<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

વૈશ્વિક સંકેતને પગલે સોનામાં વેચવાલીનો દોર : ભાવમાં સતત ઘટાડો

માધ્ય પૂર્વની સ્થિતિ હળવી બનતા અને અમેરિકા ચીન વચ્ચે ટ્રેડ ડીલના અહેવાલે ભાવમાં કડાકો

નવી દિલ્હી : મધ્ય પૂર્વમાં ચિંતાજનક સ્થિતિ હળવી બનતા અને અમરિકા-ચીન વચ્ચે ટ્રેડ ડિલને લગતા સાનુકૂળ અહેવાલને પગલે બુલિયન માર્કેટમાં મોટો ઘટાડો થયો છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે 10 ગ્રામ દીઠ સોનાના ભાવ રૂપિયા 930 ઘટીને રૂપિયા 97,670 થયો છે. જ્યારે સ્ટાન્ડર્ડ સોનુ (99.5)નો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 850 તૂટી રૂપિયા 97,200 થયો છે.

વૈશ્વિક સ્તરે ભૂ-રાજકિય ચિંતા હળવી બનતા સુરક્ષિત ગણાતા સોનામાં સતત ઊંચા મથાળેથી સતત નફારૂપી વેચવાલીનું દબાણ વધ્યું છે. ડિ-એસ્કેલેશનની સ્થિતિમાં સમગ્ર બજારોમાં તત્કાલ જોખમની સ્થિતિમાં પ્રીમિયમમાં ઘટાડાનો માહોલ છે ત્યારે સોનામાં પણ રૂપિયા એક લાખની સપાટી કુદાવ્યા બાદ સતત ભાવો તૂટી રહ્યા છે.

બીજી બાજુ ચાંદીમાં પણ સામાન્ય ઘટાડો થયો છે. દિલ્હી ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 100 ઘટી રૂપિયા 1,03,100 થયો છે.

વૈશ્વિક બજારોની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ ઔંસદીઠ 43.45 ડોલર એટલે કે 1.31 ટકા ગગડી 3,284.40 ડોલર થયો છે.

 

(6:57 PM IST)