<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

ચીનના વૈજ્ઞાનિકોએ બનાવ્યો મચ્છર જેટલો નાનો ડ્રોન : ભવિષ્યના યુદ્ધમાં એક અગત્યનું હથિયાર બની શકે

સરળતાથી માનવ આંખે દેખાતો નથી અને તેની ગતિશીલતાની ક્ષમતા પણ અદ્વિતીય: હવામાં ઊડી શકે. અવાજ વગર આગળ વધી શકે અને લક્ષ્યાંકના વિસ્તાર સુધી જઈને જરૂરી માહિતી એકઠી કરી શકે

ચીન ફરી એકવાર તેના ટેકનોલોજીકલ સંશોધનને લઈને ચર્ચામાં છે. ચીનના રાષ્ટ્રીય ડિફેન્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એવો એક નાનો ડ્રોન વિકસાવ્યો છે જેનું કદ માત્ર મચ્છર જેટલું છે. આ ડ્રોન ભવિષ્યના યુદ્ધમાં એક અગત્યનું હથિયાર બની શકે છે. તેની રચના એવી રીતે કરવામાં આવી છે કે તે સરળતાથી માનવ આંખે દેખાતો નથી અને તેની ગતિશીલતાની ક્ષમતા પણ અદ્વિતીય છે. આ ડ્રોનનો ઉપયોગ ખાસ કરીને ગુપ્તચર કામગીરી માટે થઈ શકે છે. ચીનના રાજ્યચલિત ન્યૂઝ ચેનલ દ્વારા આ ડેવલપમેન્ટ જાહેર કરાયું છે.

  આ ડ્રોનનું માળખું ખૂબ નાનું છે અને તેમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે હવામાં ઊડી શકે છે, અવાજ વગર આગળ વધી શકે છે અને લક્ષ્યાંકના વિસ્તાર સુધી જઈને જરૂરી માહિતી એકઠી કરી શકે છે. તેમાં નાનકડો કેમેરો અને સેન્સર્સ લગાડવામાં આવ્યા છે જે ભવિષ્યમાં ગુપ્ત કામગીરી માટે ઉપયોગી બની શકે છે. આ ડ્રોનને સ્માર્ટફોન દ્વારા કંટ્રોલ પણ કરી શકાય છે. એટલું જ નહીં રડાર પર પણ આ ડ્રોન ઝડપથી પકડમાં નથી આવતો.

  ચીનના સંશોધકોના જણાવ્યા મુજબ આ ડ્રોન ખાસ કરીને ઈન્ડોર મિશન્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. તેને છૂપાવું સરળ છે અને તે સામાન્ય જીવ જેટલો દેખાય છે એટલે તેનો આકાર સહલાઈથી કોઇને સમજાતો નથી. હાલમાં તેને માત્ર પ્રયોગાત્મક તબક્કામાં રજૂ કરવામાં આવ્યો છે, પરંતુ ભવિષ્યમાં તેનો ઉપયોગ ચીનની સેનાઓમાં વ્યાપક સ્તરે થઈ શકે છે.

વિશ્વભરમાં હવે માઈક્રો ડ્રોન્સના વિકાસ માટે દેશો વચ્ચે સ્પર્ધા વધી છે. નોર્વે, અમેરિકા અને ઇઝરાયેલ પણ આવા ડ્રોન ડેવલપ કરી રહ્યા છે. ખાસ કરીને અમેરિકાના 'રોબો-બી' પ્રોજેક્ટ અને નોર્વેનો 'બ્લેક હોર્નેટ' માઈક્રો ડ્રોન પણ થોડા સમય પહેલા ચર્ચામાં રહ્યો હતો. આવા ડ્રોન દુશ્મનની સરહદ પાર જઈને પણ માહિતી લાવી શકે છે અને કોઈ પણ વિઘ્ન વિના પાછા આવી શકે છે.

વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર આવા ટેકનોલોજીમાંથી ફાયદા ઉપરાંત જોખમ પણ ઉમેરાઈ શકે છે. ગુપ્ત માહિતી ચોરી કરવી અથવા વ્યક્તિગત ગોપનીયતામાં ઘુસણખોરી કરી શકે છે સાથે જ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે પણ આવા ડ્રોનનો ઉપયોગ થઈ શકે છે. આથી સૈન્ય ઉપરાંત પબ્લિક સેફ્ટી એજન્સીઓએ પણ પોતાનો રક્ષણાત્મક ઢાંચો સુધારવો પડશે.

ભવિષ્યમાં યુદ્ધ હવે ટાંકી કે મિસાઈલથી નહીં, પરંતુ માહિતીની ચતુરાઈથી લડાશે. ચીનનો આ માઈક્રો ડ્રોન એ જ દિશામાં એક મોટું પગથિયું સાબિત થઈ શકે છે. દુનિયાના દેશોએ હવે સુરક્ષા માટે માઈક્રો ડ્રોન સામેની તકનીકી અને નૈતિક તૈયારી શરૂ કરવાની જરૂર છે. આ નાનકડા મચ્છર જેવું ઉડતું સાધન કદાચ આવનારા સમયમાં વિશાળ પરિણામ આપી શકે છે.

(9:22 PM IST)