તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
GST અધિકારીને માઈનસમાં ક્રેડિટ બ્લોક નહીં કરવા સુપ્રીમ
ટેક્સ વસૂલાત માટે અધિકારીઓ માઈનસમાં પણ ક્રેડિટ બ્લોક કરી દેતા હતા

મુંબઇ તા.૩: જીએસટી અધિકારીઓ ટેક્સ વસૂલાત માટે કરદાતાના ઇલેક્ટ્રોનિક લેઝરમાં પડેલી ક્રેડિટ બ્લોક કરવાની સાથે કેટલીક વખત ટેક્સની વધુ વસૂલાત કરવાની હોય તો માઈનસમાં પણ ક્રેડિટ બ્લોક કરતા હતા. તેની સામે દિલ્હી હાઈકોર્ટે વેપારીઓના ખાતામાં જમા રહેલી ક્રેડિટ જેટલી જ રકમ બ્લોક કરવાનો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં જીએસટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ ફાઇલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પણ દિલ્હી હાઇકોર્ટે આપેલો ચુકાદો માન્ય રાખતા હવે વેપારીઓના ખાતામાં જેટલી ક્રેડિટ જમા હશે તેટલી જ ક્રેડિટ બ્લોક કરી શકશે. તે સિવાયની વસૂલાત માટે માઈનસમાં ક્રેડિટ બ્લોક નહીં કરી શકે. સુપ્રીમ કોર્ટે આપેલા આ નિર્ણયને કારણે વેપારીઓને સૌથી વધુ રાહત થવાની છે.
આ પ્રકરણમાં દિલ્હી હાઇકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી હતી. દિલ્હી હાઇકોર્ટે વેપારીઓની તરફેણમાં ચુકાદો આપતા જણાવ્યું હતું કે ખાતામાં જેટલી રકમ હોય તેટલી જ રકમની વસૂલાત કરી શકાશે. તે સિવાય માઇ નસમાં ક્રેડિટ બ્લોક કરી શકાશે નહીં.
વેપારીઓ માટે સૌથી રાહત આપતો ચુકાદો
માઇનસ ક્રેડિટ એટલે કે વેપારીઓના ખાતામાં ક્રેડિટની જે પણ રકમ જમા થાય તે વસુલાત પૂરી નહીં થાય ત્યાં સુધી તેને બ્લોક કરી દેવામાં આવતી હતી. આ કારણોસર વેપારીએ ટેક્સની રકમના નાણાં રોકડમાં ભરવાની સ્થિતિ ઊભી થતી હતી. તેની સીધી અસર વેપાર પર પણ પડતી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇ કોર્ટનો ચુકાદો માન્ય રાખતા વેપારીઓ પર આવતું આર્થિક ભારણ દૂર થઇ જશે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
