<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

ચાર IIT, ત્રણ IIM સહિતની કોલેજોને રેગિંગ વિરોધી નિયમો ભંગ બદલ નોટિસ

UGCના રડારમાં ૮૯ શૈક્ષણિક સંસ્‍થાનો

 

નવી દિલ્‍હી,તા.૩૦: દેશની જાણીતી યુનિવર્સિટીની કોલેજમાં વધતી રેગિંગની ઘટનાને ડામવા માટે એન્‍ટિ રેગિંગ નિયમો અમલ કરવામાં આવ્‍યો હતો. આ નિયમ તમામ કોલેજ પર લાગુ પડે છે. આ નિયમોથી રેગિંગના દૂષણને જડમૂળમાંથી હટાવવાનો ઉદ્દેશ હતો, પરંતુ હવે યુનિવર્સિટી ગ્રાન્‍ટ્‍સ કમિશન (UGC) દ્વારા રેગિંગ વિરોધી નિયમોનું પાલન નહીં કરનારી કોલેજોનું એક લિસ્‍ટ બનાવવામાં આવ્‍યું છે અને નિયમોનો ભંગ કરવા બદલ નોટિસ પણ ફટકારી છે. જાણીએ કઈ કઈ કોલેજનો સમાવેશ કર્યો છે.

આ અહેવાલ પ્રમાણે ભારતની ૮૯ કોલેજને આ નિયમોનું પાલન નહીં કરવા બદલનું કારણ દર્શવવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. આમાં ચાર ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્‍થા (IIT) અને ત્રણ ભારતીય વ્‍યવસ્‍થાપન સંસ્‍થા (IIM) સહિતની રાષ્‍ટ્રીય મહત્‍વની સંસ્‍થાઓનો સમાવેશ થાય છે. આ સંસ્‍થાઓએ રેગિંગ વિરોધી સોગંદનામું સમયસર રજૂ ન કરતાં યુજીસીએ કડક વલણ અપનાવ્‍યું છે.

યુજીસીએ દેશભરની ૮૯ સંસ્‍થાઓને રેગિંગ વિરોધી નિયમોનું પાલન ન કરવા બદલ નોટિસ મોકલી છે. ડિફોલ્‍ટર્સની યાદીમાં આઈઆઈટી બોમ્‍બે, ખડગપુર, પલક્કડ અને હૈદરાબાદ તેમજ આઈઆઈએમ બોમ્‍બે, રોહતક અને તિરુચિરાપલ્લીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એઈમ્‍સ રાયબરેલી અને નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ડિઝાઇનની દિલ્‍હી, આંધ્રપ્રદેશ અને હરિયાણા શાખાઓ પણ આ યાદીમાં છે. આ સંસ્‍થાઓએ વિદ્યાર્થીઓ અને સંસ્‍થાઓ દ્વારા ફરજિયાત રેગિંગ વિરોધી સોગંદનામું રજૂ નહીં કર્યું હોવાનું યુજીસીએ જણાવ્‍યું છે.(૪૦.૮)

(10:20 AM IST)