News of Wednesday, 25th June 2025
હિમાચલમાં ભયાનક પૂરનો કહેર : ધર્મશાલા નજીક મનોની ખડ્ડમાં 25 મજૂરો તણાયા હોવાની આશંકા, 2ના મૃતદેહ મળ્યા!
ધર્મશાલાના ખનિયારામાં ઈન્દિરા પ્રિયદર્શિની જળ વિદ્યુત પરિયોજનાના કામદારો અસ્થાયી શેડમાં રહેતા હતા : SDRF અને સ્થાનિક તંત્ર બચાવ કાર્યમાં જોતરાયું : ગુમ થયેલા મોટાભાગના મજૂરો શ્રીનગરના હોવાનું અનુમાન

ધર્મશાલા: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરને કારણે સર્વત્ર તબાહીનો માહોલ છે. કુલ્લુમાં પૂર બાદ હવે ધર્મશાલામાં પણ સ્થિતિ ગંભીર બની છે. જિલ્લાના ખનિયારા વિસ્તારમાં આવેલી મનોની ખડ્ડનું જળસ્તર બુધવારે અચાનક ભયજનક રીતે વધી જતાં ઈન્દિરા પ્રિયદર્શિની જળ વિદ્યુત પરિયોજનામાં કામ કરતા લગભગ 25 મજૂરો તણાઈ ગયા હોવાની આશંકા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં બે મજૂરોના મૃતદેહ મનોની ખડ્ડમાંથી મળી આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ મજૂરો પરિયોજના સ્થળ નજીક અસ્થાયી શેડમાં રહેતા હતા. ભારે વરસાદને કારણે પરિયોજનાનું કામકાજ બંધ હતું, જેના કારણે તમામ મજૂરો આ કામચલાઉ આવાસમાં આરામ કરી રહ્યા હતા. આ દરમિયાન મનોની ખડ્ડ અને નાળાનું સમગ્ર પાણી આ મજૂર કોલોની તરફ વળી ગયું, અને શેડમાં આરામ કરી રહેલા મજૂરો પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા. પાણીમાં તણાઈ ગયેલા મોટાભાગના મજૂરો શ્રીનગરના રહેવાસી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતા જ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની ટીમ, સ્થાનિક પ્રશાસન, ગ્રામ પંચાયત અને મહેસૂલ વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ધર્મશાલાના એસડીએમ મોહિત રત્ને જણાવ્યું કે, મનોની ખડ્ડનું જળસ્તર વધ્યું હતું અને એક વ્યક્તિ તણાઈ ગયાની માહિતી હતી, જેનો મૃતદેહ મળી આવ્યો છે. SDRF ની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે.
હજુ સુધી જે બે મજૂરોના મૃતદેહ મળ્યા છે, તેમની ઓળખ થઈ શકી નથી. પ્રથમ મૃતદેહ ટિલ્લુ પાસે મળ્યો છે, જ્યારે બીજો મૃતદેહ નગુની વિસ્તારમાંથી મળ્યો છે. આ બંને સ્થળો વચ્ચે નોંધપાત્ર અંતર છે અને નગુની તરફ ગયેલી SDRF ટીમનો હજુ સુધી સંપર્ક થઈ શક્યો નથી, જેના કારણે ગુમ થયેલા મજૂરોની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી.
ગ્રામ પંચાયત સોકણી દાના પ્રધાન અમર સિંહે જણાવ્યું કે મનોની ખડ્ડમાં અતિશય પાણી આવ્યું હતું. એક વ્યક્તિ પાણીમાં તણાઈને ટિલ્લુ પાસે મનોની ખડ્ડ કિનારે પહોંચી ગયો હતો, જેનું મોત થયું હતું. પોલીસે રાહત બચાવ દળે વ્યક્તિના મૃતદેહનું પંચનામું કરી ધર્મશાલા હોસ્પિટલ મોકલી આપ્યો છે. અન્ય લોકો પાણીમાં ફસાયા હોવાની કે તણાઈ ગયા હોવાની સંભાવનાને જોતા પહાડી તરફ ખડ્ડમાં સર્ચ કરવા ટીમ રવાના થઈ છે.
સ્થાનિકો દ્વારા એવી ફરિયાદ પણ કરવામાં આવી છે કે જળ વિદ્યુત પરિયોજનાએ મોટા પાયે વૃક્ષોનું નિકંદન કર્યું છે અને કાટમાળ ખડ્ડમાં ફેંક્યો છે, જેના કારણે ટપાલી અને મનોની નાળાનો પ્રવાહ બદલવાનો પ્રયાસ થયો છે. આ અંગે જિલ્લા પ્રશાસનને ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ પરિયોજના સામે કોઈ કાર્યવાહી થઈ ન હતી, જેના પરિણામે મોટું નુકસાન થયું છે.
ધર્મશાલાના ધારાસભ્ય સુધીર શર્માએ પણ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા લગભગ 15-20 મજૂરો પાણીમાં તણાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે આ દુખદ ઘડીમાં પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી છે. તેમણે ઉમેર્યું કે આવી હૃદયદ્રાવક ઘટના ભાગ્યે જ પહેલા ક્યારેય જોઈ નથી, કારણ કે આ તમામ મજૂરો ખડ્ડ કિનારે બનેલા કામચલાઉ શેડમાં રહેતા હતા.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
