<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

રામદેવના પતંજલિને હાઇકોર્ટનો આદેશ : ડાબર ચ્‍યવનપ્રાશ વિરુધ્‍ધ જાહેરાત પર પ્રતિબંધ

પતંજલિ પર તેની જાહેરાતો દ્વારા ડાબર ચ્‍યવનપ્રાશને ખોટી રીતે બદનામ કરવાનો આરોપ : આગામી સુનાવણી ૧૪ જુલાઇએ

નવી દિલ્‍હી, તા.૩: દિલ્‍હી હાઇકોર્ટે વચગાળાનો આદેશ જારી કરીને યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદને મોટો ફટકો આપ્‍યો છે. હાઇકોર્ટે નિર્દેશ આપ્‍યો છે કે પતંજલિ કંપની ડાબર ચ્‍યવનપ્રાશ વિરુદ્ધ કોઈપણ ભ્રામક કે નકારાત્‍મક જાહેરાત પ્રસારિત ન કરે. ડાબર ઇન્‍ડિયા લિમિટેડ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી દરમિયાન આ આદેશ આપવામાં આવ્‍યો છે. ડાબરે પતંજલિ પર તેની જાહેરાતો દ્વારા ડાબર ચ્‍યવનપ્રાશને ખોટી રીતે બદનામ કરવાનો અને ગ્રાહકોને મૂંઝવણમાં મૂકવાનો આરોપ લગાવ્‍યો છે.

દિલ્‍હી હાઇકોર્ટના જસ્‍ટિસ મીની પુષ્‍કર્ણની આગેવાની હેઠળની બેન્‍ચે મંગળવારે પતંજલિ આયુર્વેદ સામે ચાલી રહેલા વિવાદમાં ડાબર ઇન્‍ડિયાને મહત્‍વપૂર્ણ વચગાળાની રાહત આપી છે. કોર્ટે ડાબરની અરજી સ્‍વીકારી છે અને વચગાળાની રાહતની માંગણીને મંજૂરી આપી છે. કેસની આગામી સુનાવણી ૧૪ જુલાઈ માટે નક્કી કરવામાં આવી છે.

ડાબર ઈન્‍ડિયાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને પતંજલિની ટીવી જાહેરાતો સામે વાંધો ઉઠાવ્‍યો હતો, જેમાં ડાબરના ચ્‍યવનપ્રાશ ઉત્‍પાદનને કથિત રીતે લક્ષ્ય બનાવવામાં આવ્‍યું હતું. ડાબરનો આરોપ છે કે પતંજલિએ તેના ઉત્‍પાદનને સામાન્‍ય કહીને ડાબરની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. પતંજલિની જાહેરાતમાં દાવો કરવામાં આવ્‍યો હતો કે તેનું ચ્‍યવનપ્રાશ ૫૧ થી વધુ ઔષધિઓથી બનેલું છે, જ્‍યારે વાસ્‍તવમાં તેમાં ફક્‍ત ૪૭ ઔષધિઓ છે. ડાબરે એવો પણ આરોપ લગાવ્‍યો હતો કે પતંજલિના ઉત્‍પાદનમાં પારો જોવા મળે છે, જે બાળકો માટે હાનિકારક છે.

‘ડાબર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સંદીપ સેઠીએ દલીલ કરી હતી કે, પતંજલિ ભ્રામક અને ખોટા દાવા કરીને બતાવવાનો પ્રયાસ કરી રહી છે કે તે એકમાત્ર કંપની છે જે વાસ્‍તવિક આયુર્વેદિક ચ્‍યવનપ્રાશ બનાવે છે, જ્‍યારે ડાબર જેવી જૂની બ્રાન્‍ડને સામાન્‍ય તરીકે વર્ણવવામાં આવી હતી.' સેઠીએ એ પણ નિર્દેશ કર્યો હતો કે ડિસેમ્‍બર ૨૦૨૪માં કોર્ટે સમન્‍સ જારી કર્યા છતાં, પતંજલિએ એક જ અઠવાડિયામાં ૬,૧૮૨ ભ્રામક જાહેરાતો પ્રસારિત કરી હતી.

પતંજલિ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ જયંત મહેતાએ તમામ આરોપોને નકારી કાઢયા અને કહ્યું કે તેમના ઉત્‍પાદનમાં રહેલી બધી જડીબુટ્ટીઓ આયુર્વેદિક ધોરણો મુજબની છે. આ ઉત્‍પાદન માનવ વપરાશ માટે સંપૂર્ણપણે સલામત છે અને તેમાં કોઈ હાનિકારક તત્‍વો જોવા મળ્‍યા નથી.

ડાબરે એમ પણ કહ્યું કે ચ્‍યવનપ્રાશમાં તેનો ૬૧.૬% બજાર હિસ્‍સો છે અને પતંજલિ દ્વારા આ પ્રકારનો પ્રમોશન એક સ્‍પર્ધાત્‍મક વ્‍યૂહરચના છે જે બ્રાન્‍ડની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે.

(3:38 PM IST)