તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
ક્રિપ્ટોની આવક નહીં બતાવનારા કરદાતાઓને આવકવેરાની નોટિસ
રિટર્નમાં આવક નહીં બતાવનારા કરદાતાઓ સામે કાર્યવાહી : ક્રિપ્ટોની આવક પર ૩૦ ટકા ટેક્સ અને દરેક લેવડ દેવડ પર એક ટકા TDS

મુંબઇ તા.૩: ઈન્કમટેક્સ દ્વારા ક્રિપ્ટો થકી કરદાતાને આવક પર પણ નજર રાખવામાં આવી રહી છે. આ માટે વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ના રિટર્નના એસેસમેન્ટ દરમિયાન કેટલાય કરદાતાઓએ ક્રિપ્ટોની આવક આઇટી રિટર્નમાં દર્શાવી નથી તેવા હજજારો કરદાતાઓને નોટિસ મોકલવામાં આવી છે.
ક્રિપ્ટો થકી કરદાતાને આવક થઈ હોય તો તે પેટે ૩૦ ટકા ટેક્સ અને દરેક લેવડ દેવડ પર એક ટકા ટીડીએસ ભરવાનો નિયમ ઈન્કમટેક્સમાં બનાવવામાં આવ્યો છે. પરંતુ મોટાભાગના લોકો કાળા નાણાંનું રોકાણ ક્રિપ્ટો કરન્સીમાં કરતા હોય છે. પરંતુ તેના પર પણ હવે ઈન્કટેક્સના અધિકારીઓ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કેટલાક લોકો દ્વારા તો યુએસડીટી મારફતે પણ ક્રિપ્ટોમાં રોકાણ કરી રહ્યા છે.
આવા લોકો મોટાભાગે ટેક્સચોરી કરતા હોવાની વ્યાપક ફરિયાદ બાદ ઇન્કમટેક્સ વિભાગ સક્રિય બન્યું છે. તેમજ ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓની સાથે તેના થકી મસમોટી આવક રળનારાઓને શોધવા માટે પણ ઇન્કમટેક્સ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. તે અંતર્ગત છેલ્લા બે વર્ષમાં જે પણ કરદાતાઓએ ક્રિપ્ટો થકી હજજારો અને લાખ્ખો રૂપિયાની આવક મેળવી હોવા છતાં ઈન્કમટેક્સના રિટર્નમાં દર્શાવી નહીં હોય તેઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. તેમજ તેઓને નોટિસ મોકલીને તાકીદે તેનો જવાબ રજૂ કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. સાથે સાથે ટેક્સની રકમ પણ જમા કરાવવા માટે જણાવી દેવામાં આવ્યું છે. તેમ છતાં ટેક્સની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો ઈન્કટેક્સના નિયમ પ્રમાણે વસૂલાતની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ શકયતા રહેલી છે. જેથી હવે ઈન્કમટેક્સના અધિકારીઓએ ક્રિપ્ટો થકી પણ સરકારને સારી એવી આવક થાય તે માટેના ભરપૂર પ્રયાસો શરૂ કર્યા હોવાની વિગતો જાણવા મળી છે. તેના થકી મોટી માત્રામાં કાળું નાણું પણ બહાર આવે તેવી શકયતા જાણકારોએ વ્યક્ત કરી છે.(૩૮.૧૨)
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
