<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

હાઇકોર્ટ અને રાજકોટ કોર્ટને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી

સવારે એક ઇ-મેઇલ મળતાં અમદાવાદ પોલીસે કોર્ટ પરિસરમાં તપાસ આરંભી એ પછી રાજકોટ કોર્ટને પણ ધમકી ભર્યો ઇ-મેઇલ મળ્‍યો : શહેર એસઓજી, ક્રાઇમ બ્રાંચ, યુનિવર્સિટીના અધિકારીઓએ ડોગ સ્‍ક્‍વોડ, બોમ્‍બ સ્‍ક્‍વોડને સાથે રાખી કોર્ટના ખુણેખુણામાં ચેકીંગ કર્યુ પણ કંઇ વાંધાજનક ન મળ્‍યું : ગુજરાત સહિત ૧૧ રાજ્‍યોમાં બોમ્‍બ બ્‍લસ્‍ટની ધમકી આપનાર રેની જોસિલ્‍ડાને ગઇકાલે જ અમદાવાદ પોલીસે ચેન્‍નઇથી પકડી હતીઃ તેના દ્વારા જ મેઇલ શેડયુલ કરાયાની શંકાએ તપાસ

ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યા બાદ રાજકોટ કોર્ટને પણ આવો જ ધમકી ભર્યો ઇ-મેઇલ મળતાં પોલીસને જાણ કરવામાં આવતાં શહેર ઍસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાંચના સી. ઍચ. જાદવ, યુનિવર્સિટી પીઆઇ ઍચ. ઍન. પટેલ અને તેમની ટીમોઍ પહોચી ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની ટીમોને સાથે રાખી કોર્ટ પરિસરમાં તપાસનો ધમધમાટ શરૂ કરી ખુણેખુણા ચેક કરી જાયા હતાં. પરંતુ કંઇપણ શંકાસ્પદ ચીજવસ્તુ ન મળતાં સોઍ રાહત અનુભવી હતી. (ફોટોઃ અભિનજીત બગથરીયા)

રાજકોટ તા. ૨૪: ગુજરાત હાઇકોર્ટને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી ઇ-મેઇલથી મળ્‍યા બાદ હવે રાજકોટ કોર્ટને પણ ઉડાવી દેવાની ઇ-મેઇલથી ધમકી મળતાં રાજકોટ શહેર એસઓજી, ક્રાઇમ બ્રાંચ, યુનિવર્સિટી પોલીસ સહિતના અધિકારીઓ, કર્મચારીઓનો કાફલો કોર્ટ ખાતે દોડી ગયો હતો. ડોગ સ્‍ક્‍વોડ અને બોમ્‍બ સ્‍ક્‍વોડની મદદથી કોર્ટમાં તપાસ કરી હતી. પરંતુ કંઇપણ વાંધાજનક મળ્‍યું નહોતું. પોલીસની તપાસની કાર્યવાહી વખતે કોર્ટની કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ રહી હતી.

છેલ્લા ઘણા સમયથી અવાર-નવાર અજાણ્‍યા ઇ-મેઇલથી કોઇપણ જાહેર સ્‍થળોને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. આ રીતે ઇ-મેઇલ કરી લોકોને ડરાવવાનો ઇરાદો હોય છે. છેલ્લા બે દિવસમાં વડોદરામાં આવી ધમકીઓ મળી હતી. એ પછી આજે ગુજરાત હાઇકોર્ટને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસે સર્ચ ઓપરેશન કર્યુ હતું. આજે મંગળવારે સવારે ગુજરાત હાઇકોર્ટને આવી ધમકીભર્યો ઇ-મેઇલ મળતાં બોમ્‍બ સ્‍ક્‍વોડ સાથે પોલીસે હાઇકોર્ટ સંકૂલમાં પહોંચી તપાસ આદરી હતી. પરંતુ કંઇ શંકાસ્‍પદ મળ્‍યું નહોતું.

હાઇકોર્ટમાં ધમકીને  પગલે ત્‍યાં તપાસ ચાલુ હતી તે વખતે જ રાજકોટ કોર્ટને પણ બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકીનો ઇ-મેઇલ મળતાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા અને ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે તુરત એસઓજી ક્રાઇમ બ્રાંચને સુચના આપતાં અધિકારીઓની ટીમો તુરત જ પહોંચી હતી અને ડોગ સ્‍ક્‍વોડ, બોમ્‍બ સ્‍ક્‍વોડની મદદથી કોર્ટના ખુણેખુણા ચેક કર્યા હતાં. જો કે લાંબી તપાસને અંતે કંઇ શંકાસ્‍પદ મળ્‍યું નહોતું.

આજે સવારે ૭:૫૫ વાગ્‍યે ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના અધિકારીઓ (સીપીસી અને રજિસ્‍ટ્રાર જનરલ)ને એક ઈ-મેઇલ મળ્‍યો હતો. ઈ-મેઇલમાં ધમકી આપવામાં આવી હતી કે ગુજરાત કોર્ટ કોમ્‍પ્‍લેક્‍સ પરિસરમાં ૩ RDX આધારિત IED મૂકવામાં આવ્‍યા છે અને એક VIPને નિશાન બનાવવામાં આવશે. ગુજરાત રાજ્‍યના તમામ કોર્ટ સંકુલમાં IED મૂકવામાં આવ્‍યા છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્‍ટિસે ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમને તમામ કોર્ટ પરિસરમાં તેમજ ખાસ કરીને તમામ જિલ્લા સ્‍તરની કોર્ટમાં તપાસની કામગીરી સોંપી હતી.

અહિ એ પણ નોંધનીય છે કે ગઇકાલે જ અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે ચેન્‍નઇથી એક યુવતિ રેની જોસિલ્‍ડાની ધરપકડ કરી હતી. તેણીએ ગુજરાત સહિત  દેશના ૧૧ રાજ્‍યોમાં શૈક્ષણિક સંસ્‍થાઓ, હોસ્‍પિટલો, અને પબ્‍લિક સ્‍ટેડિયમમાં બોમ્‍બ બ્‍લાસ્‍ટની ધમકી આપી હતી. ટેકનીકલ સર્વેલન્‍સ અને ડિજિટલ ફોરેન્‍સિકની તપાસ માધ્‍યમથી આરોપી રેની જોસિલ્‍ડાને તમિલનાડુના ચેન્નઈમાંથી ટ્રેસ કરવામાં સફળતા મળી હતી. આજે હાઈકોર્ટમાં જે મેઈલ મળ્‍યો તે પણ આ જ આરોપી દ્વારા કરવામાં આવ્‍યો હોવાની આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.  જો કે હજુ પોલીસ દ્વારા આ વિશે કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી. એવી આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે કે, આ જ આરોપી દ્વારા મેઇલ શેડયુલ કરવામાં આવ્‍યો હોઇ શકે. આની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા શરૂ થઇ છે.

આ ઉપરાંત અગાઉ પણ ૯ જૂનના દિવસે હાઈકોર્ટના ઈ-મેઇલ આઇડી પર અજાણી વ્‍યક્‍તિએ ઈ-મેઇલ કરી બોમ્‍બથી ઉડાડી દેવાની ધમકી આપી હતી. ઈ-મેઇલની જાણ થતાં તાત્‍કાલિક પોલીસને સંપર્ક કરવામાં આવ્‍યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ હાઇકોર્ટ પહોંચી તપાસ શરૂકરી દીધી હતી. પોલીસે હાઇકોર્ટના તમામ દરવાજાઓ બંધ કરી દીધા હતા અને ડોગ-સ્‍ક્‍વૉડ દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું. ત્‍યારે પણ તપાસ દરમિયાન કોઈ શંકાસ્‍પદ વસ્‍તુ મળી નહતી, પરંતુ પોલીસે આ ધમકીને ગંભીરતાથી લીધી હતી અને ઈ-મેઇલના મોકલનાર સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. પણ એ તપાસમાં કંઈ સામે આવે તે પહેલાં જ એક જ મહિનામાં બીજી વાર હાઈકોર્ટને બોમ્‍બથી ઉડાડી દેવાની ધમકી મળી છે.

રાજકોટ કોર્ટને પણ ધમકીભર્યો ઇ-મેઇલ મળતાં એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા અને તેમની ટીમે ડોગ સ્‍ક્‍વોડ, બોમ્‍બ સ્‍ક્‍વોડ સાથે પહોંચી કોર્ટમાં ખુણેખુણા ચેક કરી જોયા હતાં. પરંતુ કોઇ શંકાસ્‍પદ વસ્‍તુ મળી આવી નહોતી. ક્રાઇમ બ્રાંચ પીઆઇ  સી. એચ. જાદવ, યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલ પણ ટીમ સાથે પહોંચ્‍યા હતાં અને તપાસમાં જોડાયા હતાં. કોર્ટના તમામ માળ તેમજ પાર્કિંગ સહિતના સંકુલમાં પોલીસે ચેકીંગ કર્યુ હતું. આ દરમિયાન કોર્ટ કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ રહી હતી. (૧૪.૯)

ઍસઓજીને ઍક મોકડ્રીલમાં જવાનું હતું ત્યાં કોર્ટમાં બોમ્બની ધમકી મળતાં  ટીમ કોર્ટ ખાતે દોડી ગઇ
 જાણવા મળ્યા મુજબ શહેર ઍસઅોજીની ટીમને આજે ઍક સ્થળે મોકડ્રીલની કામગીરીમાં સામેલ થવાનું હતું. અધિકારીઓ અને ટીમ તેના માટે તૈયારીમાં હતાં ત્યાં જ કોર્ટમાં બોમ્બની ધમકીનો ઇ-મેઇલ આવતાં આ ટીમ ત્યાં તપાસ માટે દોડી ગઇ હતી

(3:14 PM IST)