News of Tuesday, 1st July 2025
ફૂટબોલ ક્ષેત્રે ગુજરાતની ગતિશીલતા યથાવત : પરિમલભાઈ નથવાણીની GSFA ના અધ્યક્ષ તરીકે પુનઃવરણી : ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા જિલ્લાઓ અને ખેલાડીઓનું સન્માન!
GSFAની ૪૭મી વાર્ષિક સાધારણ સભામાં મૂળરાજસિંહ ચુડાસમા માનદ્ મહામંત્રી, પ્રદીપસિંહ વાઘેલા, જિગ્નેશ પાટીલ, અરુણસિંહ રાજપૂત, ગુણવંતભાઈ ડેલાવાલા અને સંદીપ દેસાઈ ઉપાધ્યક્ષ તરીકે પુનઃવરણી : ગુજરાતમાં ૭૪૦૦ સક્રિય ખેલાડીઓ : ૨૬ ટુર્નામેન્ટ્સમાં ૬૪૬૮ ગોલ નોંધાયા

અમદાવાદ : ગુજરાતમાં ફૂટબોલના વિકાસને વેગ આપવા માટે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (GSFA) કટિબદ્ધ છે. આજે અમદાવાદમાં યોજાયેલી GSFA ની ૪૭મી વાર્ષિક સાધારણ સભા (AGM) માં, સંસ્થાના વર્તમાન અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય, પરિમલભાઈ નથવાણીની આગામી ચાર વર્ષના સમયગાળા માટે અધ્યક્ષ તરીકે સર્વાનુમતે પુનઃવરણી કરવામાં આવી હતી. આ પુનઃવરણી ફૂટબોલ ક્ષેત્રે તેમના નેતૃત્વ અને યોગદાનની સ્વીકૃતિ છે.
નવી કારોબારી અને મહત્વના હોદ્દાઓ:
AGM માં મૂળરાજસિંહ ચુડાસમાની માનદ્ મહામંત્રી તરીકે, તેમજ પ્રદીપસિંહ વાઘેલા, જિગ્નેશ પાટીલ, અરુણસિંહ રાજપુત અને ગુણવંતભાઈ ડેલાવાલાની ઉપાધ્યક્ષ તરીકે પુનઃવરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, હનીફ જીનવાલાની જગ્યાએ સંદીપ દેસાઈની ઉપાધ્યક્ષ તરીકે વરણી થઈ, જ્યારે અંકિત પટેલની માનદ્ ખજાનચી તરીકે નિમણૂક કરવામાં આવી. આ નવી કારોબારી ટીમ ગુજરાતમાં ફૂટબોલના વધુ વિકાસ માટે કાર્ય કરશે.
ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સન્માન:
વાર્ષિક સાધારણ સભામાં, ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા જિલ્લા એસોસિએશન તથા વ્યક્તિઓને GSFA એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ની તર્જ પર શરૂ કરાયા છે, જે ખેલાડીઓ અને સંસ્થાઓને પ્રોત્સાહન પૂરું પાડે છે.
પરિમલભાઈ નથવાણીના વિઝન અને ઉપલબ્ધિઓ:
GSFA ના અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ અને RIL ના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ), પરિમલભાઈ નથવાણીએ જણાવ્યું હતું કે, "સમગ્ર ગુજરાતમાં ફૂટબોલને સુલભ અને સાતત્યપૂર્ણ બનાવવાનું અમારું વિઝન અમારા પ્રયાસોને સતત માર્ગદર્શન પૂરું પાડે છે. આ વર્ષ દરમિયાન ગુજરાતના યુવા ખેલાડીઓની ભાગીદારીમાં વધારો જોવા મળ્યો, જે આપણી ફૂટબોલ ઇકોસિસ્ટમની ગહનતા અને અનુશાસનનો પુરાવો છે."
તેમણે ૨૦૨૪-૨૫ દરમિયાન GSFA ની નોંધપાત્ર ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડતા ઉમેર્યું હતું કે, "GSFA અભિનંદનને પાત્ર છે કે આ સમયગાળા દરમિયાન ૨૬ વિવિધ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, કુલ ૧૧૬૮ મેચ રમવામાં આવી, અને ૬૪૬૮ ગોલ નોંધાયા. AIFF ના CRS (સેન્ટ્રલાઇઝ્ડ રજીસ્ટ્રેશન સિસ્ટમ) અન્વયે, ગુજરાતમાં કુલ ૭૪૦૦ જેટલા સક્રિય ખેલાડીઓ છે, જેમાંથી ૪૮૩૬ એ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો."
એવોર્ડ વિજેતા જિલ્લાઓ અને ક્લબ્સ:
* સૌથી વધુ ખેલાડીઓની નોંધણી: અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશન.
* ઇન્ટ્રા-ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટના આયોજન માટે બેસ્ટ ડિસ્ટ્રિક્ટ: સુરત.
* બેસ્ટ સપોર્ટિવ ડિસ્ટ્રિક્ટ એવોર્ડ: રાજકોટ.
* બેસ્ટ પરફોર્મિંગ એક્ટિવ ડિસ્ટ્રિક્ટ: ભાવનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશન.
* બેસ્ટ પરફોર્મિંગ ફૂટબોલ ક્લબ્સ (સંયુક્ત વિજેતા): A.R.A. ફૂટબોલ ક્લબ, અમદાવાદ અને નવરચના એસ.એ., વડોદરા.
વ્યક્તિગત કેટેગરીમાં સન્માન:
* ફૂટબોલ રેફરી ઓફ ધ યર:
* મહિલા કેટેગરી: રચના કામાણી
* પુરુષ કેટેગરી: પ્રતિક બજાજ
* કોચ ઓફ ધ યર:
* મહિલા કેટેગરી: ફેલસીના મીરાન્ડા
* પુરુષ કેટેગરી: સલીમ પઠાણ
* ઈમર્જીંગ પ્લેયર ઓફ ધ યર: નાઝબાનુ શેખ અને કિશન સિંહ
* બેસ્ટ પ્લેયર ઓફ ધ યર:
* મહિલા કેટેગરી: તન્વી માલાણી
* પુરુષ કેટેગરી: અમન શાહ
માનદ્ મહામંત્રીનો અહેવાલ અને ભવિષ્યની યોજનાઓ:
GSFA ના માનદ મહામંત્રી મૂળરાજસિંહ ચુડાસમાએ વાર્ષિક એક્ટિવિટી રિપોર્ટની સાથે નવા ફૂટબોલ વર્ષ માટેનું કેલેન્ડર રજૂ કર્યું હતું. બોર્ડના સભ્યો સમક્ષ વાર્ષિક હિસાબો અને બેલેન્સશીટ પણ પ્રસ્તુત કરાઈ હતી. AGM માં કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ચુડાસમાએ જણાવ્યું હતું કે, "છેલ્લાં ચાર વર્ષમાં ગુજરાત ફૂટબોલે રમતના દરેક પાસામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ગ્રાસરૂટ સ્તરે વિકાસથી માંડીને સ્પર્ધાત્મક સિધ્ધિઓ સુધી જે સફળતા મળી છે તે સહિયારી છે – જે હોદ્દા કે ભૂમિકાને ધ્યાનમાં લીધા સિવાય એસોસિએશન સાથે સંકળાયેલા તમામની છે."
ગ્રાસરૂટ લેવલે ફૂટબોલનો વિકાસ:
GSFA દ્વારા વિવિધ વય જૂથોમાં છોકરા અને છોકરીઓ માટે વિવિધ આંતર-જિલ્લા ટુર્નામેન્ટ્સનું આયોજન કરાયું હતું. આમાં 'બ્લુ ક્લબ્સ લીગ (બેબી લીગ્સ)' ખાસ નોંધપાત્ર છે, જે ૭ અને ૧૨ વર્ષની વચ્ચેના વય જૂથો માટે પાયાની ફૂટબોલ ગેમ છે. તેમાં ૨૦ જિલ્લાના ૪,૦૦૦ કરતા વધારે ફૂટબોલ ખેલાડીઓએ ભાગ લીધો છે અને આ ટુર્નામેન્ટે ગુજરાતમાં ફૂટબોલના ભાવિ માટે ઘણી આશાઓ જગાવી છે.
AGM માં GSFA ના ઉપપ્રમુખ સર્વ પ્રદીપસિંહ વાઘેલા, ગુણવંતભાઈ ડેલાવાલા, સંદીપ દેસાઈ અને અરૂણસિંહ રાજપૂત ઉપરાંત માનદ્ મહામંત્રી મૂળરાજસિંહ ચુડાસમા, માનદ્ ખજાનચી અંકિત પટેલ તેમજ GSFA સાથે જોડાયેલા ૩૩ જિલ્લા ફૂટબોલ એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક ગુજરાતમાં ફૂટબોલના ભવિષ્ય માટે એક નવી દિશા ચીંધે છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
