<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

ઇન્‍દોરના કોન્‍ટ્રાક્‍ટરના ઘર પર ‘સોનાનો'કલર!

યુટયુબરના દાવા ખોટા સાબિત થયાઃ ભોપાળુ છતું થયું પોલીસે નોટિસ ઠપકારી

 

 

ભોપાલઃ તાજેતરમાં મ.પ્રના ઇન્‍દોરમાં એક કોન્‍ટ્રાક્‍ટરના ઘરના રંગને લઈને ભારે હંગામો થયો હતો. એક પ્રખ્‍યાત યુટયુબર પ્રભાવક પ્રિયમ સરસ્‍વતે દાવો કર્યો હતો કે આ ઘરને અસલી સોનૉથી રંગવામાં આવ્‍યું છે, જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્‍યો હતો. આ દાવાને કારણે લોકોમાં કુતૂહલ વધ્‍યું હતું અને ઘણા લોકો આ ઘરને જોવા માટે ઉમટી પડ્‍યા હતા. યુટયુબરના આ વીડિયોને લાખો વ્‍યૂઝ મળ્‍યા હતા અને તેણે ઘણી ચર્ચા જગાવી હતી.

જોકે, આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જ યુટયુબરનો દાવો ખોટો સાબિત થયો હતો. પોલીસના જણાવ્‍યા અનુસાર, ઘર પર કોઈ અસલી સોનું લગાવવામાં આવ્‍યું ન હતું, પરંતુ તે એશિયન પેઇન્‍ટ્‍સ કંપનીના ગોલ્‍ડન કલરથી રંગવામાં આવ્‍યું હતું. આ ખુલાસા બાદ પોલીસે યુટયુબર પ્રભાવકને જાહેર જનતાને ગેરમાર્ગે દોરવા બદલ નોટિસ ફટકારી છે.

આ ઘટના ફરી એકવાર સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતી અને તેના પ્રભાવકોની જવાબદારી પર સવાલો ઉભા કરે છે. ઘણા યુટયુબરો અને પ્રભાવકો માત્ર લાઇક્‍સ અને વ્‍યૂઝ મેળવવા માટે કોઈ પણ હકીકત તપાસ્‍યા વિના ભ્રામક અથવા ખોટી માહિતી ફેલાવતા હોય છે. આવા દાવાઓ સમાજમાં ગેરસમજણ ઊભી કરી શકે છે અને લોકોને ખોટી દિશામાં દોરી શકે છે.(૩૮.૩)

(9:44 AM IST)