News of Friday, 27th June 2025
સાંસદના ડ્રાઈવરને ગિફ્ટમાં રૂ.૧૫૦ કરોડની જમીન મળતા વિવાદ
એક સામાન્ય ડ્રાઈવરને ૧૫૦ કરોડ રૂપિયાની જમીન ગિફ્ટમાં મળતા લોકોને પણ આヘર્ય થયું

મુંબઇ તા.૨૭: મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાના સાંસદ સંદીપનરાવ ભૂમરેના ડ્રાઈવરને ૧૫૦ કરોડ રૂપિયાની જમીન ગિફ્ટમાં મળ્યા બાદ વિવાદ ઊભો થયો છે. ત્રણ એકર જમીનની માલિકી હૈદારબાદના જાણીતા સલાર જંગ પરિવારના વંશજોની હતી, જેમણે આ જમીન છત્રપતિ સાંભાજીનગરના સાંસદના ડ્રાઈવર જાવેદ રસૂલ શેખને ગિફ્ટમાં આપી દીધી છે. આ જમીન હૈદારાબાદના ભૂતપૂર્વ દિવાન સાલાર જંગની પ્રોપર્ટી છે. જોકે, એક સામાન્ય ડ્રાઈવરને ૧૫૦ કરોડ રૂપિયાની જમીન ગિફ્ટમાં મળતા લોકોને પણ આヘર્ય થયું છે. જાવેદ રસૂલ શેખ છેલ્લા ૧૩ વર્ષથી સાંસદ અને તેમના ધારાસભ્ય પુત્ર વિલાસ ભુમરેના ડ્રાઈવર તરીકે કામ કરે છે.
જોકે, વકીલ મુજાહિદ ખાનની ફરિયાદના આધારે છત્રપતિ સાંભાજીનગર પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)એ તેની તપાસ શરૂ કરી દીધી છે. ઈન્વેસ્ટિગેશન ટીમે હિબાનામા એટલે કે દાનપત્ર પર સાઈન કરનારા સાલાગ જંગના છ પરિવારજનોને પણ નોટિસ પાઠવી છે. ફરિયાદ કરનારા વકીલનું કહેવું છે કે, સાંસદના ડ્રાઈવરનો સાલાર જંગ પરિવાર સાથે કોઈ સંબંધ નથી, તો પછી તેને આટલી મોંઘી પ્રોપર્ટી કેમ આપશે?
બીજી તરફ સાંસદના ડ્રાઈવરે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, તે તપાસમાં પૂરતો સહયોગ આપી રહ્યો છે અને જે પણ વિગતો માંગવામાં આવી છે તેને પહેલાથી જ સબમિટ કરી દેવામાં આવી છે. તેણે એવો પણ દાવો કર્યો છે કે સાલાર જંગ પરિવારના વંશજો સાથે તેના સારા સંબંધો છે, અને તેથી જ તેમણે તેને જમીન ગિફ્ટમાં આપી છે.
પોલીસ કમિશનર પ્રવીણ પવારે ગુરુવારે જણાવ્યું હતું કે પરભાનીના એક વકીલની ફરિયાદના આધારે જાવેદ રસૂલ શેખને સમન્સ પાઠવવામાં આવ્યું હતું, જેમાં સંભાજીનગરમાં જાલના રોડ પર દાઉદપુરા ખાતે પ્રાઈમ લેન્ડ તરીકે ગણાતી જમીન માટે તેના નામ હિબાનામા (ગિફ્ટ ડીડ) નોંધાવવામાં આવ્યો હતો. જ્યારે લેન્ડ ટ્રાન્સફરની તપાસ કરી રહેલી EOW ટીમના એક સભ્ય ઈન્સ્પેક્ટર સાંભાજી પવારે જણાવ્યું હતું કે, ટીમ જાવેદ રસૂલ શેખના ઈનકમ ટેક્સ રિટર્ન અને આવકના અન્ય કોઈસ્ત્રોતની વિગતો સ્કેન કરશે. જાવેદે સમજાવવું પડશે કે સાલાર જંગ પરિવારમાંથી કોઈએ શા માટે તેના નામે ગિફ્ટ ડીડ બનાવીને પ્રાઈમ લોકેશન પર ત્રણ એકર જમીન તેના નામે ટ્રાન્સફર કરી છે. જેની કિંમત ૧૫૦ કરોડ રૂપિયા જેટલી થાય છે. અધિકારીએ જણાવ્યું હતું કે ડીડ પર સાલાર જંગ ફેમિલીના મીર મઝહર અલી ખાન અને તેમના છ સંબંધીઓએ સાઈન કરી છે, અને તેમનો જવાબ મેળવવા માટે EOWની ટીમે નોટિસ પાઠવી છે.
પૈઠણ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા વિલાસે જાવેદના નામે જમીન ટ્રાન્સફર ડીડના વિવાદમાં પોલીસ દ્વારા તેમને અને તેમના પિતાને કથિત રીતે ઘસડવાનો વિરોધ કર્યો. તેમણે કહ્યું હતું કે, EOW અધિકારીઓએ તેમની પણ પૂછપરછ કરી હતી. તેમણે તે પણ કહ્યું હતું કે, જાવેદ તેમનો ડ્રાઈવર હોવા છતાં, તે જે કંઈ કરે છે તેના પર તેનું કે તેના પિતાનું કોઈ નિયંત્રણ નથી. કોઈ પણ સંજોગોમાં હિબાનામા એ પ્રોપર્ટી ગિફ્ટ આપવાની કાયદેસર રીતે માન્ય પ્રક્રિયા છે.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
