News of Friday, 4th July 2025
૧૩ વર્ષમાં ૧૮ લાખથી વધુ ભારતીય નાગરિકો ‘વિદેશી' બન્યા!
ભારતીયો કેમ છોડી રહ્યા છે દેશ? ૧.૩ કરોડ ભારતીયો વિદેશોમાં રહે છે

નવી દિલ્હી તા.૪: પોતાના દેશથી બહાર બીજા દેશમાં વસવાટ કરવાની બાબતે ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. ભારતીય ડાયસ્પોરા વિશ્વનો સૌથી મોટો વિદેશી ડાયસ્પોરા છે. વિદેશ મંત્રાલયે સંસદમાં આપેલા આંકડા મુજબ લગભગ ૧.૩ કરોડ ભારતીય નાગરિકો હાલમાં વિદેશમાં રહે છે. એક અંદાજ મુજબ દર વર્ષે ૨૫ લાખ ભારતીયો વિદેશમાં સ્થળાંતર કરે છે. આમાંથી એવા ઘણા લોકો છે સમય જતા ભારતીય નાગરિકતા છોડીને અન્ય દેશના નાગરિક બની જાય છે. ચિંતાજનક બાબતે એ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય નાગરિકતા છોડવાના ટ્રેન્ડમાં વધારો થઇ રહ્યો છે.
દેશમાં નાગરિકોને બેઝિક જીવન જરુરી ચીજવસ્તુઓના અભાવ નડી રહ્યો છે. અપર મિડલ ક્લાસ જરુરી સુવિધાઓથી વંચિત રહે છે યા સરકાર ફક્ત ગરીબ વર્ગો પૂરતી રાહતો/સબ્સિડીઓ (લાડલી બહેના જેવી યોજનાઓ) ફાળવે રાખે છે, પરંતુ એનાથી વિપરીત અપર મિડલ કલાસ ભાગે મસમોટા ટેક્સ ભરવા સિવાય કંઈ મળતું નથી. આ મુદ્દે મને-કમને લોકોમાં સરકાર પ્રત્યે યા સરકારી યોજનાઓ અંગે નારાજગી પ્રવર્તે છે.
સંસદના ગત શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં વિદેશ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા સત્તાવાર આંકડા મુજબ છેલ્લા ૧૩ વર્ષમાં ૧૮ લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિકતાનો ત્યાગ કર્યો છે અને અલગ અલગ ૧૩૫ દેશોની નાગરિકતા મેળવી છે.
વર્ષ ૨૦૨૨માં આ સંખ્યા ૨,૨૫,૬૨૦ થઇ હતી, વર્ષ ૨૦૨૩માં ૨,૧૬,૨૧૯ લોકોએ ભારતીય નાગરિકતા છોડી હતી. એક અંદાજ મુજબ વર્ષ ૨૦૨૪માં કુલ ૩.૨ લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી હતી, જે એક વર્ષમાં ૪૭ ટકા જેટલો વધારો દર્શાવે છે.
વર્ષ ૨૦૨૦ દેશ છોડનારાની સંખ્યા ઘટીને ૮૫,૨૫૬ થઇ હતી, આ ઘટાડા પાછળ કોવિડ મહામારીને કારણભૂત ગણવામાં આવે છે. ભારતની નાગરિકતા છોડતા લોકો યુએસ, કેનેડા, રશિયા, ચીન, ઇજિપ્ત, ન્યૂ ઝીલેન્ડ, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, સ્પેન, સુદાન, સ્વિટઝર્લેન્ડ, ત્રિનિદાદ અને ટોબેગો, યુકે, તુર્કી, યુએઈ અને વિયેતનામની નાગરિકતા લઇ રહ્યા છે.
સંસદના જાણકારોના મતે લોકોના ભારતીય નાગરિકતા છોડવા પાછળ સમાજિક ભેદભાવ, રાજકીય અસ્થિરતા અને જટિલ નીતિગઓ જેવા અન્ય ઘણા કારણો મુખત્વે જવાબદાર છે. મુખ્યત્વે અમેરિકા, યુકે અને કેનેડા જેવા દેશોમાં વધુ સારા પગાર અને કારકિર્દીમાં વધુ ઝડપથી બઢતી અને અન્ય આર્થિક તકો માટે ભારતીય નાગરિકતાનો ત્યાગ કરી રહ્યા છે. આ ઉપરાંત ભારતમાં ઊંચા ટેક્સ રેટને કારણે લોકો અન્ય દેશના નાગરિક બનવાનું પસંદ કરી રહ્યા છે.(૩૮.૨)
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
