News of Wednesday, 25th June 2025
ગગનયાન મિશન દ્વારા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઇતિહાસ રચશે : સતત મુલતવી રાખેલા એક્સિઓમ-4 મિશનનું બપોરે લોન્ચિંગ
શુક્લા આ મિશન હેઠળ 14 દિવસ માટે ISS એટલે કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક જશે: 2023માં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3 ના ઉતરાણ પછી ભારતને બીજી એક ઐતિહાસિક સિદ્ધિ મળશે.

નવી દિલ્હી :ગગનયાન મિશન દ્વારા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. સતત મુલતવી રાખેલા એક્સિઓમ-4 મિશનનું લોન્ચિંગ બુધવારે સફળ થવાની ધારણા છે. શુક્લા આ મિશન હેઠળ 14 દિવસ માટે ISS એટલે કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક જશે. ખાસ વાત એ છે કે 2023માં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3 ના ઉતરાણ પછી ભારતને બીજી એક ઐતિહાસિક સિદ્ધિ મળશે.
શુભાંશુ શુક્લા અમેરિકા, પોલેન્ડ અને હંગેરીના અવકાશયાત્રીઓ સાથે 14 દિવસની અવકાશ યાત્રા પૂર્ણ કરશે. અહેવાલ છે કે આ સમય દરમિયાન તેઓ દેશભરના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયેલા 7 ભારતીય વૈજ્ઞાનિક અભ્યાસોને આગળ વધારવાનું કામ કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ સાથે અવકાશથી પણ વાત કરી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્પેસએક્સે કહ્યું છે કે હવામાન લોન્ચ માટે 90 ટકા અનુકૂળ છે. એક્સ પર લખ્યું હતું, 'બુધવારે એક્સિઓમ સ્પેસના એક્સ-4 મિશનના અવકાશ મથક પર લોન્ચ માટે બધું બરાબર લાગે છે અને હવામાન 90 ટકા અનુકૂળ છે.'
યુએસ સ્પેસ એજન્સી નાસાએ મંગળવારે જણાવ્યું હતું કે લોન્ચિંગ 25 જૂન, બુધવારના રાત્રે ભારતીય સમયાનુસાર 12:01 એ થશે. એજન્સીએ જણાવ્યું હતું કે, 'નાસા, એક્સિઓમ સ્પેસ અને સ્પેસએક્સે ચોથા ખાનગી અવકાશયાત્રી મિશન 'એક્સિઓમ મિશન 4'ને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર લોન્ચ કરવા માટે 25 જૂન રાત્રે અને 26 જૂનના રોજ વહેલી સવારનો લક્ષ્યાંક રાખ્યો છે.' આ મિશન ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરના 'લોન્ચ કોમ્પ્લેક્સ 39એ' થી લોન્ચ કરવામાં આવશે.
એક્સિઓમ-4 કોમર્શિયલ મિશનનું નેતૃત્વ કમાન્ડર પેગી વ્હિટસન કરી રહ્યા છે, જેમાં શુક્લા મિશન પાઇલટ છે અને હંગેરીના અવકાશયાત્રી ટિબોર કાપુ અને પોલેન્ડના સ્લાવોજ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી મિશન નિષ્ણાતો છે.
શુભાંશુ શુક્લાની આ ઉડાન તેમને ભારતના પ્રથમ ખાનગી અવકાશયાત્રીઓમાંના એક બનાવે છે. આ પહેલા 1984માં સોવિયેત મિશન હેઠળ ફક્ત રાકેશ શર્માએ અવકાશમાં મુસાફરી કરી હતી. હવે ભારતની અવકાશ વૈજ્ઞાનિક ક્ષમતા વિશ્વ સાથે તાલ મિલાવી રહી છે
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
