News of Saturday, 5th July 2025
બિહારના દિગ્ગજ બિઝનેસમેન ગોપાલ ખેમકાની સરાજાહેર હત્યા
૨૦૧૮ની શરૂઆતમાં ગોપાલ ખેમકાના પુત્ર ગુંજન ખેમકાની પણ પટણામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી

પટના,તા.૦૫: બિહારની રાજધાની પટનામાં મધ્યરાત્રિએ એક સનસનાટીભરી ઘટનાએ બધાને હચમચાવી દીધા. અજાણ્યા ગુનેગારોએ પટનાના મોટા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની માથામાં ગોળી મારીને હત્યા કરી દીધી. આ ઘટના ગાંધી મેદાન નજીક આવેલી પનાસ હોટલની છે.
ગોપાલ ખેમકા બિહારના જાણીતા ઉદ્યોગપતિ હતા. તેઓ રિયલ એસ્ટેટ અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે મોટું નામ હતા. આ હત્યાએ માત્ર તેમના પરિવારને જ નહીં પરંતુ બિહારના સમગ્ર વેપારી સમુદાયને આઘાત આપ્યો છે.
હાલ તો બિહાર પોલીસે આ હત્યા કેસની તપાસ શરૂ કરી દીધી છે. ગોપાલ ખેમકાની હત્યા કોણે કરી તે અત્યાર સુધીનો મોટો પ્રશ્ન છે. હુમલાખોરોની ઓળખ થઈ નથી કે ધરપકડ પણ થઈ નથી. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી હુમલાખોરોની શોધ શરૂ કરી છે. ગોપાલ ખેમકાના પરિવાર માટે આ બીજો મોટો ફટકો છે. ૭ વર્ષ પહેલા ગોપાલ ખેમકાના પુત્રની હત્યા કરવામાં આવી હતી.
૨૦૧૮ની શરૂઆતમાં, ગોપાલ ખેમકાના પુત્ર ગુંજન ખેમકાની પણ પટણામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેનો કેસ હજુ સુધી સંપૂર્ણ રીતે ઉકેલાયો નથી. તે ઘટના પછી, પરિવારે સુરક્ષાની માંગ કરી હતી, પરંતુ આ વખતે પણ ગુનેગારોએ નિર્ભયતાથી ગુનો કર્યો હતો. હાલ તો, પટનામાં મોટા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યા ફરી એકવાર પટના પોલીસ પર સવાલો ઉભા કરી રહી છે. સ્થાનિક લોકોમાં ગભરાટનું વાતાવરણ છે.(૪૦.૭)
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
