<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

ધોધમાર વરસાદે રાજકોટ જળબંબોળ : માત્ર અડધા કલાકમાં બે ઇંચ ખાબકતા રસ્તાઓ નદી બન્યા: અનેક વાહનો ફસાયા : જુઓ વિડીયો

પોપટપરા અને એસ્ટ્રોન ચોક નાળામાં પાણી ભરાઈ જતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલી: પોપટપરા નાળામાં 3 લોકો પાણીના તેજ પ્રવાહમાં તણાતા રહી ગયા

રાજકોટ :  સૌરાષ્ટ્રભરમાં મેઘાવી માહોલ જામ્યો છે અને અનેક જિલ્લાઓ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વીતેલા અડધા કલાકમાં રાજકોટમાં 2 ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના પગલે શહેરમાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

રાજકોટમાં જ વીતેલા અડધા કલાકમાં અંદાજે 2 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા 150 ફૂટ રીંગ રોડ, યુનિવર્સિટી રોડ, માધાપર ચોકડી સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. માત્ર બે ઇંચ વરસાદમાં જ રાજકોટના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અનેક વાહનો પાણીમાં ફસાયા હતા.

શહેરના પોપટપરા અને એસ્ટ્રોન ચોક નાળામાં પાણી ભરાઈ જતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડી હતી. આ નાળાઓમાં એટલું પાણી ભરાયું હતું કે વાહનો ડૂબી ગયા હતા અને લોકોને પોતાના બાઈકો પણ ઊંચકીને બહાર કાઢવા પડ્યા હતા.જ્યારે પોપટપરા નાળામાં 3 લોકો પાણીના તેજ પ્રવાહમાં તણાતા રહી ગયા હતા. જોકે સદનસીબે તાત્કાલિક તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર , આજે સવારથી રાજ્યના 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ 135 મિ.મી (5.3 ઈંચ) વરસાદ જૂનાગઢના માળીયા હાટીના તાલુકામાં ખાબક્યો છે. આ સિવાય સુરતના મહુવામાં 121 મિ.મી (4.7 ઈંચ), જૂનાગઢના વિસાવદરમાં 118 (4.6 ઈંચ), નવસારીના ખેરગામમાં 106 , ચિખલીમાં 102 અને ગીર સોમનાથના તાલાલામાં 101 મિ.મી વરસાદ નોંધાયો છે. આમ આખા દિવસ દરમિયાન 53 તાલુકામાં 1 ઈંચથી વધુ, 30 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 11 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

જ્યારે સાંજે 4 થી 6 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળામાં મોરબી જિલ્લાના ટંકારામાં સૌથી વધુ 60 મિ.મી (2.36 ઈંચ), ગીર સોમનાથના ગીર-ગઢડામાં 40 મિ.મી (1.5 ઈંચ), સુરેન્દ્રનગરના થાનગઢમાં 32 મિ.મી (1.2 ઈંચ), ખેડાના કપડવંજમાં 29 મિ.મી (1.1 ઈંચ) વરસાદ પડ્યો છે.

( તસ્વીર અને વીડિયો - અભી બગથરીયા, અકિલા)

(10:08 PM IST)