<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

૧૧ દીકરીઓના લગ્ન માટે ૧૯૦૦ યુવકોએ અરજી કરી

વરરાજા બનવા માટે ઈન્‍ટરવ્‍યૂ

 

 

જયપુરઃ લગ્નને લઈને  રાજસ્‍થાનમાં એક જ અલગ જ કિસ્‍સો જોવા મળ્‍યો, જ્‍યાં વરરાજા બનવા માટે યુવકોને રીતસરનું ઇન્‍ટરવ્‍યૂ આપવો પડ્‍યો મહિલા સદનની ૧૧ દીકરીઓ માટે રાજ્‍ય સરકારની આ વિશેષ પહેલમાં ૧૯૦૦થી વધારે યુવકોએ અરજી કરી હતી, પણ ફક્‍ત ૧૧ યુવકોને આ અણમોલ જીવનસાથી બનવાનો મોકો મળ્‍યો.

રાજ્‍ય સરકાર દ્વારા સંચાલિત મહિલા સદન, એ મહિલાઓ અને કિશોરીઓને આશ્રય આપે છે, જેમને સમાજ, પરિવાર અથવા પરિસ્‍થિતિએ અસ્‍વીકાર કર્યો હોય. અહીં તેમને રહેવાની સાથે સાથે શિક્ષણ, ટ્રેનિંગ અને ભવિષ્‍યના સપના જોવાનો અવસર મળે છે.

જ્‍યારે મહિલા સદનમાં રહેતી કોઈ યુવતી પુખ્‍ત થઈ જાય છે અને વિવાહ ઇચ્‍છુક થાય છે, તો સરકાર તેમના લગ્ન માટે યોગ્‍ય વર શોધે છે.

સામાજિક ન્‍યાય વિભાગે દ્વારા  અરજી કરનારા યુવકોના પરિવાર, જીવનશૈલી, વ્‍યવસાય અને સામાજિક છબીની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી.

પસંદગી સમિતિએ તમામ અરજીકર્તાના ઘરે જઈને તેમના પરિવેશ અને વ્‍યવહારનું અધ્‍યયન કર્યું. ફક્‍ત ડિગ્રી કે નોકરી નહીં, પણ યુવકનો સ્‍વભાવ, માનસિકતા, મહિલાઓ પ્રત્‍યેનો દૃષ્ટિકોણ અને જીવનમાં સ્‍થિરતાને આધાર બનાવી તેમનું મૂલ્‍યાંકન કર્યું.

ત્‍યાર બાદ શોર્ટલિસ્‍ટ કરેલા યુવકની મુલાકાત મહિલા સદનની યુવતીઓ સાથે કરાવી, જ્‍યાં યુવતીઓને પોતાની સહમતિ અને અસહમતિ સ્‍પષ્ટ રીતે વ્‍યક્‍ત કરવાનો અધિકાર હતો. કોઈ પણ યુવતી પર લગ્ન કરવાનું કોઈ -ેશર નહોતું.

આ પ્રક્રિયા બાદ જે ૧૧ યુવોને સિલેક્‍ટ થયા, તેમાંથી ૬ જયપુરના રહેવાસી છે. આ યુવકોના લગ્ન મહિલા સદનની ૧૧ દીકરીઓ સાથે રીતિ-રિવાજ સાથે કરવામાં આવ્‍યા.

રાજસ્‍થાન સરકારની આ પહેલ અંતર્ગત અત્‍યાર સુધીમાં રાજ્‍યભરમાં ૧૦૦થી વધારે યુવતીઓના લગ્ન થઈ ચૂકયા છે. જેમણે પોતાનું સર્વસ્‍વ ખોઇ દીધું હતું. (૩૮.૭)

(10:12 AM IST)