ઈરાનની રાજધાની તેહરાન અને તેની આસપાસના વિસ્તારોમાં ઈઝરાયલની એરસ્ટ્રાઈક ચાલુ જ છે. ઈરાનના પરમાણુ મથકોને ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે. વિયેનામાં ગ્રોસીએ જણાવ્યું કે, IAEA સહિત કોઈપણ હજી સુધી ફોર્ડો પરમાણુ મથક પર થયેલા નુકસાનની આંકલન કરવાની સ્થિતિમાં નથી.

ઈરાને સરકારી ટીવીમાં જણાવ્યું હતું કે, ફોર્ડો સ્થિત પરમાણુ મથક રવિવારના હુમલામાં પ્રભાવિત થયુ છે. સોમવારે ફરી આ મથક પર હુમલો થયો હતો. આ હુમલો કોણે કરાવ્યો અને કેટલું નુકસાન થયુ તેની માહિતી નથી. જો કે, ઈઝરાયલે અગાઉ આ હુમલો પોતે કરાવ્યો હોવાનો દાવો કર્યો હતો. વિયેનામાં યુએન ન્યૂક્લિયર વોચડોગના હેડએ કહ્યું હતું કે, રવિવારે અમેરિકા દ્વારા બંકર બસ્ટર બોમ્બ મારફત કરવામાં આવેલા હુમલાના કારણે ફોર્ડો પરમાણુ મથકને ભારે નુકસાન થયુ હોવાની શક્યતા છે. આ હુમલામાં ઉપયોગમાં લેવામાં આવેલા વિસ્ફોટક પેલોડને ધ્યાનમાં લેતાં મોટાપ્રમાણમાં નુકસાન થયુ હોવાની આશંકા છે.

પરમાણુ મથકો પર હુમલા બાદ ઈરાને કહ્યું કે, અમેરિકાએ મિસાઈલો અને 30,000 પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બ મારફત ત્રણ મથકો પર હુમલો કરી પોતાનું જોખમ વધાર્યું છે. તેના માઠા પરિણામ ભોગવવા પડશે. ઈઝરાયલને પણ ખુલ્લેઆમ હુમલા કરવાની ધમકી આપી છે. ઈઝરાયલના લોકોને સુરક્ષિત આશ્રય સ્થળો પર જવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ઈરાને હાઈફા અને તેલ અવીવને ટાર્ગેટ બનાવ્યુ હતું. જેરૂસેલમમાં પણ હુમલા કર્યા છે. જો કે, નુકસાનનો સત્તાવાર આંકડો જાહેર થયો નથી.

(8:46 PM IST)