<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

વિશ્વના તમામ અબજોપતિઓમાંથી એક ચતુર્થાંશ માત્ર ૧૦ શહેરોમાં રહે છે

મુંબઈમાં ૬ નવા અબજોપતીમાં ૪ અબજપતિ ‘‘દોશી'' પરિવારના છે :મુંબઈમાં ૬૭ અબજોપતિ રહે છે જેમની સંયુક્‍ત નેટવર્થ ૩૪૯ અબજ ડોલરની છેઃમુંબઈ ધનિકો માટે મનપસંદ શહેર તરીકે દિલ્‍હી અને બેંગલુરુથી આગળ છે : વિશ્વના અબજોપતિઓ કયાં રહે છે? ન્‍ય યોર્ક શહેર સૌથી વધુ અબજોપતિઓ ધરાવતા શહેરોની યાદીમાં ટોચ પર છે અને કુલ ૧૨૩ અબજોપતિઓ અહીં રહે છે, જેમની કુલ સંપત્તિ ૭૫૯ અબજ ડોલરની છે.

ન્‍યૂ યોર્ક,તા.૦૩: વિશ્વમાં અમીરોની સંખ્‍યા વધી રહી છે અને વૈશ્વિકસ્‍તરે ફક્‍ત અબજોપતિઓની સંખ્‍યા હવે ૩૦૦૦ને વટાવી ગઈ છે. ફોર્બ્‍સે વર્ષ ૨૦૨૫માં વિશ્વના અબજોપતિઓની યાદી અને સૌથી વધુ અબજોપતિઓ ધરાવતા શહેરોની યાદી જાહેર કરી છે, જેને જોયા બાદ, આપણને ખબર પડે છે કે વિશ્વના તમામ અબજોપતિઓમાંથી એક ચતુર્થાંશ માત્ર ૧૦ શહેરોમાં રહે છે. અમેરિકા ટોપ ૧૦માં ટોચનું સ્‍થાન ધરાવે છે, જ્‍યારે ભારતનું એક શહેર પણ તેમાં સામેલ છે.

આપણે ૨૦૨૫ની વિશ્વના અબજોપતિઓની યાદી પર નજર કરીએ તો અમેરિકાનું ન્‍યૂયોર્ક શહેર સૌથી વધુ અબજોપતિઓ ધરાવતા શહેરોની યાદીમાં ટોચ પર છે ૧૨૩ અબજોપતિઓ અહીં રહે છે, જેમની કુલ સંપત્તિ ૭૫૯ અબજ ડોલરની છે.

અમેરિકા લાંબા સમયથી અબજોપતિઓનો ગઢ રહ્યો છે અને તેનું ન્‍યૂયોર્ક શહેર છેલ્લા ૧૨ વર્ષથી આ યાદીમાં ટોચ પર છે. ન્‍યૂ યોર્કમાં રહેતા મોટા ભાગના અબજોપતિઓ ફાઇનાન્‍સ, રિયલ એસ્‍ટેટ અને રિટેલ વ્‍યવસાય સાથે સંકળાયેલા છે. જોકે, વર્ષ ૨૦૨૧માં કેટલાક સમય માટે ચીનનું બીજિંગ શહેર આગળ હતું.

આ યાદીમાં ભારતીય શહેર મુંબઈએ પોતાનું સ્‍થાન જાળવી રાખ્‍યું છે, જોકે તેનું રેન્‍કિંગ ચોક્કસપણે ઘટયું છે. ગયા વર્ષે તે ચોથા સ્‍થાને હતું, પરંતુ હવે તે બે સ્‍થાન નીચે સરકીને છઠ્ઠા સ્‍થાને આવી ગયું છે. મુંબઈમાં ૬૭ અબજોપતિ રહે છે જેમની સંયુક્‍ત નેટવર્થ ૩૪૯ અબજ ડોલરની છે અને તે ધનિકો માટે મનપસંદ શહેર તરીકે દિલ્‍હી અને બેંગલુરુ જેવા મોટા શહેરોથી આગળ છે.

દેશની સૌથી મૂલ્‍યવાન કંપની રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, જેમની કુલ સંપત્તિ ૯૨.૫ અબજ ડોલરની છે, તેઓ મુંબઈના અને એશિયાના સૌથી ધનિક વ્‍યક્‍તિ છે. આ વર્ષે ૨૦૨૫માં મુંબઈમાંથી છ નવા અબજોપતિઓ સામેલ થયા છે અને તેમાંથી ચાર ફક્‍ત એક દોશી પરિવારના છે. આમાં વિરેન, કિરીટ, પંકજ અને હિતેશ દોશીનો સમાવેશ થાય છે, જેઓ ઊર્જા કંપની Waree ઇન્‍ડસ્‍ટ્રીઝ સાથે સંકળાયેલા છે અને આ કંપની ગયા વર્ષે જ શેરબજારમાં લિસ્‍ટેડ થઈ હતી.

૨૦૨૫માં મોસ્‍કો શહેરમાં સૌથી વધુ નવા અબજોપતિઓ ઉમેરાયા હતા અને અહીં અબજોપતિઓની સંખ્‍યા ૯૦ પર પહોંચી ગઈ છે. ચીનનું બીજિંગ ૬૮ અબજોપતિઓ સાથે પાંચમા સ્‍થાને છે. બીજી તરફ, સિંગાપોરે નવમા સ્‍થાનથી સાતમા સ્‍થાને પહોંચી ગયું છે.

(9:59 AM IST)