<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

અમેરિકામાં ગુજરાતીના જવેલરી સ્ટોરમાં ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ : ધાડપાડુઓ માત્ર 66 સેકન્ડમાં લૂંટ કરીને ત્યાંથી ફરાર

સાઉથ કેલિફોર્નિયાના આર્ટેસિયાના બે એરિયામાં અંબર જ્વેલર્સમાં લૂંટ : સ્ટોરની લોખંડની જાળી આગળ એક કાર જોરથી અથડાઈ જેને કારણે દરવાજો તૂટી ગયો. બાદ અંદાજે 12 ધાડપાડુ સ્ટોરની અંદર ઘુસ્યા

અમેરિકામાં ગુજરાતીના સ્ટોરમાં ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ ચલાવવામાં આવી હતી. સાઉથ કેલિફોર્નિયાના આર્ટેસિયાના બે એરિયામાં આવેલા અંબર જ્વેલર્સમાં ચોરીની ઘટના બની હતી. બનાવની વિગત એવી છે કે  સ્ટોરની લોખંડની જાળી આગળ એક કાર જોરથી અથડાઈ હતી, જેને કારણે દરવાજો તૂટી ગયો. જે બાદ અંદાજે 12 ધાડપાડુ સ્ટોરની અંદર આવી ગયા હતા. આ ઘટનામાં સ્ટોરની એક વ્યક્તિ ઘાયલ થઈ હતી.

ધાડપાડુ ત્રાટકતાં સ્ટોરના એક માણસે રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ આટલી મોટી સંખ્યામાં ચોરો હોવાથી તે કોઈને રોકી શક્યા નહીં. સ્ટોરમાં એ સમયે ત્રણ મહિલા પણ હતી અને તે ડરના માર્યા કાઉન્ટર ટેબલની સાઇડમાં જઈને છુપાઈ ગઈ હતી. લૂંટ કેટલાની થઈ એનો ચોક્કસ આંકડો હજી સુધી સામે આવ્યો નથી. ધાડપાડુઓએ સ્ટોરમાં કાચના કેબિનેટ હથોળીથી તોડીને સાથે લાવેલા પ્લાસ્ટિકના મોટા કોથળામાં સોનાનાં ઘરેણાં તથા ઘડિયાળો ભરી દીધી હતી તો કેટલાક ધાડપાડુઓ એકસાથે પાંચથી છ બોક્સ હાથમાં લઈને જતા રહ્યા હતા.

ધાડપાડુઓ માત્ર 66 સેકન્ડમાં લૂંટ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા. ચોરો ચારથી પાંચ કાર લઈને આવ્યા હતા. આ તમામ કારની નંબરપ્લેટ્સ ગાયબ હતી. જ્યારે તેઓ સ્ટોરની બહાર નીકળ્યા ત્યારે આસપાસની દુકાનોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો અને બધાએ પોતપોતાની દુકાનો ફટાફટ બંધ કરી દીધી હતી.

(11:34 PM IST)