<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

એલોન મસ્ક જો નવી રાજકીય પાર્ટી બનાવશે તો શું થશે? અમેરિકામાં બદલાશે રાજકીય સમીકરણો? ટ્રમ્પનું મેગા બિલ બનશે મસ્ક માટે રાજકીય પ્રવેશદ્વાર!

શું એલોન મસ્કની રાજકીય પાર્ટી અમેરિકાના બે-પક્ષીય પ્રણાલીને ખરેખર પડકારી શકશે? રિપબ્લિકન પાર્ટીમાં ભંગાણના સંકેતો : યુવા અને ટેક-ફ્રેન્ડલી મતદારોને આકર્ષવાનો મસ્કનો માસ્ટરપ્લાન!

વોશિંગ્ટન : અમેરિકી સેનેટમાં ડોનાલ્ડ ટ્રમ્પનું મેગા બિલ પસાર થયા બાદ, ટેક દિગ્ગજ એલોન મસ્કએ એક મોટો ધમાકો કર્યો છે. તેમણે જાહેરાત કરી છે કે જો આ બિલ કાયદો બનશે તો તેઓ અમેરિકામાં નવી રાજકીય પાર્ટી બનાવશે. આ જાહેરાતથી અમેરિકા અને દુનિયાભરમાં રાજકીય વર્તુળોમાં અટકળોનો દોર શરૂ થઈ ગયો છે કે જો મસ્ક રાજકારણમાં ઝંપલાવશે તો કેટલો બદલાવ આવશે અને તેમની 'ત્રીજી પાર્ટી' અમેરિકી રાજકારણમાં કેટલી મોટી તાકાત બની શકશે.
એલોન મસ્કનું રાજકીય મેદાનમાં ઉતરવું: સંભવિત ભવિષ્ય અને પડકારો:
એલોન મસ્ક, જેઓ તેમની વૈશ્વિક ઓળખ, સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફોલોઇંગ અને ટેકનોલોજી ક્ષેત્રે અદભુત સફળતા માટે જાણીતા છે, તેઓ રાજકારણમાં ઉતરતાની સાથે જ તુરંત રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવી શકે છે. મસ્ક પોતે કહી ચૂક્યા છે કે અમેરિકાને ડેમોક્રેટ-રિપબ્લિકનના બે પક્ષીય પ્રણાલીના વિકલ્પની જરૂર છે. તેમના સોશિયલ મીડિયા પોલમાં પણ નવી પાર્ટીને લઈને સારો ટેકો મળ્યો છે, જે તેમના રાજકીય પ્રવેશ માટે જમીન તૈયાર કરી રહ્યો છે.
મસ્કની છબી ઇનોવેશન અને ભવિષ્યવાદી ટેકનિક્સ સાથે જોડાયેલી છે, જેનાથી તેઓ યુવા અને ઉદ્યોગસાહસિક વર્ગને આકર્ષિત કરી શકે છે. જોકે, અમેરિકામાં ડેમોક્રેટ અને રિપબ્લિકનનું દાયકાઓ જૂનું વર્ચસ્વ છે. નવી પાર્ટીઓ માટે રાષ્ટ્રીય સ્તરે ચૂંટણીમાં સફળતા મેળવવી અત્યાર સુધી ખૂબ મુશ્કેલ રહી છે. ચૂંટણીમાં સફળતા માટે મજબૂત સંગઠન, મોટા પાયે ભંડોળ અને જમીની સ્તરે નેટવર્ક જોઈએ, જે કોઈપણ નવી પાર્ટી માટે પડકારજનક હશે.
શું ટૂંકા ગાળામાં મોટી તાકાત બની શકશે? વિશ્વના ઉદાહરણો:
મસ્ક દુનિયાના સૌથી પ્રભાવશાળી અને ધનિક વ્યક્તિઓમાંના એક છે, જેમણે આ સ્થાન સુધી પહોંચવાનો પોતાનો માર્ગ જાતે જ બનાવ્યો છે. જોકે, કોઈપણ રાજકીય પાર્ટીને ટૂંકા ગાળામાં સફળતા મળવી મુશ્કેલ હોય છે, ખાસ કરીને અમેરિકા જેવા મોટા દેશમાં. પરંતુ દુનિયાભરમાં એવા ઘણા ઉદાહરણો છે જ્યાં નવી પાર્ટીઓએ કમાલ કરી છે અને જોતજોતામાં મોટી તાકાત બની ગઈ છે. મસ્કની પાર્ટીના ગઠન પર ચર્ચા અને ડિબેટ તેજ બનશે, ખાસ કરીને તે મતદારોમાં જેઓ હાલની સિસ્ટમથી અસંતુષ્ટ છે.
લાંબા ગાળાની રણનીતિ અને અમેરિકી રાજકારણમાં પરિવર્તન:
જો મસ્ક લાંબા ગાળાની રણનીતિ અપનાવે છે અને પાર્ટીને મજબૂત સંગઠન, સ્પષ્ટ નીતિ અને નેતાઓ સાથે આગળ લઈ જાય છે, તો તેઓ અમેરિકી રાજનીતિમાં ત્રીજા વિકલ્પની સંભાવનાને વધારી શકે છે. તેઓ પોતાની પાર્ટીને કોઈ મોટી પાર્ટી સાથે જોડીને મજબૂત ગઠબંધન પણ બનાવી શકે છે. જો તેઓ સંસ્થાકીય અને સંગઠનાત્મક પડકારોનો સામનો કરી લે છે, તો અમેરિકી રાજકારણમાં એક મોટો બદલાવ લાવી શકે છે.
કોના માટે મોટો પડકાર? ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટી પર સીધી અસર?
મસ્કની પાર્ટી સીધો પડકાર ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી માટે બની શકે છે, ખાસ કરીને તે મતદારો વચ્ચે જેઓ ટ્રમ્પની આર્થિક નીતિઓ કે નેતૃત્વથી અસંતુષ્ટ છે. જો મસ્કની પાર્ટી ટ્રમ્પના કોર વોટ બેંક (યુવા, ઉદ્યોગસાહસિક, ટેક-ફ્રેન્ડલી, કે અસંતુષ્ટ રિપબ્લિકન) માં ગાબડું પાડી શકશે, તો ટ્રમ્પની રાજકીય તાકાત પર અસર પડી શકે છે, ખાસ કરીને સ્વિંગ સ્ટેટ્સમાં. જોકે, આનાથી ડેમોક્રેટ્સને વધુ ફાયદો થઈ શકે છે કારણ કે મતોનું વિભાજન થશે.
જો મસ્કની પાર્ટીને સમર્થન મળવાનું શરૂ થાય છે, તો ડોનાલ્ડ ટ્રમ્પ પર સીધું દબાણ પડશે અને તેમને પોતાની નીતિઓમાં બદલાવ કે નરમાઈ લાવવા માટે મજબૂર થવું પડી શકે છે. જો મસ્કની પાર્ટી લોકપ્રિયતા મેળવે છે અને કેટલાક રાજ્યોમાં સારું પ્રદર્શન કરે છે, તો રાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ અત્યંત નજીકનું અને અનપેક્ષિત હોઈ શકે છે.
મસ્કએ સ્પષ્ટ કહ્યું છે કે જો રિપબ્લિકન પાર્ટી ટ્રમ્પનું બિલ પસાર કરે છે, તો તેઓ લગભગ દરેક રિપબ્લિકન સાંસદ વિરુદ્ધ પ્રાથમિક ચૂંટણીમાં પડકાર આપશે અને નવા ઉમેદવારોને સમર્થન આપશે. આનાથી રિપબ્લિકન પાર્ટીમાં ફૂટ પડી શકે છે, ખાસ કરીને તે સાંસદોમાં જેઓ ટ્રમ્પની લાઇનનો વિરોધ કરે છે અથવા મસ્કના એજન્ડાની નજીક છે.
કયા મુદ્દાઓ પર કેન્દ્રિત હશે પાર્ટી? મસ્કનો વિઝન:
જો મસ્ક પાર્ટી બનાવશે તો તે ટેક્સ, ખર્ચ, ટેકનિકલ ઇનોવેશન અને સરકારી સબસિડી જેવા મુદ્દાઓને નવા દષ્ટિકોણથી ઉઠાવીને આના પર બદલાવની વાત કરશે. મસ્કનો દાવો છે કે તેઓ ૪૦ વર્ષ સુધી અમેરિકી રાજનીતિમાં સક્રિય રહી શકે છે, જ્યારે ટ્રમ્પનો સમય મર્યાદિત છે. આ દલીલ દ્વારા તેઓ અમેરિકી મતદારોને વિશ્વાસ અપાવી શકે છે કે અમેરિકાએ તેમના પર ભરોસો કરવો જોઈએ.
શું મસ્ક પાસે પૂરતું ભંડોળ છે? ચૂંટણીના ખર્ચાળ મેદાનમાં ઉતરવાનો પડકાર:
હા, મસ્ક પાસે ભારે ભંડોળ અને ટેકનોલોજી સેક્ટરનો ટેકો છે, જેનાથી તેઓ આરામથી નવી પાર્ટી બનાવી શકે છે. જોકે, અમેરિકામાં ચૂંટણીના નિયમો અને પાર્ટીઓની માન્યતા માટે કડક કાયદા છે, જે નવી પાર્ટીઓ માટે રાષ્ટ્રીય સ્તરે ચૂંટણી લડવાનું મુશ્કેલ બનાવે છે. બધા ૫૦ રાજ્યોમાં પાર્ટીની માન્યતા અને બેલેટ એક્સેસ માટે ભારે ફી અને કાનૂની ખર્ચ ચૂકવવો પડે છે. ટીવી, ડિજિટલ, પ્રિન્ટ અને સોશિયલ મીડિયા પર રાષ્ટ્રીય સ્તરે પ્રચાર માટે અબજો ડોલરની જરૂર હોય છે. દેશભરમાં કાર્યાલય, સ્ટાફ, સ્વયંસેવક નેટવર્ક, ડેટા એનાલિટિક્સ, ગ્રાઉન્ડ લેવલ કેમ્પેઇનિંગ વગેરે માટે સેંકડો મિલિયન ડોલર લાગશે. ૨૦૨૦ની અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટ અને રિપબ્લિકન બંને પાર્ટીઓએ મળીને લગભગ ૧૪ અબજ ડોલર (₹૧.૧ લાખ કરોડથી વધુ) ખર્ચ કર્યા હતા.
એક નવી પાર્ટીને રાષ્ટ્રીય સ્તરે પ્રભાવી બનાવવા માટે ઓછામાં ઓછા ૧ અબજ ડોલર (લગભગ ₹૮,૦૦૦ કરોડ) અથવા તેનાથી ક્યાંય વધુ ખર્ચ કરવો પડી શકે છે, ખાસ કરીને જો પાર્ટીને રાષ્ટ્રપતિ અને કોંગ્રેસ બંને સ્તરે ચૂંટણી લડવી હોય.
શું એલોન મસ્કની આ જાહેરાત માત્ર એક ધમકી છે કે ખરેખર અમેરિકી રાજકારણમાં એક નવા યુગનો પ્રારંભ થશે? સમય જ કહેશે!

(5:48 PM IST)