<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

મને ‘સફારી'ના લવાજમો નહિ વાંચકો જોઇએ છે : નગેન્‍દ્ર વિજય

જે દેશમાં પુસ્‍તકો નથી વેચાતા ને વંચાતા એ દેશનું કોઇ ભાવી નથી : * શિક્ષણ એટલે શું છે કેળવણી અને શિક્ષણ વચ્‍ચેનો ભેદ ખબર છે? * હું મારી માતૃભાષામાં ભણ્‍યો એટલે જે ભણવાનું હતું ને એ બહુ સરસ રીતે પચી ગયું. * વેણીભાઈ પુરોહિતે મને તાલીમ આપી અને કઈ રીતે લખવું ક્‍યાંથી શરૂઆત કરવી એ મને શિખવ્‍યું. * જ્ઞાન માટે તમારી પાસે પુસ્‍તકો હોવા જોઈએ. સોશિયલ મીડિયા તમને ઇન્‍ફોર્મેશન આપે છે અને એનાથી પણ વધારે ડીસઇન્‍ફોર્મેશન આપે છે. * ટુંક સમયમાં યુટ્‍યુબથી નગેન્‍દ્રભાઇ બાળકો સાથે જોડાશે. * સફારી બંધ થયું એટલે એક વસ્‍તુ કહું કે નાટક ફેલ નથી ગયું ઓડિયન્‍સ ફેલ ગયું છે.

સફારીની શરૂઆત ૧ ઓગસ્‍ટ, ૧૯૮૦ના રોજ શ્રી નગેન્‍દ્ર વિજયજી દ્વારા થઇ હતી. ૬ અંકો પછી તેનું પ્રકાશન બંધ થયું. તેનું ફરી પ્રકાશન જુલાઇ ૧૯૮૬ માં શરૂ થયું અને ફરીથી ૧૦ મા અંકે તેનું પ્રકાશન અટક્‍યું. મે ૧૯૯૨ માં સામાયિકનું પ્રકાશન ફરી શરૂ થયું. હવે ૨૮ મે ૨૦૨૫ ના રોજ નગેન્‍દ્રભાઇએ ૩૬૯ અંકને છેલ્લો અંક જાહેર કર્યો હતો. તેમણે ઘટતા જતા વાચકોને કારણે સામાયિક બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.

૪૫ વર્ષ પછી સફારીનો પૂર્ણવિરામ ગુજરાતના વાચકો માટે ખૂબ લાગણીશીલ આ સમય કહી શકાય. દૈવત ત્રિવેદીએ લખ્‍યું છે કે આ જો દરેક વ્‍યક્‍તિ પોતાના મોબાઈલ માં મશગુલ છે કોઈને ગંભીર વાચનમાં રસ નથી. જેમના માટે લખું છું એમના હાથમાં તો હવે પુસ્‍તકને બદલે મોબાઈલ છે. આંગળા એક પછી એક રીલ સ્‍ક્રોલ કરતા રહે છે. હું મારી સ્‍થિતિથી નહીં પણ આ પરિસ્‍થિતિથી થાક્‍યો છું. એ જેમને કોટ કરી રહ્યા છે એ શ્રી નગેન્‍દ્ર વિજયજી છે. વિજ્ઞાન લેખક, પેઢીઓ સુધી વિજ્ઞાનને બહુ જ સરળ ભાષામાં માણસોની અંદર, સામાન્‍ય બાળકોની અંદર, ગામડાના છેવાડાના માણસોની અંદર પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપણા સુધી પહોંચાડનાર અને ગુજરાતની પેઢીને વિજ્ઞાનની પરંપરા આપણા સુધી પહોંચાડનાર શ્રી નગેન્‍દ્ર વિજય દાદા સાથે તાજેતરમાં ‘જમાવટ' દ્વારા હૃદયસ્‍પર્શી પોડકાસ્‍ટ રજુ થયો હતો. દેવાંશીબેને નગેન્‍દ્રભાઇ સાથે સફારી મેગેઝીનની સફરના અંત વિશે ચર્ચા કરી હતી.

શું ખરેખર સફારીની સફર અહિયા પૂરી થઈ જાય છે? કોઈ સ્‍કોપ ખરો હજી? નગેન્‍દ્રભાઇએ જણાવ્‍યું કે, પ્રિન્‍ટ મીડિયાને લાગે વળગે છે ત્‍યાં સુધી તો હું સામા પ્રવાહમાં તરી શકતો નથી. ઘણું તર્યો અને મેં મારા છેલ્લા અંકના તંત્રીલેખમાં લખ્‍યું છે કે સફારીનો ફેલાવો જે શિરોબિંદુ હતું એની સરખામણીમાં અત્‍યારે છઠ્ઠા ભાગનો પણ નથી. આમાં કોઈ ખર્ચા પાણી નીકળતા નથી એ તો ઠીક છે પણ દુઃખ એ વાતનું થાય છે કે હું અટલી મહેનત કરું છું, ઉજાગરા કરું છું, ખૂબ વાંચું છું, એક પુસ્‍તક વાંચીને એમાંથી ખાલી એક જ લેખ લખું છું અને કોઈ વાંચતું નથી. લોકો મને એમ કહે છે કે તમને લવાજમો અપાવી દઈએ. મને લવાજમો નથી જોઈતા મને વાંચકો જોઈએ છે અને એવા વાંચકો કે જેને જ્ઞાન વિજ્ઞાનમાં માત્ર રસ નથી તરસ છે. હવે સોશિયલ મીડિયાએ સસ્‍તું કરી નાખ્‍યું છે આ બધું. ખરેખર સસ્‍તું નહીં હોવું જોઈએ. અને એક વાત તમને કહેવા માગું છું કે નિકોલા સરગેવ કરોલીવ નામનો રશિયાનો રોકેટ સાયન્‍ટિસ્‍ટ હતો કે જેણે રશિયાના લગભગ બધા રોકેટ બનાવ્‍યા. એણે એક વખત કહ્યું હતું કે જે દેશમાં પુસ્‍તકો નથી વેચાતા ને વંચાતા એ દેશનું કોઈ ભાવી નથી.

હું બધાથી જુદો પડી ગયો છું એનું કારણ એ નથી કે હું કઈ અનયુઝવલ માણસ છું. નહી, મારા જીવનમાં સુખદ અકસ્‍માતો બહુ થયા છે. મુંબઈની અંધેરી ઉપનગરની એક શાળા હતી તેમાં હું ભણતો. એ એવી સંસ્‍થા કે જયારે વિજ્ઞાનનો પિરિયડ હોય ત્‍યારે ટીચર ન આવે. શાળાના બધા વિદ્યાર્થીઓએ લેબોરેટરીમાં જવાનું. લેબોરેટરીમાં ટીચર અમારી પાસેથી પ્રયોગો કરાવે. કેમિકલ્‍સના, વિજ્ઞાનના. માણસનું હાર્ડ પિંજર ત્‍યાં હોય. એટલું જ નહી પણ ફોર્માલડીહાઈડમાં બધા અવયવો પેક કરેલા બરણીમાં હોય. ઇતિહાસ હોય તો જે ભણાવવાનું હોય એના બધા જ ચિત્રો ભીત ઉપર લગાડેલા હોય. એક દિવસ શિક્ષકોએ મેનેજમેન્‍ટ વિરૂદ્ધ હડતાલ પાડી. હડતાલ પાડ્‍યા પછી સ્‍પષ્ટીકરણ કર્યું કે હડતાલ મેનેજમેન્‍ટ સામે છે વિદ્યાર્થીઓ સામે નથી. મારી સ્‍કૂલની આ તરફ એક સીધો રસ્‍તો જતો ત્‍યાં લલ્લુભાઈ પાર્ક હતો. દરેક શિક્ષકે એક એક ઝાડ વહેંચી લીધું અને બધા ક્‍લાસના બધા જ વિદ્યાર્થીઓને ત્‍યાં બેસાડ્‍યા અને અમને ભણાવ્‍યા કે હડતાલ તમારી સામે નથી મેનેજમેન્‍ટ સામે છે. તમે કલ્‍પી શકો છો આવી સ્‍કૂલ? આ નગેન્‍દ્ર વિજય એટલા માટે છે કે અમને આવા બધા ગુરુઓ મળ્‍યા છે. અને અમે જે વાતાવરણમાં ઉછર્યા છીએ એ પવિત્ર વાતાવરણ હતું. અત્‍યારે તમે જુઓ કોચિંગ ક્‍લાસ શું કામ? કોચિંગ ક્‍લાસ શેના માટે? જો કોચિંગ ક્‍લાસ હોય તો શાળા શા માટે છે? જો શાળા છે તો કોચિંગ ક્‍લાસ શેના માટે છે? કોઈ સમજાવી શકે છે મને? તો શિક્ષણ એટલે શું છે કેળવણી અને શિક્ષણ વચ્‍ચેનો ભેદ ખબર છે? હવે તમે વિચાર કરો કે તમે શું શીખવાડી રહ્યા છો? અને બીજું એક વસ્‍તુ તમને કહું કે શિક્ષણ સ્‍કૂલમાં જ મળે છે? કોલેજમાં મળે એવું?

 મારી પાસે રશિયન ભાષાનો ડિપ્‍લોમા છે, ઇંગ્‍લિશ જર્નાલિઝમનો ડિપ્‍લોમા છે, માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગનો ડિપ્‍લોમા છે અને મે એડવર્ટાઇઝિંગ એજન્‍સીમાં કામ પણ કર્યું છે. પ્રિન્‍ટિંગ ટેકનોલોજીનો ડિપ્‍લોમા પણ છે. એના માટે અમારે ત્‍યાં એક પ્રિન્‍ટ વેલ નામનું પ્રેસ હતું ત્‍યાં જવું પડતું હતું અને અમે મશીન પર પોતા મારતા હતા. આ ચાર ચાર ડિપ્‍લોમા લઈને હું બેઠો છું. પણ હું વિજ્ઞાન લેખક છું મારી બ્રાન્‍ડ આઈડેન્‍ટિટી તો વિજ્ઞાન લેખક તરીકેની છે. મે આઈન્‍સ્‍ટાઇન અને સાપેક્ષવાદ નામનું અલ્‍ટીમેટ પુસ્‍તક લખ્‍યું છે. જે અલ્‍ટીમેટ ગણાય છે. તમે એજયુકેશન શેને કહો છો? હું રાજકારણ નથી બોલતો પણ મારે એક લિંક તો જોડવી પડે એટલા ખાતર બોલી રહ્યો છું બાકી એ પાઈપમાં મારે નથી પડવું. એનો શિક્ષણ મંત્રી ભુવા ડાકલિયાના ખેલ જુએ છે. મારે એક પ્રવચનમાં કહેવાનું થયું કે આ આપણને આ શિક્ષણ મંત્રીની જરૂર નથી આ મંત્રીને શિક્ષણની જરૂર છે. મેં અનેક પુસ્‍તકો વાંચ્‍યા પછી નક્કી કર્યું હતું કે મારે હવે જર્નાલિઝમમાં પડવું છે. ત્‍યારે મારું અંગ્રેજી બહુ સારું હતું. અમારે ઇનહાઉસ મેગેઝીન હતું વીકલી એમાં અમારા પ્રિન્‍સિપલને મારી ભાષા બહુ ગમતી. હું એ મેગેઝીન સંભાળતો. એક દિવસ એમ.બી કામત આવ્‍યા. મારા પિતાજી જન્‍મભૂમિ પ્રવાસીના એડિટર હતા એટલે ઓળખે એમણે મને કહ્યું કે અંગ્રેજી ભાષા આપણી ભાષા નથી. મને પણ પસ્‍તાવો થાય છે તું નીકળી જા આ ભાષામાંથી અને માતૃભાષામાં આવી જા. એટલે મેં અંગ્રેજી જર્નાલિઝમ છોડી દીધું ને ગુજરાતીમાં આવી ગયો.

 જયારે સમાજમાં આટલી બધી શાળાઓ નહોતી. આટલું બધું શિક્ષણ નહતું, આટલી બધી સમજણ નહોતી. કથિત રીતે આટલી બધી જાગૃતિ નહોતી ત્‍યારે ૭૦૦૦૦ માણસો સફારી વાંચતા હતા. એમને રસ હતો એ જાણવામાં. અત્‍યારે કથિત રીતે આપણે આટલો બધો વિકાસ કર્યો અને આટલું બધું શિક્ષણ વધાર્યું તો પછી વાંચવાનો રસ ક્‍યાં ઉડી ગયો? સમાજનું સ્‍તર ક્‍યાં જઈ રહ્યું છે? નગ્રેન્‍દ્રભાઇએ જણાવ્‍યું કે, સવાલ એ છે કે સહેલાઈથી મળી જાય છે. બીજું હવે આપણું જે શિક્ષણ પદ્ધતિ છે એને હું નથી શિક્ષણ કહેતો કે નથી પદ્ધતિ કહેતો. આજ મારી વાત કરું તો મારા સાયન્‍સ ટીચર ને ખબર પડી કે નગેન્‍દ્રના માર્ક ઓછા આવે છે. તો તેમણે મને ત્રણ મહિના સુધી વિજ્ઞાન ભણાવ્‍યું પણ ટ્‍યુશનની તો વાત જ નહોતી. એને એમ જ હતું કે મારો વિદ્યાર્થી વિજ્ઞાનમાં કાચો કેમ? બીજું બધા મારી સફળતાનું રહસ્‍ય માને છે કે હું સફળ છું. એક મોટું રહસ્‍ય એ છે કે હું મારી માતૃભાષામાં ભણ્‍યો એટલે જે ભણવાનું હતું ને એ બહુ સરસ રીતે પચી ગયું. આ લોકો ટ્‍યુશન ક્‍લાસમાં ટાઇમ વિતાવે એ હું વાંચવામાં વિતાવતો. મારા ટીચર હતા માદામ પ્રેમાકોવા જે કોલાબામાં રહેતા અને શિવણ કામ કરતા અને અમને ભણાવતા. બીજા એક હતા મેજર કસ્‍તીલિયોફ જયારે ત્રીજા એક ટીચર હતા જો અંસારી નામના રશિયન ભણાવતા. મેં એટોમિક એનર્જી લેવાનું નક્કી કર્યું. તો મારે ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટિટ્‍યુટ ઓફ સાયન્‍સીસમાં ભણવાનું થયું. બેંગલોર આઈએસીમાં મારે રશિયન ભણવાનું ને ત્‍યાં પણ રશિયન ટીચર્સ આવ્‍યા હતા. આપણે એક સંસ્‍થા છે ઇન્‍ડિયન સાયન્‍ટિફિક ડોક્‍યુમેન્‍ટેશન સેન્‍ટર. એટલે રશિયામાં જે કઈ રિસર્ચ થાય એ રિસર્ચ પેપરનો એક ડિપ્‍લોમેટિક બેગ તૈયાર થાય અને તે ભારત આવી જાય. ભારત આવે એટલે સીએસઆર કાઉન્‍સિલ ઓફ સાયન્‍ટિફિક રિસર્ચ એ ઇન્‍ડસ્‍ટ્રીયલ રિસર્ચ એને મોકલાય એ જે તે વિષયને જે તે ક્ષેત્રમાં મોકલવાનું હોય. બધું રશિયનમાં હોય એટલે મારે તેને ટ્રાન્‍સલેટ કરવાનું રશિયનમાંથી ઇંગ્‍લિશમાં. પછી મને ઓફર સારી હતી બંગલો પણ મળતો હતો. મને ક્‍વાર્ટર પણ સારું હતું. બહુ સરસ ઓફર હતી એ ૧૯૬૮ ના જમાનામાંની વાત કરું છું. ત્‍યારે ઓફર હતી ૧૮૦૦ રૂપિયા એટલે બહુ જ કહેવાય.

 નગેન્‍દ્ર વિજય જણાવે છે કે, જેણે મને તાલીમ આપી તે વેણીભાઈ પુરોહિત. અમારા પરિવાર સાથે ૧૯૪૪ થી સંબંધ. મારું ટેબલ અને એમનું ટેબલ સાઈડ બાય સાઈડ અને મને તાલીમ આપી. મારે પહેલો લેખ એમને ફાડી નાખ્‍યો. અને કઈક વાંકું પડે તો મારવા ઉઠે. વેણીભાઈ એટલે વેણીભાઈ. શું સરસ એના ગીતો છે. કઈ રીતે લખવું ક્‍યાંથી શરૂઆત કરવી એ મને શિખવ્‍યું. તેઓ કહેતા જો તું પહેલા એક ફકરામાં વાંચકને નહીં પકડી લે તો એ છટકી જશે. એવી રીતે એને મારા ૧૮ લેખો ફાડી નાખ્‍યા એકના એક વિષય પર ફરી ફરીને લખેલા. પછી કઈ કરું તો ઊભા થઈને મારવા આવે ત્‍યારે દિલીપ ધોળકિયા એમને રોકે. દિલીપભાઈ વારંવાર આવતા તેમના ગીતો દેવા. પણ વેણીભાઇએ મને ગજબ તાલીમ આપી છે. ખરેખર કઈ રીતે લેખ લખાય? ક્‍યાં પૂરું કરવું? શું કરવું? અને એક વાક્‍ય સાથે બીજા વાક્‍યને કઈ રીતે જોડી દેવું એ તો ગજબ છે.

નગેન્‍દ્રભાઇએ કહ્યું કે, હું બહુ આધ્‍યાત્‍મવાદી અને રિલીજીયસ છું. તમે મારા દ્યરમાં પ્રવેશો તો સૌથી પહેલા માં સરસ્‍વતીની અદભુત પ્રતિમા જોવા મળે. વિજ્ઞાન લેખક હોવા છતાં હું સરસ્‍વતી માં ને પગે લાગી કહું માતાજી આજ મારો હાથ પકડીને લખાવજો આજે અઘરું છે હું નહી લખી શકું. ત્‍યારે ખરેખર એવું લખાય કે ના પૂછો વાત. જો મારા માંથી વિજયગુપ્ત મૌર્યને, પિતાજીને, વેણીભાઈ પુરોહિતને, દેવ ગઢવીને, મારી શાળાને કે મારા શિક્ષકોને બાદ કરી નાખો તો હું માત્ર માઈક્રોસ્‍કોપિક જ છું. માત્ર શૂન્‍ય છું. એટલે જ હું કહું છું કે હું માત્ર એક નિમિત છું.

તમે જયારે સફારી શરૂ કર્યું ત્‍યારે તો વિજ્ઞાનની ઓડિયન્‍સ હતી જ નહી. વિજ્ઞાન વાંચવાવાળા કે પછી આટલી સરળતાથી રજૂ કરવાવાળા કશું જ નહોતું સાવ ખાલી હતું. અને તમે આખું આ શરૂ કર્યું. હવે ૮૧ વર્ષની ઉંમરે તમે જયારે જુઓ છો તો તમને સંતોષ છે કે ફરિયાદ છે? નગેન્‍દ્રભાઇ કહે છે, ફરિયાદ કોની સામે કરું? મારી સરકાર સામે ફરિયાદ છે કે જેણે સોશિયલ મીડિયા બહુ સસ્‍તું બનાવી દીધું છે. માં-બાપો સામે પણ ફરિયાદ છે કે ૩૫૦ રૂપિયાનો પીઝા ખવડાવશે જે પ્‍યોર મેંદો છે પણ ૨૦૦ રૂપિયાની બુક નહી અપાવે. માં બાપ સામે મને મોટી ફરિયાદ છે. બાળક જન્‍મે છે ત્‍યારે એના મગજમાં ચેતા કોષો હોય છે. મારા પુસ્‍તકમાં પણ મેં લખ્‍યું છે.

જ્ઞાન માટે તમારી પાસે પુસ્‍તકો હોવા જોઈએ. સોશિયલ મીડિયા તમને ઇન્‍ફોર્મેશન આપે છે અને એનાથી પણ વધારે ડીસઇન્‍ફોર્મેશન આપે છે. પણ ઇન્‍ફોર્મેશન અને નોલેજ એ બંને જુદી હસ્‍તીઓ છે. નોલેજ તમને પુસ્‍તક જ આપી શકે. સોશિયલ મીડિયામાં એવું કઈ મને જોવા નથી મળતું કે જેમાંથી મને નોલેજ મળતું હોય. હા ક્‍યારેક અમુક લેખો

સારા હોય છે એવું નથી કહેતો કે બધું જ ખરાબ છે. ક્‍યાંક સારું છે પણ એની માત્રા ઓછી છે. નગેન્‍દ્રભાઇ કહે છે, અહિયા બધા છાપાઓ આ બધા વર્તમાન પત્રો જુઓ તેમાં કોઈ વર્તમાન પત્ર એવું છે કે જે થોટ પ્રોવોકિંગ હોય? મારી દ્યરે છાપું આવે છે તો મરેલા ઉંદરની જેમ હું ત્રણ મિનિટમાં બાજુ મૂકી દઉં છું. શું વાંચું? એજયુકેટીવ છે કઈ? બળાત્‍કાર,  સજા, નોટીસ, એફઆઈઆર એજ સમાચાર છે. આનાથી કઈ ભૂખ મરો ઓછો થવાનો છે? વર્ષો પહેલા જયારે આપણે આઝાદ થયા ત્‍યારે પહેલું જે ડેલિગેશન જાપાનનું આવ્‍યું ત્‍યારે એક પત્રકારે પૂછ્‍યું હતું, તમને શું લાગે છે અમારું ભવિષ્‍ય? ડેલિગેશને કહેલું, યુ વિલ નેવર પ્રોગ્રેસ બીકોઝ યુ આર ડીસઓનેસ્‍ટ પીપલ.. એટલે મારે સફારી એ રીતે કાઢવું હતું કે કઈક એજયુકેશન મળે, સંસ્‍કાર મળે. આ સફારીની એક મોટી ખાસિયત સંસ્‍કાર છે. મે સંસ્‍કારનું સિંચન કરવાનો પ્રયત્‍ન કર્યો છે. એટલે લોકોને થાય છે કે સફારીમાં જે આવે છે એ ક્‍યાંય મળતું જ નથી. એટલે અત્‍યારે લોકોને શૂન્‍ય અવકાશ વર્તાય છે.

તમે જે લખ્‍યું છે કે સફારીનું લવાજામ હવે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે છે. તો કોઈપણ એવો અવકાશ કે સંભાવના ખરી? નગેન્‍દ્ર વિજયજીએ જણાવ્‍યું કે, પ્રિન્‍ટ મીડિયામાં મને કોઈ અવકાશ દેખાતો નથી. હું એક વખત એરપોર્ટ ઉપર ચેકઇન કરાવીને બેઠો હતો ચારે બાજુ મેં નજર કરીને લોકોને ગણ્‍યા તો ૨૮ લોકો મોબાઈલમાં ચડેલા હતા. અને ત્‍યાં રેક ઉપર મફત છાપા પડ્‍યા હતા ઇકોનોમિક ટાઈમ્‍સ, ટાઈમ્‍સ ઓફ ઇન્‍ડિયા, ઇન્‍ડિયન એક્‍સપ્રેસ, બિઝનેસ લાઈન અહીયાં હતું પણ નહી, એને કોઇ અડતું પણ નહોતું. એટલે સોશિયલ મીડિયા પર શું આવશે તમને ખબર નહી હોય. સડનલી તમને એક વેબસાઈટ પર લઈ જાય અને પછી બહુ જ ખરાબ વસ્‍તુ બતાડતા હોય છે.

નગેન્‍દ્રભાઇ કહે છે, મુખ્‍ય માર્ક માતા પિતાનો છે. પહેલી વાત એ કે તમે સંતાનને માતૃભાષામાં જ શિક્ષણ આપો. એ પછાત નહી રહી જાય. જે

અંગ્રેજી મીડીયમમાં ભણે છે તેના માં બાપોને લાગતું હશે કે બહુ સારા થઈ ગયા છે પણ નથી થતા.

હવે અમે તમને યુટ્‍યુબ પર જોઇશું? નગેન્‍દ્રભાઇનો જવાબ હતો કે, હા હવે એવું થશે ખરું. એનું કારણ છે કે એક સૂચન સરસ હતું કે સૌથી મોટું આ કામ કરવા જેવું છે બાળકો માટે. એટલે મારી ઈચ્‍છા છે કે આ રીતે જ્ઞાનથી બાળકો સાથે વાત કરું. મેં નક્કી કર્યું છે કે મારે એનામાં થોટ પ્રોસેસ શરૂ કરાવી છે. મારે એક નવી દુનિયામાં લઈ જવા છે.

તમારા ત્રણ મેગેઝીનો છે એના નામો બહુ અદભુત છે એની પાછળની સ્‍ટોરી શું છે? મારું પહેલું મેગેઝીન ફ્‌લેશ એ સોશિયલ પોલિટિકલ મેગેઝીન હતું. સોશિયલ પોલિટિકલ કે જે મને ગમતું નહતું. કોઈપણ છાપામાં ટેલીપ્રિન્‍ટર હોય અને અચાનક કોઈ સમાચાર આવે એટલે

ઘંટડી વાગે બધા બેસી જાય અને તરત પહેલો શબ્‍દ આવે ફ્‌લેશ તેના પરથી ફ્‌લેશ રાખ્‍યું. બીજું સાયન્‍સ મેગેઝીન છે એનું નામ સ્‍કોપ રાખ્‍યું. શા માટે સ્‍કોપ? જે વસ્‍તુ તમને બરાબર દેખાતી નથી અને એ તમને દેખાડી આપે એને સ્‍કોપ કહેવાય. દૂરની વસ્‍તુ બહુ સરસ રીતે બતાડે ને એને ટેલિસ્‍કોપ કહેવાય. નાની બતાવે એને માઈક્રોસ્‍કોપ. તમારા હૃદયની રિધમને બતાડે એને ઓસીલોસ્‍કોપ કહેવાય. હું તમને વિજ્ઞાન એ રીતે સમજાવું છું કે તમે સમજો માટે આ સ્‍કોપ છે. જયારે સફારી નામ રાખ્‍યું ત્‍યારે બાળકે મને સવાલ કર્યો હતો કે તમે કપડા પરથી નામ કેમ રાખ્‍યું? અચ્‍છા સફારી પહેરવાની. આ ફારસી અને પર્શિયન બે ભેગા થયેલા શબ્‍દ છે. એક્‍ચ્‍યુલી જર્ની અને સફર બે વચ્‍ચે ફરક છે. સફારી ઇઝ જર્ની ઇન સર્ચ ઓફ નોલેજ અને ઈટ ઇસ કોલ્‍ડ એક્‍સપડીશન. એટલે જે અંગ્રેજોની યુરોપિયોને પહેલી વખત ડાર્ક કોન્‍ટિનન્‍ટમાં ગયા એ લોકો સફારી કર્યા. હું તમને એક્‍સપડીશન પર લઈ જઉં છું. ઇન સર્ચ ઓફ નોલેજ માટે આ મેગેઝીન સફારી છે. અમારું કામ ખાલી જ્ઞાન મેળવવાનું અને જ્ઞાન આપવાનું છે બીજું કશું નહી. સફારી બંધ થયું એટલે એક વસ્‍તુ કહું કે નાટક ફેલ નથી ગયું ઓડિયન્‍સ ફેલ ગયું છે. તલત મહેમુદનું ગીત છે ‘ઇસ તાર સે નીકલી હે વો ધૂન સબને સુની હે પર જો સાજ પે બીતી હે વો કિસ દિલ કો પતા હે' આજે હું બેસી બેસીને પેરલાઈઝ થઈ ગયો. હજી મારા જમણા પગમાં સેન્‍સેશન નથી, સંવેદના નથી, હું બેલેન્‍સિંગ નથી કરી શકતો મારી જાતને. ચાલતી વખતે લાકડી રાખવી પડે. કારણ આજે સવારે બેઠો અને બીજે સવારે ઉઠું એવા દિવસો વિત્‍યા છે. પણ ઠીક છે કઈક તો કર્યું આમ બેસી રહેવાની બદલે. ખરો ખેલ તો હવે શરૂ થાય છે આ નવી પેઢીને કેળવવાનો. ફિલ્‍મ નાયકની જેમ જો મને એક દિવસ માટે ચીફ મિનિસ્‍ટર બનાવે તો હું એક હુકમ બહાર પાડું કે દરેક રાજયમાં વિજ્ઞાનના ચાર મેગેઝીન હોવા જોઈએ. 

‘સફારીની આખરે સફર પૂરી'...

સફારીથી મે સંસ્‍કારનું સિંચન કરવાનો પ્રયત્‍ન કર્યો છે. એટલે સફારીમાં જે આવે છે એ ક્‍યાંય મળતું જ નથી. આથી અત્‍યારે લોકોને શૂન્‍ય અવકાશ વર્તાય છે

મખમલી અવાજના માલિક તલત મહમુદનું એક ગીત સીને મેંતે સુલગતે હૈ અરમા આંખો મેં ઉદાસી છાઈ હૈઙ્ખ. આ લખું છું ત્‍યારે એ બળે એકમેકની વિપરીત લાગણીઓ વચ્‍ચેનો ટકરાવ મનમાં ધમસાલણ મચાવી રહ્યો છે. ઉદાસ આંખો ધરાર કોરી રહેવા માગતી નથી. બીજી તરફ અરમાનો મારો કેડો મુકવા તૈયાર નથી. જીવનના ૮૧મા વર્ષમાં છું, છતાં હજી લખતા રહી ‘સહારી' નામના જ્ઞાનયજ્ઞને પ્રજવલિત રાખવા માગું છું. દુર્ભાગ્‍યે લાચાર છું. તન-મનથી સક્ષમ હોવા છતાં મજબૂર છું.

‘સફારી' નો ૩૫૦મો અંક પ્રગટ થયો ત્‍યારે નિર્ધાર કરેલો કે જૂમલો ૪૦૦ સુધી પહોંચાડયા વગર જંપવું નથી. મનોબળ લોખંડી છે, પરંતુ સંજોગોનું પ્રતિબળ ચડિયાતું નીવડયું છે. આ છેલ્લો અંક ૩૬૯મો છે. ચારસોનો આંકડો બહુ દૂર નથી. આમ છતાં તલત મહમુદના ઉપરોક્‍ત ગીતની જ બીજી એક પંક્‍તિ જેવું બન્‍યું છેઃ ‘દો ચાર કદમ જબ મંજિલ થી. કિસ્‍મત ને ઠોકર ખાઈ હૈ' કિસ્‍મતે ખાધેલી ઠોકરે મને અહીં જ રોકી પાડ્‍યો છે.

વસ્‍તુસ્‍થિતિ સંક્ષેપમાં જણાવું તો મારે લખવું તો છે, પરંતુ વાંચનારા નથી. સ્‍માર્ટફોનની અને સોશ્‍યલ મીડિઆની બોલબાલાના સંજોગોમાં જ્ઞાનવિજ્ઞાનના ‘સફારી' ફેલાવો અગાઉની સરખામણીએ છઠ્ઠા ભાગ જેટલો પણ રહ્યો નથી. નકલોની સંખ્‍યા તળિયે બેસી જવાને લીધે આવક-જાવકના બે છેડાઓ ભેગા કરવાનું તો જાણે કપરું બને, પણ વાચકોના અભાવને લીધે હૃદયમાં વરતાતો ખાલીપો હવે કલમને ચાલવા દેતો નથી.

સોળમે વર્ષે લેખનપ્રવૃત્તિ શરૂ કર્યા પછી હજારો લેખો વાચકો પ્રત્‍યે નિષ્‍ઠા જાળવીને લખ્‍યા. કામ સહેલું ન હતું. માહિતી અને મનોરંજન વચ્‍ચેની ભેદરેખા નાબૂદ કરી માહિતીને જ મનોરંજક બનાવવા અકેક શબ્‍દ વીણી-ચૂંટી રસાળ પાર્ગ પરોવી થોડામાં ઘણું બધું કહી નાખતું વાકય રચવામાં જે સખત શ્રમ પડતો તે મારા નસીબમાં રોજરોજનો હતો. જટિલ વિજ્ઞાનને સરળ ભાષામાં લખવું અને વાચકોને વિજ્ઞાન પ્રત્‍યેના રોમાંચ વડે તરબોળ કરી દેવા એ સરળ કાર્ય નથી. ભારે કઠિન છે. તરંગિણી જેવી પ્રવાહી શૈલીમાં આખેઆખું ‘સફારી' લખવા માટે કેટલાય દિવસો એવા વીત્‍યા કે સવારે ૧૧ વાગ્‍યે ખુરશી પર બેસું, કલમ ચલાવતો રહું અને બીજી સવારે ૧૦ વાગ્‍યાની આસપાસ લેખનકાર્ય સમાપન પામે.

શરીરે આખરે જવાબ માગ્‍યો. નવેમ્‍બર, ૨૦૦૭માં કરોડના L3 અને L4 મણકાઓ વચ્‍ચેની ગાદી ફાટી જતાં પેરેલિસિસના એટકે જમણા પગને ખોટો પાડી દીધો. ચાલી જ શકાય નહિ. તાત્‍કાલીક ઓપરેશન કરાવ્‍યા પછી ચાલી તો શકાતું, પણ જમણો પગ લગભગ સંવેદના વગરનો રહ્યો. લાલ કીડીઓ ચટકા ભરતી હોય એવું દ્યણી વાર લાગે, તો ક્‍યારેક ઓચિંતો કરન્‍ટનો આંચકો વેઠવાનો થતો હતો. (આજે પણ વેઠું છું.) આમ છતાં બિછાનામાં પડયા રહીને પણ મેં લખ્‍યું અને મારા ઓપરેશન પછીના અંકને મોડો પડવા ન દીધો. કંઈક અંશે સ્‍વાસ્‍થ્‍યપ્રાપ્તિ થયા બાદ પણ લાંબો સમય એકધારું બેસી શકાય નહિ. લાંબો સમય ઊભા પણ રહેવાય નહિ. નવેમ્‍બર, ૨૦૦૭થી શરૂ કરીને આજ સુધી એ જ સ્‍થિતિ રહી છે, છતાં આજે અંક નં. ૩૬૯ સુધી તો જ્ઞાનપ્રસારનું કાર્ય ચાલુ રાખ્‍યું છે. હવે ૪૦૦માં અંક તરીકેનું સીમાચિન્‍હ આવતા પહેલાં જ સફર અટકી છે, પણ તેમાં મારો દોષ નથી. મારી કિસ્‍મતે ખાધેલી ઠોકરનો છે.

મને જયારે પણ આર્થિક ભીંસ વરતાતી ત્‍યારે મારા પરિચિત (અને પરિચિત ન હોય એવા પણ) વાચકો કહેતા કે જાહેરખબરો કેમ લેતા નથી? આ સૌને જે ખુલાસો આપી ચૂક્‍યો તે અહીં નોંધવાનું જરૂરી સમજું છું. ઘણી જાહેરખબરોમાં બહેન-દીકરીઓના મોડેલ તરીકે ફોટા હોય છે, જે મારા સનાતન ધર્મ જોડે સુસંગત નથી. બીજી કેટલીયે જાહેરખબરોમાં ‘અમારા શેમ્‍પૂમાં પ્રોટીન છે' જેવા વાહિયાત દાવાઓ કરેલા હોય છે, જે વિજ્ઞાન જોડે સુસંગત નથી. ગ્રાહકોને છેતરતી આવી જાહેરખબરો છાપીને મળતો પૈસો સાત્‍વિક ન ગણાય અને જે પૈસો સાત્‍વિક ન હોય તેને નગેન્‍દ્ર વિજયના ઘરમાં પ્રવેશ મળે નહિ. આમેય મારી જરૂરિયાતો મેં બહુ મર્યાદિત રાખી છે. ખાદીનાં વષાો, ફણગાવેલા મગ, બીજા કઠોળ, કાચા શાકભાજીની સલાડ અને બેશક મારી શારીરિક સ્‍થિતિને લીધે ચાર પૈડાંના વાહન સિવાય ભાગ્‍યે જ કશો ખર્ચ કરવાનો થાય છે -સિવાય કે સૂકા નાસ્‍તા અને બીજી ખાદ્ય ચીજો માટે કે જે હું અને મારાં ધર્મપત્‍ની ગરીબોમાં વહેંચીએ છીએ. અમને બેઉને તેમાં ઘણો આનંદ મળે છે. આને joy of giving કહે છે, જે માત્ર અનુભવી શકાય છે. શબ્‍દોમાં વર્ણન કરવું અશક્‍ય છે. ‘સાર્થ જોડણીકોશ'માં પણ તે માટેના શબ્‍દો નથી.

પંદરેક વર્ષની વયે ક્રાંતિકારી ખુદીરામ બોઝનું જીવનવૃતાંત વાંચ્‍યું, જેણે મને રડાવી મૂક્‍યો. આઝાદીના લડવૈયા ખુદીરામ બોઝને જાલિમ અંગ્રેજોએ ફાંસી આપી ત્‍યારે તેઓ માત્ર ૧૮ વર્ષના હતા. ભારતમાતાના એ સપૂતના બલિદાને મને ભાન કરાવ્‍યું કે તેમના જેવી ક્રાંતિ તો ઠીક, પણ બીજી કોઈ રીતે દેશસેવા ન કરનારો હું કેવો વામન છું. ખુદીરામની વીરગતિએ મારા વિચારોનો પ્રવાહ બદલી નાખ્‍યો. દેશસેવા અને સમાજસેવા તરફ વાળી દીધો. મુંબઈના ઉપનગર અંધેરી(પૂર્વ)માં હું રહતો હતો. અંધેરી(પશ્ચિમ)માં રેલવેના ફાટક પાસે શિવમંદિર હતું. એક દિવસ મંદિરે શિવલિંગ પર ખોભાભર પાણીની ધાર વહાવીને પ્રતિજ્ઞા લીધી કે હવે પછી હું દેશ માટે અને સમાજ માટે શ્રેયકર હોય અને મારા અંગત સ્‍વાર્થ દ્વારા પ્રેરિત ન હોય એ જ પ્રવૃત્તિ કરીશ.

બીજે વર્ષે પિતાજીના માર્ગે ચાલી લેખનપ્રવૃત્તિ શરૂ કરી અને શક્‍ય એટલો ભાર જ્ઞાનવર્ધક સાહિત્‍ય પર મૂક્‍યો. લેખક-પત્રકાર તરીકેની કારકિર્દીના આજે ૬૫ મા વર્ષમાં છું. હવે ત્‍યાં પૂર્ણવિરામ લાવી રહ્યો છું. મારા વિજ્ઞાન સામયિક ‘સ્‍કોપ' અને ‘સફારી'ના કેટલાય વાચકો કહી ચૂક્‍યા છે કે, ‘તમે અમને ક્‍યાંના કયાં પહોંચાડી દીધા! તમારા માટે ગુરુદક્ષિણા તરીકે શું કરી શકીએ?' સૌને મારો એક જ પ્રત્‍યુત્તર હોય છેઃ ‘તમને મળેલી સફળતા તમારા પુરુષાર્થને આભારી છે. હું પોતે અહીંનું જ્ઞાન ત્‍યાં પહોંચાડતો ફક્‍ત ખેપિયો છું. મારા લેખો માત્ર નિમિત્ત બન્‍યા છે.'

મેં આજ સુધીમાં દોઢ-બે હજાર પુસ્‍તકો વાંચ્‍યાં છે, જેમણે મને ઘણું જ્ઞાન આપ્‍યું છે. આમાંનું ઠીક ઠીક પ્રમાણનું જ્ઞાન ‘સ્‍કોપ' અને ‘સફારી' સામયિકો તથા પુસ્‍તકો દ્વારા વાચકોને ‘પાસ ઓન' કર્યું છે. મા સરસ્‍વતીની કૃપાથી હજી ઘણું બધું જ્ઞાન મગજમાં અનામત પડયું છે. મારા કેટલાક શુભચિંતકોનો આગ્રહ છે કે હવે યુ-ટ્‍યુબ દ્વારા એ જ્ઞાન રજૂ કરું અને જેમાં તેઓ મને ટેક્‍નિકલ બાબતોએ સહાયભૂત થવા તૈયાર છે. વસ્‍તુતઃ તો તત્‍પર છે.

એક સ્‍પષ્ટીકરણ છેલ્લે કરવું ખાસ જરૂરી છે. અનેક વાચકોએ ‘સફારી'નું લવાજમ ભર્યું છે. લવાજમના અન્‍વયે જેટલા અંકો હવે તેમને મોકલવાના બાકી રહ્યા તેની રકમ મારે પરત કરવાની થાય છે. એકમેકના વિકલ્‍પ તરીકેનાં બે સૂચનો કરું છું

૧) બાકી રહેતી રકમ મારી અંગત માલિકીની સંસ્‍થા હર્ષલ પબ્‍લિકેશન્‍સ આપને શ્‍ભ્‍ત્‍ દ્વારા મોકલી આપે.

૨) બાકી રહેતી રકમની અવેજીમાં તે રકમ કરતાં રૂા ૧૦૦-૧૫૦ જેટલી વધુ કિંમતનું (હર્ષલ પબ્‍લિકેશન્‍સ દ્વારા પ્રકાશિત) સાહિત્‍ય પસંદ કરી લો. સાહિત્‍યની રવાનગીનો ખર્ચ મારી સંસ્‍થા ભોગવશે.

૩) ‘સફારી'નું લવાજમ ધરાવતા વાંચકો કાર્યાલયના લેન્‍ડલાઈન નંબર ૦૨૭૧૭-૪૮૮૫૫૦ પર સવારે ૧૧ થી ૨ સુધી ફોન કરી જૂન ૨૦, ૨૦૨૫ સુધીમાં તેમનો નિર્ણય જણાવી શકે છે.

મારી વય હાલ ૮૧ વર્ષની હોવાનું જોતાં ધારું છું કે મોટા ભાગના વાચકો મારા કરતાં વયમાં નાના છે. સૌને મારા સ્‍નેહભીના આશીર્વાદ.

શાકે જયેષ્ઠ ૭, ૧૯૪૭ મે ૨૮, ૨૦૨૫ -નગેન્‍દ્ર વિજયના વંદે માતરમ્‌ ભારતમાતા કી જય

(સૌજન્‍ય : ‘જમાવટ' માંથી આભાર સહ.. આ પોડકાસ્‍ટ જમાવટમાં જોવા આપેલ લિન્‍ક પર જાવ...

https://www.youtube.com/watch?v=SM_OvzCg-Vo&ab_channel=JamawatPodcast)

(4:15 PM IST)