<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

શશી થરૂરે ફરી ચોંકાવ્‍યા : રશિયામાં ફ્રેન્‍ચ ભાષામાં પાકિસ્‍તાન પર કર્યા આકરા પ્રહારો

થરૂરે કહયુઃ રશિયા આતંકવાદને ટેકો આપનાર દેશને કેમ સમર્થન આપી રહયુ છે ? રશિયાને આપી સલાહ : કોંગ્રેસે આપી પ્રતિક્રિયા

નવી દિલ્‍હી, તા.૨૬: કોંગ્રેસના સાંસદ શશી થરૂર હાલમાં રશિયાના પ્રવાસે છે. તેઓ રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવને મળ્‍યા. થરૂરે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. તેમણે લખ્‍યું, ‘મોસ્‍કોમાં જૂના મિત્ર રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવને મળીને આનંદ થયો.'

આ પહેલા તેમણે ત્‍યાં બીજા એક કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. અહીં ભારતનો પક્ષ રજૂ કરતી વખતે તેમણે જે રીતે વાત કરી તે સાંભળીને બધા આશ્‍ચર્યચકિત થઈ ગયા. તેનું કારણ તેમની અંગ્રેજી નહીં, પરંતુ ફ્રેન્‍ચ ભાષા હતી.

બ્રિક્‍સ અને પ્રાદેશિક સ્‍થિરતા વિષય પર બોલતી વખતે, થરૂરે ફ્રેન્‍ચમાં ભારતનો પક્ષ રજૂ કર્યો. તેમણે કહ્યું કે એક એવો દેશ છે, જે હંમેશા આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડે છે, તેમને તાલીમ અને શષાો પૂરા પાડે છે અને તેમને રક્ષણ પણ આપે છે, અને તે દેશ બીજું કોઈ નહીં પણ પાકિસ્‍તાન છે. થરૂરે કહ્યું કે પાકિસ્‍તાન પ્રાદેશિક શાંતિ માટે મોટો ખતરો છે.

થરૂરે રશિયન નેતાઓને કહ્યું કે તમે લોકો બ્રિક્‍સમાં પાકિસ્‍તાનના સભ્‍યપદ પ્રત્‍યે સકારાત્‍મક વલણ અપનાવી રહ્યા છો, અને અમને આ જોઈને આશ્‍ચર્ય થાય છે. કોંગ્રેસ નેતા થરૂરે કહ્યું કે રશિયા આતંકવાદને ટેકો આપનારા દેશને કેમ ટેકો આપી રહ્યું છે, તે તેમની સમજની બહાર છે.

તેમણે ઓપરેશન સિંદૂર પર ભારતનો પક્ષ પણ રજૂ કર્યો. થરૂરે કહ્યું કે પાકિસ્‍તાને ભારતમાં આતંકવાદીઓ મોકલીને કેવી રીતે નિર્દોષ લોકોની હત્‍યા કરી અને ભારતે તેનો કેવી રીતે જવાબ આપ્‍યો.

પાકિસ્‍તાન પર પ્રહાર કરતા, શશી થરૂરે આતંકવાદ વિરોધી સમિટમાં પાકિસ્‍તાનને સામેલ કરવા બદલ રશિયા પર પણ નિશાન સાધ્‍યું. થરૂર સંસદની વિદેશ બાબતોની સ્‍થાયી સમિતિના અધ્‍યક્ષ છે.

થરૂરે મોસ્‍કોમાં ઘણા અન્‍ય નેતાઓને પણ મળ્‍યા. તેમણે સોશિયલ મીડિયા પર લખ્‍યું, મારા રશિયન સમકક્ષ સ્‍લુત્‍સ્‍કી સાથે મારો પરિચય ફરીથી સ્‍થાપિત કરીને આનંદ થયો, જેમણે થોડા મહિના પહેલા રશિયન પ્રતિનિધિમંડળ સાથે નવી દિલ્‍હીમાં સંસદની મુલાકાત લીધી હતી. અમે પ્રાદેશિક શાંતિ, ઓપરેશન સિંદૂર અને ભવિષ્‍યમાં સંસદીય સહયોગ માટે શકય તકો પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. થરૂરે રશિયન પ્રસારણકર્તા રશિયા ટુડે દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમનો કાર્યક્રમ ૧૦ ભાગોમાં બતાવવામાં આવશે. તેમણે વિવિધ વિષયો પર ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે. તે કયારે દર્શાવવામાં આવશે તેની તારીખ હજુ નક્કી નથી.

આ કાર્યક્રમમાં, થરૂરે આંતરરાષ્‍ટ્રીય બાબતોની રાજ્‍ય ડુમા સમિતિના અધ્‍યક્ષ લિયોનીદ સ્‍લુત્‍સ્‍કીને મળ્‍યા. થરૂરે રશિયન નેતાઓ સાથે યુક્રેન યુદ્ધ તેમજ ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેના તણાવ અંગે ચર્ચા કરી. સ્‍લુત્‍સ્‍કીએ કહ્યું કે ભારત બ્રિક્‍સનો એક મહત્‍વપૂર્ણ દેશ છે અને અમે આગામી દિવસોમાં બ્રિક્‍સની અંદર સંસદીય પરિમાણ વિકસાવવાનો પણ પ્રયાસ કરીશું.(

(2:36 PM IST)