News of Tuesday, 24th June 2025
ઓડિશામાં દલિત યુવાનો ઉપર ક્રૂરતા... કપડાં ઉતારીને માર મારવામાં આવ્યોઃ ૨ કિમી સુધી ઢસડી ગટરનું પાણી પીવડાવ્યું
ગ્રામજનોએ ગાયની તસ્કરીના આરોપમાં બે દલિત યુવાનોને નિર્દયતાથી માર માર્યોઃ બળજબરીથી માથા મુંડી નાખ્યા

ગંજમ, તા.૨૪: સોમવારે ઓડિશાના ગંજમ જિલ્લામાંથી દલિત યુવાનો પર અત્યાચારના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. અહીં ગામલોકોએ બે યુવાનો સાથે ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી. પોલીસે જણાવ્યું હતું કે ગ્રામજનોએ દલિતો પર ગાયની તસ્કરીનો આરોપ લગાવીને હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ આ ઘટના ખારીગુમા ગામમાં બની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર પીડિત યુવક ત્રણ ગાયોને સિંગીપુર લઈ જઈ રહ્યો હતો. પીડિતોએ જણાવ્યું કે તેઓ તેમના પરિવારમાં લગ્ન માટે ગાયો દહેજ તરીકે લઈ રહ્યા હતા. રસ્તામાં કેટલાક ગામલોકોએ તેમને રોકયા અને માર મારવાનું શરૂ કર્યું. ગામલોકોએ તેની પાસેથી પૈસાની માંગણી પણ કરી હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું કે જ્યારે યુવાનોએ પૈસા આપવાની ના પાડી ત્યારે લોકોએ તેમના કપડાં ઉતારી દીધા અને તેમને માર મારવાનું શરૂ કરી દીધું. ગામલોકોએ બળજબરીથી માથા પણ મુંડન કરાવ્યા.
પોલીસે જણાવ્યું કે આ પછી લોકોએ યુવાનોને દોરડાથી બાંધી દીધા. યુવાનોને ખારીગુમાથી જહાદા ગામ સુધી લગભગ ૨ કિલોમીટર સુધી ખેંચીને લઈ જવામાં આવ્યા. લોકોએ તેમને ઘાસ ખાવા અને ગટરનું પાણી પીવા માટે પણ મજબૂર કર્યા. આ અકસ્માતમાં પીડિતોને માથા અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. પીડિતોએ જણાવ્યું કે તેઓ કોઈક રીતે ભાગી ગયા અને પોલીસ સ્ટેશન પહોંચ્યા.
પોલીસે જણાવ્યું છે કે પીડિતોની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. બંનેને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સંદર્ભમાં પોલીસે છ લોકોની અટકાયત પણ કરી હતી. અન્ય હુમલાખોરોની શોધ હજુ ચાલુ છે.
આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હ્ પર એક પોસ્ટમાં, તેમણે સરકાર પર પ્રહારો કર્યા છે અને આ ઘટનાને અમાનવીય ગણાવી છે. રાહુલ ગાંધીએ પોસ્ટમાં લખ્યું છે કે, ઓરિસ્સામાં બે દલિત યુવાનોને ઘૂંટણિયે ચાલવા, ઘાસ ખાવા અને ગંદુ પાણી પીવા માટે મજબૂર કરવા એ ફક્ત અમાનવીય જ નથી, પરંતુ મનુવાદી વિચારસરણીની બર્બરતા છે. આ ઘટના એવા લોકો માટે દર્પણ છે જેઓ કહે છે કે જાતિ હવે કોઈ મુદ્દો નથી. દલિતોના ગૌરવને કચડી નાખતી દરેક ઘટના બાબા સાહેબના બંધારણ પર હુમલો છે - સમાનતા, ન્યાય અને માનવતા વિરુદ્ધનું કાવતરું. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ શાસિત રાજ્યોમાં આવી ઘટનાઓ સામાન્ય બની રહી છે. તેમણે કહ્યું, ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ અને તેમને કડક સજા આપવી જોઈએ. દેશ મનુસ્મળતિ દ્વારા નહીં, પરંતુ બંધારણ દ્વારા ચલાવવામાં આવશે
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
