<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

હિન્દી-મરાઠી વિવાદ: મહારાષ્ટ્ર સરકાર ઢીલી પડી : ત્રણ ભાષા નીતિ પર જારી કરાયેલ આદેશ રદ કર્યો

સરકારે સમિતિની રચના કરી : ત્રિભાષા નીતિ પર સરકારણે અહેવાલ સુપરત કરશે

મહારાષ્ટ્ર સરકાર હવે હિન્દી-મરાઠી વિવાદમાં પાછળ પડી ગઈ હોય તેવું લાગે છે. ફડણવીસ સરકારે ત્રિભાષા નીતિ પર જારી કરેલા પોતાના આદેશને રદ કર્યો છે. આ સાથે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે. જે ત્રિભાષા નીતિ પર કામ કરશે અને સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે. વિપક્ષ આ બાબતનો જોરદાર વિરોધ કરી રહ્યો હતો, જેના કારણે સરકાર પાછળ પડી રહી હતી. અગાઉ, નાયબ મુખ્યમંત્રી અજિત પવારે રવિવારે કહ્યું હતું કે 'ત્રણભાષા' નીતિ સામે 5 જુલાઈએ 'મોરચો' યોજવાની જરૂર ન પડે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

     મુંબઈમાં એક પત્રકાર પરિષદને સંબોધતા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભાષા નીતિ લાગુ કરવા અને આગળનો માર્ગ સૂચવવા માટે શિક્ષણવિદ નરેન્દ્ર જાધવની અધ્યક્ષતામાં એક સમિતિની રચનાની પણ જાહેરાત કરી. ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેએ ડૉ. રઘુનાથ માશેલકર સમિતિની ભલામણોને સ્વીકારી હતી અને નીતિના અમલીકરણ માટે એક સમિતિની રચના કરી હતી. ફડણવીસે કહ્યું, "રાજ્ય મંત્રીમંડળે એપ્રિલ અને જૂનમાં 'ત્રણ ભાષા' નીતિના ધોરણ 1 થી 12 સુધીના અમલીકરણ અંગે જારી કરાયેલા બે સરકારી આદેશો (GR) પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. ડૉ. નરેન્દ્ર જાધવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવશે જે (ત્રણ ભાષા નીતિના) અમલીકરણની ભલામણ કરશે."

    ફડણવીસ સરકારે 16 એપ્રિલે સરકારી આદેશ જારી કર્યો હતો, જેમાં અંગ્રેજી અને મરાઠી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે હિન્દીને ત્રીજી ફરજિયાત ભાષા બનાવવામાં આવી હતી. જો કે, વિરોધ વધતાં, સરકારે 17 જૂને સુધારેલ સરકારી આદેશ જારી કર્યો, જેમાં હિન્દીને વૈકલ્પિક ભાષા બનાવવામાં આવી.

મુખ્ય ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું કે તેમનો પક્ષ હિન્દીનો વિરોધ કરતો નથી પરંતુ તેના "લાદવા" સામે છે. દક્ષિણ મુંબઈમાં વિરોધ પ્રદર્શન બાદ પત્રકારો સાથે વાત કરતા ઠાકરેએ આ વાત કહી. વિરોધ પ્રદર્શન દરમિયાન, 17 જૂનના સરકારી આદેશની નકલો સળગાવી દેવામાં આવી હતી, જેમાં શાળાઓ માટે ત્રણ ભાષા નીતિ અંગેનો નિર્દેશ જારી કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકલ, કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ ભાલચંદ્ર મુંગેકર, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા નીતિન સરદેસાઈ, શિવસેના નેતા આદિત્ય ઠાકરે અને સંજય રાઉતે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

(9:20 PM IST)