News of Friday, 27th June 2025
૧૩ વર્ષના બાળકે ૧૫ વર્ષના બાળકને છરીના ઘા મારી પતાવી દીધો
સ્કૂલમાં ખૂની ખેલ ખેલાયોઃ મહારાષ્ટ્રના આહિલ્યાનગરમાં હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

આહિલ્યાનગર તા.૨૭: મહારાષ્ટ્રના આહિલ્યાનગર (પૂર્વ અહમદનગર) માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ક્રિકેટના વિવાદને કારણે એક બાળકે બીજા યુવકની ચાકુ મારીને હત્યા કરી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે ક્રિકેટ મેચ રમવા અંગે થયેલા વિવાદ બાદ લંચ બ્રેક દરમિયાન ૧૩ વર્ષના આઠમા ધોરણના વિદ્યાર્થીએ ૧૫ વર્ષના દસમા ધોરણના વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા કરી દીધી.
હુમલા બાદ વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટના બુધવાર, ૨૫ જૂને મહારાષ્ટ્રના આહિલ્યાનગરની એક સ્કૂલમાં બની હતી. ક્રિકેટ રમવા અંગે બંને વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેનો અંત ઘણો ઘાતક આવ્યો હતો.
વિવાદ વધતા બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ. આ દરમિયાન ગુસ્સામાં આવીને ૧૩ વર્ષના છોકરાએ ૧૫ વર્ષના વિદ્યાર્થીના પેટ અને માથા પર ચાકુથી હુમલો કર્યો. તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ મહારાષ્ટ્ર પોલીસ તરત જ સ્કૂલ પહોંચી. પોલીસે આઠમા ધોરણના આરોપી વિદ્યાર્થીને કસ્ટડીમાં લઈ લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મળતક વિદ્યાર્થીના પિતાના જણાવ્યા મુજબ, બંને વિદ્યાર્થી એક જ વિસ્તારમાં રહેતા હતા. બંને વચ્ચે ક્રિકેટ રમવા અંગે જૂનો વિવાદ ચાલતો હતો. લંચ બ્રેકમાં સ્કૂલની રજા થતાં જ બંને વચ્ચે ક્રિકેટ રમવા અંગે ઝઘડો થયો હતો.
પીડિત યુવકના પિતાએ જણાવ્યું કે તેમનો પુત્ર પોતાના મિત્રના ઘરની સામે ક્રિકેટ રમવા જતો હતો. આ બાબતે પાડોશી પરિવાર નારાજ હતો અને આ બાબતે ઝઘડો કરતો હતો. પિતાએ વધુમાં જણાવ્યું કે આરોપી છોકરાનો પરિવાર તેમના પુત્રને ધમકાવતો હતો.
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે. વીડિયોમાં બંનેને હિંસક રીતે ઝઘડો કરતા જોઈ શકાય છે. હાલ, આરોપી વિદ્યાર્થીને કસ્ટડીમાં લઈને પોલીસ વધુ તપાસ કરી રહી છે. બંને વિદ્યાર્થી સરજેપુરા વિસ્તારમાં રહે છે અને તેમના ઘરો પણ નજીકમાં જ છે.(૩૮.૬)
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
