તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Thursday, 26th June 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે ઐતિહાસિક નિર્ણય : હવે વાર્ષિક માત્ર ૨૦૦ રૂપિયા ઘરવેરો!
સમગ્ર રાજ્યની ગ્રામ પંચાયતોમાં સરકારી સહાયથી બનેલા આવાસો પર ૪ વર્ષ માટે એક સમાન, વાર્ષિક ૨૦૦ રૂપિયાનો ઘર વેરા આકારણી દર લાગુ પડશે : લાખો ગરીબ પરિવારોને મળશે મોટી રાહત!

ગાંધીનગર, તા. ૨૬ : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામીણ વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ પામેલા આવાસોના લાખો લાભાર્થીઓના વ્યાપક હિતમાં આજે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણયની ઘોષણા કરી છે. તેમના આ નિર્ણય અનુસાર, હવે કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) સહિતની વિવિધ યોજનાઓમાં સરકારી સહાયથી બનેલા આવાસો માટે રાજ્યભરમાં આવાસ લાભાર્થીઓ પાસેથી એક સમાન દરે, વાર્ષિક ફક્ત ૨૦૦ રૂપિયા ઘર વેરા આકારણી પેટે વસૂલવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ જનહિતકારી નિર્ણય હેઠળ, રાજ્યની તમામ ગ્રામ પંચાયતોની હદમાં સરકારી સહાયથી બનેલા આવાસો માટે હાલની ઘર વેરા આકારણીના સમયગાળાથી શરૂ કરીને આગામી ૪ વર્ષ માટે વાર્ષિક ૨૦૦ રૂપિયાના આકારણીના દર નક્કી કરવામાં આવ્યા છે. આ નિર્ણયનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે, કોઈપણ ગ્રામ પંચાયત આ વાર્ષિક ૨૦૦ રૂપિયાના નિર્ધારિત દરથી વધારે રકમ વસૂલ કરી શકશે નહીં. આ ઉપરાંત, ચાર વર્ષ પછી આ આકારણી દરની રાજ્ય સરકાર દ્વારા પુન:સમીક્ષા હાથ ધરવામાં આવશે.
સરકારનો આ નિર્ણય પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની આવાસ યોજનાઓના લાભાર્થીઓની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે આવાસ યોજનાના લાભાર્થીઓ આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવે છે. આવા પરિવારોને 'પોતીકા ઘર'નું સપનું સાકાર કરવા માટે સરકાર આર્થિક સહાય પૂરી પાડીને પડખે ઊભી રહે છે. હવે, ઘર વેરામાં પણ એકસૂત્રતા અને મોટી રાહત આપીને સરકારે આ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પ્રત્યે પોતાની સંવેદનશીલતા દર્શાવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ નિર્ણયને પરિણામે રાજ્યના લાખો ગ્રામીણ ગરીબ પરિવારોને ઘર વેરા આકારણીની રકમમાં નોંધપાત્ર રાહત મળશે, જે તેમના પરનો આર્થિક બોજ હળવો કરશે. રાજ્ય સરકારના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા આ નિર્ણય અંગેનો સત્તાવાર ઠરાવ પણ જારી કરવામાં આવ્યો છે, જેના અમલથી રાજ્યભરના ગ્રામીણ આવાસોના લાભાર્થીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
