News of Tuesday, 1st July 2025
દિલ્હીમાં ‘વૃધ્ધ' થઈ ગયેલા વાહનો ઉપર સંકટ
૩૫૦ પેટ્રોલ પંપો ઉપર પહેરોઃ ૧૦૦ પર પોલીસ તૈનાત ૧૫ વર્ષ જુના વાહનો સામે આજથી કડક ઝુંબેશ

નવી દિલ્હી,તા.૦૧: જો તમે દિલ્હીમાં રહો છો અને તમારું વાહન ૧૫ વર્ષથી વધુ જૂનું છે તો આજે ઘરની બહાર નીકળતા પહેલા થોડી કાળજી રાખો. આજથી, રાજધાની દિલ્હીમાં એન્ડ-ઓફ-લાઇફ વ્હીકલ્સ એટલે કે જે વાહનોએ તેમની નિર્ધારિત સમય મર્યાદા પૂર્ણ કરી છે તેમની સામે કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.
હવે, ૧૫ વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનો અને ૧૦ વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનોને રસ્તા પર દોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને તેમને બળતણ પણ મળશે નહીં. દિલ્હી સરકારે આ જૂના વાહનોની શોધ અને જપ્તી માટે કડક જોગવાઈઓ લાગુ કરી છે. જો આવું વાહન પકડાય તો માલિકે ૧૦,૦૦૦ રૂપિયાનું ચલણ ચૂકવવું પડશે. બીજી તરફ, જે ટુ-વ્હીલર્સની ઉંમર પૂર્ણ થઈ ગઈ છે તેમને જપ્ત કરવા પર ૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
આ અભિયાન હેઠળ, દિલ્હીના ૩૫૦ પેટ્રોલ પંપ ઓળખવામાં આવ્યા છે. જે પૈકી ૧૦૦ સૌથી વ્યસ્ત પેટ્રોલ પંપ પર દિલ્હી પોલીસની ટીમો તૈનાત કરવામાં આવેલ છે. પરિવહન વિભાગના અધિકારીઓ ૫૯ પંપનું નિરીક્ષણ કરશે. તે જ સમયે, ૯૧ સંવેદનશીલ પેટ્રોલ પંપ પર સંયુક્ત ટીમો તૈનાત કરવામાં આવશે, જેમાં દિલ્હી પોલીસ અને પરિવહન વિભાગ બંનેનો સમાવેશ થશે.
દિલ્હીમાં લગભગ ૬૨ લાખ વાહનો છે જે હવે આ શ્રેણીમાં આવે છે. આમાં ૪૧ લાખ ટુ-વ્હીલર અને ૧૮ લાખ ફોર-વ્હીલરનો સમાવેશ થાય છે. હરિયાણામાં ૨૭.૫ લાખ વાહનો, ઉત્તર પ્રદેશમાં ૧૨.૪ લાખ અને રાજસ્થાનમાં ૬.૧ લાખ વાહનોનો સમાવેશ થાય છે. આ ઝુંબેશ પાછળ સરકારનો હેતુ સ્પષ્ટ છે - પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે રસ્તાઓ પરથી જૂના અને ઝેરી ધુમાડા છોડતા વાહનોને દૂર કરવાનો
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
