<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી :ભારત માટે મુખ્ય સંપત્તિ ગણાવ્યા

શશી થરૂરે વડા પ્રધાનની ઊર્જા, તેમના બહુપક્ષીય વ્યક્તિત્વ અને વાતચીત કરવાની તેમની તૈયારીને વૈશ્વિક સ્તરે ભારત માટે મહત્વપૂર્ણ સંપત્તિ ગણાવી

નવી દિલ્હી :કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી છે. તેમણે વડા પ્રધાન મોદીને ભારત માટે મુખ્ય સંપત્તિ ગણાવ્યા છે. થરૂરે વડા પ્રધાનની ઊર્જા, તેમના બહુપક્ષીય વ્યક્તિત્વ અને વાતચીત કરવાની તૈયારીને વૈશ્વિક સ્તરે ભારત માટે મહત્વપૂર્ણ સંપત્તિ ગણાવી છે. તેમણે વડા પ્રધાનની ગતિશીલતા અને અન્ય દેશો સાથે જોડાવાની તેમની ઇચ્છા માટે વધુ સમર્થનની અપીલ કરી છે. સાંસદે કહ્યું કે વડા પ્રધાન મોદીની ઊર્જા, સક્રિયતા અને ઇચ્છાશક્તિએ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને મજબૂત બનાવ્યું છે.

    જોકે, શશિ થરૂરની ટિપ્પણીઓ કોંગ્રેસ પાર્ટીની સત્તાવાર લાઇન સાથે મેળ ખાતી નથી, જે સતત મોદી સરકારની વિદેશ નીતિની ટીકા કરી રહી છે. આવી સ્થિતિમાં, સાંસદનું આ નિવેદન ફરી એકવાર તેમના પક્ષને અસ્વસ્થતાભરી સ્થિતિમાં મૂકી શકે છે અને પાર્ટી નેતૃત્વ સાથેના તેમના સંબંધોમાં તિરાડ વધુ ઘેરી બની શકે છે 

     શશિ થરૂરે એવા સમયે પીએમ મોદીની પ્રશંસા કરી છે જ્યારે તેમનો પક્ષ (કોંગ્રેસ) સતત મોદી સરકારની વિદેશ નીતિ પર હુમલો કરી રહ્યો છે અને તેના પર સવાલ ઉઠાવી રહ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભારતીય રાજદ્વારી વ્યવસ્થા પડી ભાંગી છે અને દેશ વૈશ્વિક સ્તરે અલગ પડી ગયો છે.

  

કોંગ્રેસ નેતાનો આ લેખ એક અખબારમાં પ્રકાશિત થયો છે, જેમાં તેમણે તાજેતરના 'ઓપરેશન સિંદૂર' પછી ભારતની રાજદ્વારી પહેલને 'રાષ્ટ્રીય સંકલ્પ અને અસરકારક સંદેશાવ્યવહાર'નું ઉદાહરણ ગણાવ્યું છે. લેખમાં, તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર પછી કરવામાં આવેલ રાજદ્વારી સંપર્ક રાષ્ટ્રીય સંકલ્પ અને અસરકારક સંદેશાવ્યવહારનો ક્ષણ હતો.

 

તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદીની ઉર્જા, તેમનું બહુપક્ષીય વ્યક્તિત્વ અને વાતચીત કરવાની તૈયારી વૈશ્વિક મંચ પર ભારત માટે એક મહત્વપૂર્ણ સંપત્તિ છે, પરંતુ તેને વધુ સમર્થનની જરૂર છે. તેમણે કહ્યું કે 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા અને તેના જવાબમાં શરૂ કરાયેલા 'ઓપરેશન સિંદૂર' પછી ભારતની રાજદ્વારી સક્રિયતાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સ્થિતિ મજબૂત બનાવી છે.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ ભારતનો પક્ષ રજૂ કરવા માટે અમેરિકા અને ચાર અન્ય દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનારા કોંગ્રેસ નેતાએ કહ્યું કે ઓપરેશન સિંદૂર પછી રાજદ્વારી સંપર્ક રાષ્ટ્રીય સંકલ્પ અને અસરકારક સંવાદનો ક્ષણ હતો. તેણે પુષ્ટિ આપી છે કે જ્યારે ભારત એક થાય છે ત્યારે તે આંતરરાષ્ટ્રીય મંચો પર સ્પષ્ટતા અને ખાતરી સાથે પોતાનો અવાજ ઉઠાવી શકે છે.

આ ઉપરાંત, શશિ થરૂરે કહ્યું કે પશ્ચિમ ગોળાર્ધના પાંચ દેશો - ગુયાના, પનામા, કોલંબિયા, બ્રાઝિલ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં સાત સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળોમાંથી એકનું નેતૃત્વ કરવાથી મને જાહેર રાજદ્વારીના આ તીવ્ર સમયગાળામાંથી શીખેલા પાઠ પર ચિંતન કરવાની એક અનોખી તક મળી.

(11:02 PM IST)