News of Tuesday, 1st July 2025
એલન મસ્કનો ટ્રમ્પને ખુલ્લો પડકારઃ જો વન બીગ બ્યુટીફૂલ બિલ પસાર થશે, તો હું બીજા જ દિવસે નવી પાર્ટી બનાવીશ

વોશીંગ્ટન તા.૧: એક સમયે ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સાથી અને સલાહકાર રહેલા અબજોપતિ એલોન મસ્કે ફરી એકવાર યુએસ રાષ્ટ્રપતિના વન બીગ બ્યુટીફૂલ બિલની આકરી ટીકા કરી છે. મસ્કે ટ્રમ્પના બહુચર્ચિત બિલને પાગલ અને સામાન્ય કરદાતાઓ પર બોજ ગણાવ્યું છે. આ સાથે, તેમણે ચેતવણી આપી છે કે જો સેનેટ આ બિલને મંજૂરી આપે છે, તો તેઓ બીજા દિવસે અમેરિકા પાર્ટી નામનો એક નવો રાજકીય પક્ષ શરૂ કરશે.
આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળની મુખ્ય નીતિ છે, જેમાં સંરક્ષણ, ઉર્જા અને સરહદ સુરક્ષા માટે મોટા બજેટની માંગ કરવામાં આવી છે, પરંતુ પોષણ અને આરોગ્ય સેવાઓમાં કાપ મૂકવાની પણ જોગવાઈ છે. કોંગ્રેસનલ બજેટ ઓફિસે અહેવાલ આપ્યો છે કે આગામી દસ વર્ષોમાં, આ બિલ રાષ્ટ્રીય ખાધમાં આશરે $૩.૩ ટ્રિલિયનનો વધારો કરશે.
આ બિલ દેવાની મર્યાદામાં રેકોર્ડ પાંચ ટ્રિલિયન ડોલરનો વધારો કરે છે. તે સ્પષ્ટ છે કે આપણે હવે એક પક્ષીય દેશમાં રહીએ છીએ - હવે એક નવી પાર્ટીનો સમય આવી ગયો છે જે ખરેખર લોકોની ચિંતા કરે છે, એલોન મસ્કે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું.
તેમણે રિપબ્લિકન નેતાઓ, ખાસ કરીને હાઉસ ફ્રીડમ કોકસના ચેરમેન એન્ડી હેરિસ પર પણ આકરા પ્રહારો કર્યા અને કહ્યું, જો તમે સરકારી ખર્ચ ઘટાડવાના નામે ચૂંટાયા હોવ અને પછી દેવાની મર્યાદામાં સૌથી વધુ વધારો કરતા બિલ માટે મતદાન કરો, તો તમને શરમ આવવી જોઈએ.
એલોન મસ્કે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, જો આ પાગલ બિલ પસાર થઈ જશે, તો હું બીજા જ દિવસ અમેરિકા પાર્ટી શરૂ કરીશ. ડેમોક્રેટ્સ-રિપબ્લિકન્સની આ એકપક્ષીય વ્યવસ્થાનો વિકલ્પ આપણને જોઈએ છે, જેથી સામાન્ય લોકોનો અવાજ ઉઠાવી શકાય.
એક સમયે ટ્રમ્પના નજીકના સલાહકાર રહેલા એલોન મસ્કને સરકારી કાર્યક્ષમતા વિભાગના વડા પણ બનાવવામાં આવ્યા હતા, પરંતુ ટૂંક સમયમાં બંને વચ્ચેના મતભેદો વધુ ઘેરા થવા લાગ્યા. મસ્કે દાવો કર્યો હતો કે તેમના સમર્થન વિના ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હોત.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
