<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

ભોપાલ નવાબના મિલ્‍કત વિવાદમાં સૈફઅલી ખાનને ઝટકો : હાઇકોર્ટે ૨૫ વર્ષ જુના નિર્ણય રદ કર્યો

ટ્રાયલ કોર્ટને ૧ વર્ષમાં ફરીથી કેસની સુનાવણી કરાવતો આદેશ આપ્‍યો

જબલપુર, તા.૪: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને તેમના ભોપાલ નવાબના પૈતળક મિલકત વિવાદમાં કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્‍યો છે. ભોપાલ નવાબ હમીદુલ્લાહ ખાનના વારસદારો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર મધ્‍યપ્રદેશ હાઇકોર્ટે મહત્‍વપૂર્ણ ચુકાદો આપ્‍યો છે. હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના ૨૫ વર્ષ જૂના નિર્ણયને રદ કર્યો છે અને કહ્યું છે કે મિલકત વિવાદની નવી સુનાવણી થવી જોઈએ. કોર્ટે નિર્દેશ આપ્‍યો છે કે ટ્રાયલ કોર્ટને એક વર્ષની અંદર આ કેસની સુનાવણી પૂર્ણ કરવી પડશે અને પછી નવો ચુકાદો આપવો પડશે.

આ વિવાદ નવાબ હમીદુલ્લાહ ખાનની પૈતળક મિલકતનો છે, જેમાં સૈફ અલી ખાનની પરદાદી સાજીદા સુલતાનનું નામ પણ સામેલ છે. સાજીદા સુલતાન નવાબની મોટી બેગમની પુત્રી હતી, જેમને પહેલા આ મિલકત આપવામાં આવી હતી. જોકે, બાકીના વારસદારોએ મુસ્‍લિમ પર્સનલ લો હેઠળ મિલકતના સમાન વિભાજનની માંગણી કરી છે.

આ કેસ ભોપાલ ટ્રાયલ કોર્ટમાં શરૂ થયો હતો, જ્‍યાં ૨૫ વર્ષ પહેલા ચુકાદો આપવામાં આવ્‍યો હતો. પરંતુ નવાબના અન્‍ય વારસદારોએ આ નિર્ણયને પડકાર્યો હતો અને હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. હાઇકોર્ટે આ અપીલ પર વિચાર કરીને ટ્રાયલ કોર્ટના જૂના નિર્ણયને રદ કર્યો હતો અને ટ્રાયલ કોર્ટને સમગ્ર કેસની ફરીથી સુનાવણી કરવાનો નિર્દેશ આપ્‍યો હતો.

હાઇકોર્ટનો આ નિર્ણય સૈફ અલી ખાન માટે મોટો આંચકો માનવામાં આવે છે કારણ કે તેનાથી તેમની પરદાદી સાજીદા સુલતાન દ્વારા વારસામાં મળેલી મિલકત જોખમમાં મુકાઈ ગઈ છે. વિવાદમાં બાકીના વારસદારોનો દાવો છે કે મિલકતનું મુસ્‍લિમ પર્સનલ લો હેઠળ યોગ્‍ય રીતે વિભાજન થયું નથી અને તેમને પણ તેમનો હિસ્‍સો મળવો જોઈએ.

નવાબ હમીદુલ્લાહ ખાનનો મિલકત વિવાદ ખૂબ જૂનો છે અને તેના પર ઘણા વર્ષોથી સુનાવણી ચાલી રહી છે. હવે હાઇકોર્ટે આ મામલા પર નવેસરથી નજર નાખવાનો આદેશ આપ્‍યો છે, જેનાથી મિલકતની માલિકી અંગે સ્‍પષ્ટતા આવશે. કોર્ટે ટ્રાયલ કોર્ટને ૧ વર્ષની અંદર સુનાવણી પૂર્ણ કરવા પણ કહ્યું છે જેથી વારસદારોને શકય તેટલી વહેલી તકે ન્‍યાય મળી શકે.

આ કેસ બોલીવુડના એક વ્‍યક્‍તિત્‍વ અને નવાબ પરિવાર વચ્‍ચે મિલકતના અધિકારો અંગે કાનૂની લડાઈનું એક મુખ્‍ય ઉદાહરણ બની ગયું છે, જેમાં ટૂંક સમયમાં નવો નિર્ણય આવવાની અપેક્ષા છે.

(3:14 PM IST)