News of Monday, 7th July 2025
મોંઘવારી કે ટેક્સ નહીં ઇએમઆઇ થી સૌથી વધારે મૂંઝાયેલો છે મધ્યમ વર્ગ
આજે ફોનથી લઈને ફ્રિજ, સોફા, એસી, ફ્લાઈટ ટિકિટ, બધું જ સરળ હપ્તા પર મળે છે, અહીં સુધી કે કરિયાણાનો સામાન પણ હપ્તા પર મળી રહ્યો છે

નવી દિલ્હી,તા.૭ : ભારતના મધ્યમ વર્ગને દેશની અર્થવ્યવસ્થાનું કરોડરજ્જુ માનવામાં આવે છે. જોકે, આ મધ્યમ વર્ગ હવે સતત દેવામાં ફસાઈ રહ્યો છે. આનું કારણ આ મધ્યમ વર્ગ પોતે જ છે. વેલ્થ એડવાઈઝર તપસ ચક્રવર્તીએ મધ્યમ વર્ગ (મિડલ ક્લાસ)ને લઈને લિંક્ડઈન પર એક પોસ્ટ કરી છે. તેમણે તેમની પોસ્ટમાં લખ્યું છે કે, ભારતનો મધ્યમ વર્ગ મોંઘવારી કે ટેક્સથી એટલો પરેશાન નથી, જેટલો તે ઇએમઆઇ (બેન્કના હપ્તા)થી પરેશાન છે. તેમનું કહેવું છે કે, લોકો કમાય છે, પછી ઉધાર લે છે, પછી તેને ચૂકવે છે અને આ ચક્ર ચાલતું રહે છે. આનાથી તેમની બચત થતી નથી. આનાથી મધ્યમ વર્ગ પર દેવાનો બોજ વધી રહ્યો છે.
પહેલા જરૂરી વસ્તુઓ ખરીદવા માટે ઇએમઆઇ કરાવવામાં આવતા હતા. પરંતુ હવે તે સામાન્ય બાબત બની ગઈ છે. તેમણે લખ્યું છે કે, આજે ફોનથી લઈને ફ્રિજ, સોફા, એસી, ફ્લાઈટ ટિકિટ, બધું જ હપ્તે મળે છે. અહીં સુધી કે કરિયાણાનો સામાન પણ ઇએમઆઇ પર મળી રહ્યો છે. લોકોને ઇએમઆઇ પર કોઈ વસ્તુ લેવી સામાન્ય લાગી રહી છે.
પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ભારતમાં લોકોનું દેવું વધીને જીડીપી ના ૪૨% સુધી પહોંચી ગયું છે. આ દેવામાંથી ૩૨.૩% એવું છે જે કોઈ વસ્તુ ગીરવે રાખ્યા વગર લેવામાં આવ્યું છે, જેમ કે ક્રેડિટ કાર્ડ, પર્સનલ લોન અને બાય નાવ પેલેટર, જેવી સર્વિસ ભારતમાં આઈફોન વાપરનારાઓમાંથી ૭૦% લોકોએ તેને હપ્તા પર ખરીદ્યો છે. નાની લોન લેનારાઓમાંથી લગભગ ૧૧% લોકો લોન ચૂકવવામાં નિષ્ફળ રહ્યા છે. પાંચમાંથી ત્રણ લોકોની એકસાથે ત્રણ કે તેનાથી પણ લોન ચાલી રહી છે.
તપસ ચક્રવર્તીનું કહેવું છે કે, આપણે માત્ર ખર્ચ જ નથી કરી રહ્યા, પરંતુ ધીમે-ધીમે દેવું વધારી રહ્યા છીએ. દરેક ઇઅમેઆઇ દેખાવમાં તો નાની લાગે છે, પરંતુ આ બધીને ભેગી કરીએ તો મોટી રકમ બની જાય છે. જેમ કે, એક ફોન ૨૪૦૦ રૂપિયા પ્રતિ મહિને, એક લેપટોપ ૩૦૦૦ રૂપિયા, એક બાઈક ૪૦૦૦ રૂપિયા અને ક્રેડિટ કાર્ડનું બિલ ૬૫૦૦ રૂપિયાથી વધુ થઈ શકે છે. આ બધું મળીને મહિનાની વચ્ચે જ ૨૫,૦૦૦ રૂપિયા સુધી પહોંચી શકે છે. આનાથી લોકોની બચત થઈ શકતી નથી અને જો કોઈ મેડિકલ ઈમરજન્સી આવી જાય, તો બધું જ બગડી જાય છે.
તેમણે એમ પણ કહ્યું કે આ ફક્ત એક પરિવારની સમસ્યા નથી. ઓછી બચતને કારણે દેશમાં રોકાણ ઘટશે, વધુ દેવાને કારણે લોકો વધુ ડિફોલ્ટ કરશે અને તણાવ વધવાથી કામ કરવાની ક્ષમતા પર અસર પડશે. તેમણે લખ્યું છે કે, આનાથી મધ્યમ વર્ગ પરેશાન થશે, તો દેશની પ્રગતિ ધીમી પડી જશે. આ ફક્ત એક પરિવારને જ નહીં, પરંતુ બધાને અસર કરશે. (૩૮.૧૨)
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
