તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 6th July 2025
જૂનાગઢમાં શિક્ષણના ધામને કલંક : ભેંસાણની સંસ્થામાં ૨૦થી વધુ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ગંભીર આક્ષેપ : આચાર્ય - શિક્ષક પોલીસ સકંજામાં!
રાત્રિના સમયે વિદ્યાર્થીઓને બોલાવીને આચરવામાં આવતું હતું કુકર્મ : ભોગ બનનાર વિદ્યાર્થીઓએ વાલીઓને વાત કરતા સમગ્ર કૃત્યનો પર્દાફાશ : બાળ સુરક્ષા એકમે તપાસ હાથ ધરી : શિક્ષણ જગતમાં વરસી રહ્યો છે ફિટકાર!

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના ભેંસાણ ખાતે આવેલી 'મા અમર શૈક્ષણિક સંકુલ' નામની સંસ્થામાં શરમજનક અને અતિઘૃણિત કૃત્ય આચરવામાં આવ્યું હોવાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક કે બે નહીં પરંતુ ૨૦થી વધુ નિર્દોષ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ સંસ્થાના આચાર્ય અને એક શિક્ષક પર લાગ્યો છે, જેના કારણે સમગ્ર શિક્ષણ જગતમાં ભારે હાહાકાર મચી ગયો છે.
મળતી વિગતો મુજબ, ભેંસાણની આ મા અમર શૈક્ષણિક સંકુલમાં રાત્રિના સમયે વિદ્યાર્થીઓને બોલાવીને શાળાના આચાર્ય અને શિક્ષક દ્વારા આ પ્રકારના કુકર્મો આચરવામાં આવતા હતા. આ ભયાવહ ઘટનાઓનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે ભોગ બનેલા વિદ્યાર્થીઓએ હિંમત કરીને પોતાના વાલીઓને આ સમગ્ર કરતૂતની જાણ કરી. પોતાના સંતાનો સાથે થયેલા આ અધમ કૃત્ય વિશે જાણ થતા જ વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને તેઓ તાત્કાલિક શાળાએ પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો.
વાલીઓના ઉગ્ર વિરોધ અને ગુસ્સાને શાંત પાડવા માટે શાળાના ટ્રસ્ટીઓ દ્વારા તેમને સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટીઓની સમજાવટ બાદ વાલીઓ દ્વારા હાલ પૂરતું સંકુલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનું મુલતવી રાખવામાં આવ્યું હોવા છતાં, આ સમગ્ર ગંભીર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, બાળ સુરક્ષા એકમના લીગલ ઓફિસર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભોગ બનેલા તમામ વિદ્યાર્થીઓના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ગુનામાં કથિત રીતે સંડોવાયેલા આરોપી આચાર્ય અને શિક્ષકની પોલીસે તાત્કાલિક અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
શિક્ષણના ધામ ગણાતી સંસ્થામાં આવા અધમ અને અનૈતિક કૃત્ય સામે લોકોમાં ભારે ફિટકાર વરસી રહ્યો છે. સમાજમાં અને ખાસ કરીને વાલીઓમાં આ ઘટનાને લઈને ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે અને ન્યાયી કાર્યવાહીની ખાતરી આપી છે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
