<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

ર૧ વખત ૐ ધ્‍વનિ પ્રયોગથી જીવન ઝગમગશે : પૂજ્‍ય પારસમુનિ મહારાજ

સદ્‌ગુરૂદેવ પૂ. પારસમુનિ મહારાજ સાહેબ ‘અકિલા'ના આંગણે પધાર્યા : જીવનમાં સકારાત્‍મક પરિવર્તન આપતા સરળ અને સચોટ પ્રયોગો આપ્‍યા : ધાર્મિક ક્રિયાકાંડથી બહાર આવીને ખુદમાં બિરાજમાન પરમાત્‍માને ઓળખો-તેની પુજા કરોઃ નકારાત્‍મક ઉર્જા-પ્રયોગોનો પાર નથી, ખુદની આભા તેજ બનાવોઃ સાધના માર્ગે કષ્‍ટ હોય, દુઃખ ન હોય

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રા સદ્‌ગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા. નું સ્‍વાગત કરતા દર્શાય છે. ‘અકિલા' પરિવારના શ્રીમતી કિરણબેન નિમિષભાઇ ગણાત્રા તથા કુ. ધન્‍વી નિમિષભાઇ ગણાત્રા એ પણ પૂ. ગુરૂદેવના આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા. પૂ. ગુરૂદેવે ગોચરી -પાણીનો લાભ આપી માંગલીક ફરમાવ્‍યું હતું. અકિલાના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે જૈન અગ્રણીઓ વસંતભાઇ તુરખિયા, સી.એ. નીતિનભાઇ કામદાર તથા પ્રતાપભાઇ વોરા ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ અભિજીત બગથરિયા)

રાજકોટ, તા., ૨૩ :  ૐ ધ્‍વની સાધના પરંપરાનો પાયો છે. આ પાયો દુર થાય તો સ્‍ટ્રકચરનું અસ્‍તિત્‍વ જોખમમાં આવી જાય. અશાંત અને તનાવપુર્ણ માહોલમાં  ૐ ધ્‍વનિ અસરકારક ઇલાજ છે. આ ધ્‍વની જીવનને ઉત્તમ બનાવવાથી માંડીને પરમની પ્રાપ્તી સુધીની સફર કરાવી શકે છે.

આ શબ્‍દો ગુરૂદેવ પૂ. પારસમુનિજી મહારાજ સાહેબના છે. તેઓશ્રી અકિલા કાર્યાલયમાં બિરાજમાન થયા હતા અને દિવ્‍યવાણીનો પ્રવાહ વહાવ્‍યો હતો.

મુલાકાત દરમિયાન ગુરૂદેવ પૂ. પારસમુનિજીએ જણાવ્‍યું હતું કે, વર્તમાન સમયની ગ્રહદશા પ્રમાણે આગામી ઓગષ્‍ટ મહિના સુધી અશાંતિનો માહોલ રહેશે. આ સ્‍થિતિમાં ૐ ધ્‍વની પ્રયોગ માણસને શાંત અને તનાવમુકત રાખી શકે છે.

તેઓશ્રીએ જણાવ્‍યું હતું કે, વૈશ્વિક અશાંતિનો માહોલ છે. આ માહોલ સહજ રીતે માણસથી માંડીને રાષ્‍ટ્રને અસર કરે જ. ભારતનું ભાવિ ખુબ ઉજ્જવળ લાગી રહયું છે. પડોશમાં રહેલા દુશ્‍મનોના પડકારો ઝીલીને ભારત મજબુતાઇથી ઉભરી રહયો છે.

ભારતની વૈશ્વિક મિત્રતા અને શાંતિ માટેની પહેલ દેશની આભાને વધારે ચમકદાર કરે છે. હાલની વૈશ્વિક અશાંતિ બાદ ભારત આર્થિક સધ્‍ધર દેશ બનીને ઉભરી શકે છે. આ ઉપરાંત ભારતનું આધ્‍યાત્‍મીક સ્‍તર પણ  વધી જશે.

પૂ. ગુરૂદેવે જણાવ્‍યુ હતું કે, આ સમય ભારતના નાગરિકો માટે સજ્જ થવાનો અને સાચી દિશા તરફ પ્રયાણ કરવાનો છે. વ્‍યકિતગત શાંતિ-મજબૂતી અને પ્રસન્નતા જરૂરી છે. આ માટે દરેક આધ્‍યાત્‍મિકતા તરફ વળવું પડશે. વ્‍યસનોનો ત્‍યાગ કરીને ઓમકાર તરફ જવું પડશે.

ઓમકાર આધ્‍યાત્‍મિકતાનો પાયો છે. ૐ ધ્‍વનિના સરળ પ્રયોગ પૂ. ગુરુદેવે જણાવ્‍યો હતો. તેઓએ કહ્યું હતું કે, દરેક માણસે દિવસમાં બે વખત ૐ ધ્‍વનિ પ્રયોગ કરવા જોઇએ. ઉઠતાની સાથે જ ૨૧ વખત શાંત અને લાંબા સ્‍વર સાથે ૐ નો ઉચ્‍ચાર કરવો જોઇએ ૐ ધ્‍વાનિ નાભી સુધી પહોચવી જોઇએ.આવો જ પ્રયોગ રાત્રે સૂતા પૂર્વે કરવાનો  છે. પ્રયોગ શરૂઆતમાં કદાચ  અનુકુળ ન લાગે, પણ પ્રેકટીસ કરવાથી તુરંત ફાવી જાય તેવો છે. ૐ ધ્‍વનિ પ્રયોગથી મન કાબુમાં રહે છે. અને આગળની સાધના માટેનો માહોલ તૈયાર થાય છે.

પૂ. ગુરુ દેવજીએ જણાવ્‍યું હતું કે, ૐ પ્રણવ મંત્ર છે. તેમા સમસ્‍ત મંત્રોનો સમાવેશ થઇ જાય છે. દરેક ધર્મ અને સાધનાનો પાયો ૐ ધ્‍વનિ છે. ડીપ બ્રિધિંગ સાથે સ્‍લોૐ પ્રયોગ જીવનને ઉજ્જવળ બનાવી શકે છે.

પૂ. પારસમુનિજીએ જણાવ્‍યું હતું કે, ૐ ધ્‍વનિને પંચાવન મિનિટ સુધી લંબાવવાની ક્ષમતા આવી જાય તો અન્‍યના મનને સરળતાથી પારખવાની ક્ષમતા આવી જાય છે. અન્‍ય શારીરિક - માનસિક-ભાવનાત્‍મક લાભો થઇ શકે છે.

પૂ. સદ્‌્‌ગુરુદેવે જણાવ્‍યું હતું કે, આ આપણી પરંપરા છે, પણ અફસોસ છે કે, આપણે જ મૂળ પરંપરામાં ભૂલી રહ્યા છીએ. દેશની કિશોર-યુવા પેઢી વ્‍યસનો અને મોબાઇલમાં બરબાદ થઇ રહી છે. આ કારણે સાધના ચૂકી જવાઇ છે. દરેક ધર્મના ધર્મગુરુઓએ વ્‍યસન વિરોધી નિર્ણાયક અભિયાન ચલાવવું જોઇએ. સરકારે પણ વ્‍યસનો પ્રત્‍યે ગંભીર બનીને અસરકારક પગલા ભરવા જરૂરી છે. વ્‍યસન અને મોબાઇલના કારણે ધર્મ-સાધના દૂર થતા જાય છે. ધર્મના અસ્‍તિત્‍વ પર જોખમ સર્જાયું છે. આપણે બધાંએ આ અંગે ગંભીર બનવું પડશે. વ્‍યસનથી વ્‍યસની જ નહિ, તેનો પરિવાર પણ બરબાદ થાય છે. સમાજ ખોખલો બની રહ્યો છે. આ સ્‍થિતિમાં દરેકે નિર્ણાયક ભૂમિકા ભજવવાની છે.

પૂ. પારસમુનિજીએ ધર્મ અને આધ્‍યાત્‍મિકતા વચ્‍ચેનો તફાવત સમજાવ્‍યો હતો. આધ્‍યાત્‍મિક વિજ્ઞાન અને તેના પ્રયોગો અંગે પણ સમજ આપી હતી. તેઓએ જણાવ્‍યું હતું કે, આપણે આપણા મૂળને સમજવાનું છે. યોગ યોગા બની જાય, ધ્‍યાન ધ્‍યાના બની જાય એ સામાન્‍ય સ્‍થિતિ નથી. ભગવાન શ્રી કૃષ્‍ણને કૃષ્‍ણા કહો તો અર્થ અને ઉર્જા બદલી જાય છે. કથા પ્રમાણે દ્રૌપદીનું એક નામ કૃષ્‍ણા હતું.

દરેક બાબત સમજીને કરવાની છે. સીધો ધ્‍યાન પ્રયોગ કરી ન શકાય. પતજંલીએ યમ-નિયમ-આસન વગેરે તબક્કા દર્શાવ્‍યા છે, તેને ફોલો કરીને ધ્‍યાનમાં પ્રવેશ કરવો જોઇએ. જૈન પરંપરામાં પણ પાંચ મહાવ્રત દર્શાવ્‍યા છે, જે ફોલો કરવા જરૂરી છે.

ઘણાં ભકતો-સાધકોને ધર્મ-અધ્‍યાત્‍મ માર્ગે અવરોધ આવતા હોય છે. આ અંગે  પૂ. મુનિશ્રીએ જણાવ્‍યું હતું કે, કષ્‍ટ અને દુઃખ બંને અલગ બાબત છે. સંત-સાધક તેને કહેવાય, જેના જીવનમાં કષ્‍ટ હોઇ શકે છે, પણ દુઃખ ન હોય સાધનાના માર્ગે કષ્‍ટનો આવતા રહે, તેને સ્‍વીકારવાની  તૈયારી હોવી જોઇએ, કષ્‍ટની સ્‍થિતિમાં દુઃખનો અનુભવ ન થવો જોઇએ. સ્‍થિતિ દુઃખદાયક લાગે તો એ માણસ સાધકની વ્‍યાખ્‍યામાં ન આવી શકે.

પૂ. ગુરૂદેવજીએ કહ્યું હતું કે, યુવા વર્ગે વ્‍યસનથી મુકત થઇને અધ્‍યાત્‍મના માર્ગે જવા માટે સાવ સરળ પ્રયોગ શ્વાસને જોવાનો છે. શ્વાસ અંદર આવે છે, બહાર જાય છે. આંખ બંધ કરીને આ પ્રક્રિયા અનુભવતા રહો તો પણ પરમના દ્વાર ખુલી શકે છે. આપણે માત્ર ધાર્મિક ક્રિયાકાંડો કરવાને બદલે અંદર -ખુદમાં બેસેલા ભગવાનને જોવાના છે, પૂજવાના છે અને સમજવાના છે.

પૂ. મહારાજ સાહેબે કહ્યું હતું કે, સમાજમાં નકારાત્‍મક વિચારો- ઉર્જાઓ- પ્રયોગોનો પાર નથી. આવી ઉર્જાઓની અસર ખતમ કરવા ખુદની આધ્‍યાત્‍મિક ઉર્જા વધારવી જરૂરી છે. આભા મંડળ જેટલું તેજ હશે, તેટલો બાહય જગતનો પ્રભાવ ઓછો થશે.

પારસમુનિજીના મુખ્‍ય વિચારો

પૂજ્‍ય ગુરુદેવ પારસમુનિ મહારાજ સાહેબના વિચારો જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે અને આધુનિક જીવનશૈલીમાં તેનું પાલન કેવી રીતે કરવું તે અંગે માર્ગદર્શન પૂરું પાડે છે. તેમના ઉપદેશોમાંથી કેટલાક મુખ્‍ય વિચારો નીચે મુજબ છે.

અહિંસા પરમ ધર્મઃ આ તેમનો કેન્‍દ્રીય વિચાર છે. તેઓ માત્ર જીવો પ્રત્‍યેની શારીરિક અહિંસા જ નહીં, પરંતુ માનસિક અને વાચિક અહિંસા પર પણ ભાર મૂકે છે. તેમના મતે, મન, વચન અને કાયાથી કોઈને પણ દુઃખ ન પહોંચાડવું એ જ સાચી ધાર્મિકતા છે. તેઓ જીવદયા, પર્યાવરણ સંરક્ષણ અને કરુણાના ભાવને પ્રોત્‍સાહન આપે છે.

ત્‍યાગ અને સંયમનું મહત્‍વઃ  તેઓ ભૌતિકવાદી દુનિયામાં વધતી જતી આસક્‍તિથી મુક્‍ત થવા પર ભાર મૂકે છે. તેમના મતે, ઇન્‍દ્રિયો પર સંયમ રાખવો અને અપરિગ્રહ (જરૂરિયાત કરતાં વધુ સંગ્રહ ન કરવો) એ આત્‍મિક શાંતિ અને ઉન્નતિ માટે અનિવાર્ય છે. તેઓ તપસ્‍યા અને સાધના દ્વારા આત્‍મશુદ્ધિની હિમાયત કરે છે.

સદાચાર અને નૈતિક મૂલ્‍યોઃ ગુરુદેવ સત્‍ય, પ્રામાણિકતા, ન્‍યાય અને નીતિમત્તા જેવા નૈતિક મૂલ્‍યોને જીવનમાં અપનાવવા પર ભાર મૂકે છે. તેમના મતે, વ્‍યક્‍તિગત અને સામાજિક શાંતિ માટે સદાચારનું પાલન કરવું આવશ્‍યક છે.

વ્‍યસનમુક્‍તિઃ તેઓ ખાસ કરીને વ્‍યસનમુક્‍તિ પર ખૂબ ભાર મૂકે છે. ‘‘વ્‍યસન છોડો, ઓમ તરફ વળો'' જેવા તેમના સૂત્રો દર્શાવે છે કે તેઓ માનવજાતને દારૂ, તમાકુ અને અન્‍ય નશાકારક પદાર્થોથી દૂર રહેવા અને આધ્‍યાત્‍મિક માર્ગ અપનાવવા પ્રેરિત કરે છે. તેમના મતે, વ્‍યસન શારીરિક, માનસિક અને આત્‍મિક અધોગતિનું મૂળ છે.

આત્‍મચિંતન અને ધ્‍યાનઃ તેઓ લોકોને આત્‍મચિંતન, ધ્‍યાન અને સ્‍વાધ્‍યાય દ્વારા પોતાના આત્‍માને ઓળખવા અને વિકસાવવા માટે પ્રોત્‍સાહિત કરે છે. તેમનો સંદેશ છે કે બાહ્ય સુખો પાછળ ભાગવાને બદલે, આંતરિક શાંતિ અને આનંદની શોધ કરવી જોઈએ

(2:26 PM IST)