News of Tuesday, 1st July 2025
કેમ શેરબજારથી દૂર થઈ રહ્યા છે ગુજરાતીઓ?
ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે અને તેના કારણે ગુજરાતના રોકાણકારો તેનાથી દૂર થઈ રહ્યા છે :એપ્રિલ અને મે મહિનામાં સુરતમાં સૌથી વધુ ૬૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે અમદાવાદમાં આ ઘટાડો ૬૨ ટકા છે

મુંબઈ, તા.૧: ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે, અને તેના કારણે ગુજરાતના રોકાણકારો તેનાથી દૂર થઈ રહ્યા છે. મે મહિનામાં ગુજરાતમાં નવા ઈક્વિટી ઈન્વેસ્ટર રેજિસ્ટ્રેશનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જના રિપોર્ટ મુજબ એપ્રિલ અને મે મહિનામાં સુરતમાં સૌથી વધુ ૬૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે અમદાવાદમાં આ ઘટાડો ૬૨ ટકા છે. મે મહિનામાં રાજ્યમાં કુલ ૫૬,૨૦૦ નવા ઈન્વેસ્ટર્સનો ઉમેરો થયો હતો અને તેણે એક કરોડ યુનિક ઈન્વેસ્ટર્સનો આંકડો પાર કર્યો હતો. ઈક્વિટી ઈન્વેસ્ટર રેજિસ્ટ્રેશનમાં ઘટાડો થયો હોવા છતાં અમદાવાદ ૧૦,૦૦૦ અને સુરત ૯૪૦૦ સાથે ટોચના ૧૦ જિલ્લાઓમાં સામેલ છે.
એક સ્ટોક બ્રોકિંગ ફર્મના ડિરેક્ટર ગુંજન ચોક્સીએ જણાવ્યું હતું કે, માર્કેટ હાલમાં મંદીના તબક્કામાં છે અને તેથી જાન્યુઆરીથી નવા ઈન્વેસ્ટર્સમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, જૂનમાં પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે, અને આગામી સમયમાં નોંધપાત્ર સંખ્યામાં નવા ઈન્વેસ્ટર્સનો ઉમેરો જોવા મળી શકે છે.
NSEના રિપોર્ટ મુજબ ટોચના ૧૦ જિલ્લાઓમાં સુરતમાં માસિક નવા ઈન્વેસ્ટર્સના રેજિસ્ટ્રેશનમાં ૬૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૨૪,૦૦૦ નવા રેજિસ્ટ્રેશન થયા હતા જે નાણાકીય વર્ષ ૨૦૨૬માં ઘટીને ૮૮૦૦ થયા હતા. જ્યારે અમદાવાદમાં નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૨૪,૦૦૦ની તુલનામાં નાણાકીય વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં આ સંખ્યા ૯૨૦૦ નોંધાઈ છે, આમ અમદાવાદમાં ૬૨ ટકાનો ઘટાડો થયો છે. જ્યારે મહારાષ્ટ્રમાં મુંબઈ અને પૂણેમાં અનુક્રમે ૪૩ ટકા અને ૪૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.મે ૨૦૨૫માં ઈન્વેસ્ટર્સના રેજિસ્ટ્રેશનમાં વધારો થયો, અને તે ૧૧ લાખનો આંકડો વટાવી ગયો હતો. મે મહિનામાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૧૪ ટકા નવા રેજિસ્ટ્રેશન થયા હતા, ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૧૨ ટકા, તામિલનાડુ અને પ?મિ બંગાળમાં સાત-સાત ટકા તથા બિહારમાં છ ટકા રેજિસ્ટ્રેશન થયા હતા. આમ મે મહિનામાં થયેલા નવા ઈન્વેસ્ટર રેજિસ્ટ્રેશની કુલ ટકાવારીમાં આ પાંચ રાજ્યોનો હિસ્સો ૪૬ ટકાનો રહ્યો હતો, એટલે કે અડધો અડધ રેજિસ્ટ્રેશન આ પાંચ રાજ્યોમાંથી થયા હતા. જોકે, મે મહિના દરમિયાન નવા રેજિસ્ટ્રેશન મે ૨૦૨૪માં નોંધાયેલા ૧૭.૬ લાખના આંકડા કરતા નોંધપાત્ર રીતે ઓછી હતા.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૫ની શરૂઆતથી સ્ટોક માર્કેટમાં ભારે ઉથલ-પાથલ મચેલી જોવા મળી રહી છે. તેમાં પણ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અને તેમની ટેરિફ પોલિસી તથા જિયોપોલિટિકલ ટેન્શનના કારણે પણ ભારતીય સ્ટોક માર્કેટ પર તેની અસર જોવા મળી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમાં સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
